- સંજય વોરા…
- તા. ૩૧ જુલાઇ, રવિવાર
રશિયાના ૧૦૫ ખેલાડીઓ ડોપિંગ ટેસ્ટમાં નપાસ થયા છે
બીબીસી દ્વારા તાજેતરમાં કરાવવામાં આવેલા સર્વે મુજબ રમતગમતમાં ડોપિંગનાં
દૂષણને કારણે દુનિયાભરના દર્શકોને ઓલિમ્પિક રમતોમાં દિલચશ્પી ઘટી રહી છે.
કુસ્તીની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં કાંસ્યચન્દ્રક મેળવનાર પહેલવાન નરસિંહ યાદવ પ્રતિબંધિત સ્ટેરોઇડનો ઉપયોગ કરતા પકડાઇ ગયો હોવાથી ભારતના ખેલકૂદ જગતમાં ઉહાપોહ મચી ગયો છે. ભારતની નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા કરવામાં આવેલાં પરીક્ષણમાં નરસિંહ યાદવના લોહીમાં મિથેનડાઇનોન નામનું કેમિકલ મળી આવ્યું હતું, જેનો ઉપયોગ સ્નાયુઓની તાકાત વધારવા માટે થતો હોય છે. બ્રાઝિલના રિયો ડિ જાનેરોમાં તા.૫ ઓગસ્ટથી શરૂ થનારી ઓલિમ્પિક રમતોમાં ૭૪ કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કુસ્તીની કક્ષામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે બે વખત ઓલિમ્પિકમાં ચન્દ્રકો જીતનારા સુશીલ કુમાર અને નરસિંહ યાદવ વચ્ચે વિવાદ થયો હતો. દિલ્હી હાઇ કોર્ટના ચુકાદાને કારણે નરસિંહ યાદવની પસંદગી થઇ હતી, પણ હવે ડોપિંગ ટેસ્ટમાં ફેલ થતાં તેને ભારતની ટીમમાંથી પડતો મૂકવામાં આવે તેવી સંભાવના છે. જો નરસિંહ યાદવ રિયોમાં રમી નહીં શકે તો ભારતની કુસ્તીમાં મેડલ મેળવવાની આશા પણ ધૂંધળી બની જશે.
નરસિંહ યાદવની સાથે તેનો રૂમસાથી સંદીપ યાદવ પણ ડોપિંગ ટેસ્ટમાં ફેલ ગયો હોવાથી કોઇ કાવતરાંની ગંધ આવી રહી છે. એવો આક્ષેપ થઇ રહ્યો છે કે આ બંને ખેલાડીઓના ખોરાકમાં તેમની જાણ બહાર નશાકારક પદાર્થ ભેળવી દેવામાં આવતો હતો. નરસિંહ યાદવનો છેલ્લાં ૧૦ વર્ષનો ટ્રેક રેકોર્ડ અત્યંત સ્વચ્છ હોવાને કારણે કાવતરાંની શંકા બળવત્તર બને છે. ભારતના રમત જગતમાં ડ્રગ્સનો વિવાદ નવો નથી. ભૂતકાળમાં ઘણા ખેલાડીઓ ડ્રગ્સ લેતા પકડાયા છે. ભારતમાં ડ્રગ્સનું ટેસ્ટિંગ કરવાની લેબોરેટરીની સ્થાપના છેક ઇ.સ.૧૯૯૦માં થઇ હતી, પણ તેને વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા માન્યતા છેક ૨૦૦૮માં આપવામાં આવી હતી. ત્યાં સુધી કોઇ પણ ખેલાડીને ડ્રગ્સ લેવા બદલ ગેરલાયક ઠરાવવામાં આવે તો મામલો અદાલતમાં જતો હતો.
બ્રાઝિલમાં યોજાનારી ઓલિમ્પિક રમતો નશાકારક દ્રવ્યોના વિવાદને કારણે કુખ્યાત થઇ જાય તેવી તમામ સંભાવના છે. ભારતના બે ખેલાડીઓ ડોપિંગ ટેસ્ટમાં ફેલ થયા તેનો આટલો વિવાદ થયો છે તો રશિયાના ૩૮૭ પૈકી ૧૦૫ ખેલાડીઓ ફેલ થવાને કારણે કેટલો વિવાદ થયો હશે તેની કલ્પના કરવા જેવી છે. રશિયાના એક પછી એક ખેલાડીઓ ડોપિંગ ટેસ્ટમાં ફેલ જતાં રશિયાની આખી ટીમને જ ડિસ્ક્વોલિફાય કરવાની માગ ઉઠી હતી, પણ ઓલિમ્પિક્સના આયોજકોએ આ નિર્ણય વ્યક્તિગત સ્પર્ધાઓના આયોજકો પર છોડ્યો હતો. ટ્રેક એન્ડ ફિલ્ડ કેટેગરીમાં રશિયાના ૬૭ એથ્લેટો ડોપિંગ ટેસ્ટમાં ફેલ જતાં તેમને સ્પર્ધા માટે ગેરલાયક જાહેર કરવામાં આવ્યા છે.
રશિયામાં ઓલિમ્પિકસમાં ભાગ લેનારા ખેલાડીઓનું પરીક્ષણ કરવા માટે સરકાર દ્વારા લેબોરેટરી ચલાવવામાં આવે છે, પણ તેનાં પરિણામોમાં ગોલમાલ કરવામાં આવે છે. આ ગોલમાલ રશિયાની સરકારના નિર્દેશ હેઠળ જ કરવામાં આવતી હતી. વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા આ કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. રશિયાના જે ૧૦૫ ખેલાડીઓને રિયો ઓલિમ્પિકમાં ભાગ લેતા અટકાવવામાં આવ્યા છે તેમાં ઇ.સ.૨૦૧૨ની સ્પર્ધામાં મેન્સ ડબલ્સ કાયાક ૨૦૦ મીટરમાં ગોલ્ડ મેડલ જીતનારા એલેક્ઝાન્ડર દાઇચેન્કોનો પણ સમાવેશ થાય છે. કેનોઇંગ સ્પર્ધામાં કુલ આઠ અને રોવિંગની સ્પર્ધામાં રશિયાના ૨૨ ખેલાડીઓને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.
ઇ.સ.૧૯૦૪માં ઓલિમ્પિક ગેમ્સનો પ્રારંભ થયો ત્યારથી નશાકારક દ્રવ્યો બાબતમાં વિવાદો થતા આવ્યા છે. અમેરિકાના સેન્ટ લુઇસમાં યોજાયેલી પહેલી ઓલિમ્પિકમાં મેરેથોન જીતનારો ખેલાડી થોમસ હિક્સ સ્ટ્રિકનાઇન નામનો નશાકારક પદાર્થ લેતો હોવાનું પાછળથી બહાર આવ્યું હતું. ઇ.સ.૧૯૬૮ની મેક્સિકો ઓલિમ્પિકમાં ડોપિંગનો પહેલો કિસ્સો સાબિત થયો હતો, કારણ કે ત્યારે નશાકારક પદાર્થોના સેવનની ગંભીરતા ખ્યાલમાં આવી હતી. ઇ.સ.૧૯૬૮માં પુરૂષોની પેન્ટેથેલોન હરિફાઇમાં સ્વિડનનો ખેલાડી હાન્સ ગુન્નર કાંસ્યચંદ્રક જીત્યો હતો, પણ તેણે આલ્કોહોલનું સેવન કર્યું હોવાનું બહાર આવતાં તેનો ચંદ્રક છીનવી લેવામાં આવ્યો હતો.
ઇ.સ.૧૯૮૮માં પુરૂષોની ૧૦૦ મીટરની રેસમાં કેનેડાના બેન જોન્સને સુવર્ણચંદ્રક જીત્યો હતો, પણ તે ડોપિંગ ટેસ્ટમાં નપાસ થતાં તેનો ચંદ્રક છીનવી લેવામાં આવ્યો હતો. ઇ.સ.૨૦૦૦માં સિડનીમાં યોજાયેલી રમતોમાં અમેરિકાની મારિયોન જોન્સે ટ્રેક એન્ડ ફિલ્ડમાં ત્રણ સુવર્ણચંદ્રકો સહિત કુલ પાંચ મેડલ જીત્યા હતા, પણ ડોપિંગ ટેસ્ટમાં ફેલ જતાં બધા મેડલો રદ્દ થયા હતા.
ઇ.સ.૨૦૧૨માં લંડનમાં યોજાયેલી ઓલિમ્પિક રમતોમાં પણ કુલ ત્રણ ખેલાડીઓના મેડલો ડોપિંગ ટેસ્ટમાં ફેલ થવાને કારણે ઝૂંટવી લેવામાં આવ્યા હતા. આજ દિન સુધી ઓલિમ્પિકમાં અમેરિકાના ૧૨ અને રશિયાના ૧૧ ખેલાડીઓના મેડલો ઝૂંટવી લેવામાં આવ્યા છે. પુરૂષોની વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં સૌથી વધુ ૧૩ મેડલો કેફી દ્રવ્યોને કારણે ઝૂંટવી લેવામાં આવ્યા છે.
ઇ.સ.૧૯૬૮ની સાલથી ઓલિમ્પિક રમતોમાં ડોપિંગ ટેસ્ટ શરૂ કરવામાં આવી ત્યારથી દરેક રમતમાં કેટલાક ખેલાડીઓ તેમાં પકડાય જ છે. તેમાં અપવાદ ઇ.સ.૧૯૮૦માં યોજાયેલી મોસ્કો ઓલિમ્પિકનો હતો, જેમાં ડોપિંગનો એક પણ કિસ્સો પકડાયો નહોતો. જોકે સોવિયેટ રશિયાનું વિભાજન થયું અને લોખંડી પડદો હટી ગયો તે પછી બહાર આવ્યું હતું કે ઇ.સ.૧૯૮૦માં રશિયાની સરકારે લેબોરેટરીમાં ગોલમાલ કરી હોવાને કારણે ડોપિંગનો કિસ્સો પકડાયો નહોતો.
આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેતા કોઇ ખેલાડી ડ્રગ્સનું સેવન તો નથી કરતા ને? તેની તપાસ કરવા માટે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીની સ્થાપના કરવામાં આવી છે. તેમની પાસે દર વર્ષે આશરે બે લાખ લોહીના નમૂનાઓ પરીક્ષણ માટે આવે છે. તેમાંના આશરે બે હજાર નમૂનામાં નશાકારક પદાર્થોની હાજરી જોવા મળે છે. ઇ.સ.૨૦૧૨ની લંડન ઓલિમ્પિકમાં જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો તેમાંના અડધાની ડોપિંગ ટેસ્ટ કરવામાં આવી હતી. લંડન ઓલિમ્પિક વખતે તમામ ખેલાડીઓને ચેતવણી આપવામાં આવી હતી કે નિરીક્ષકો ગમે ત્યારે તમારી રૂમમાં પ્રવેશ કરી શકે છે. રિયોમાં તો આ યંત્રણાને વધુ કડક બનાવવામાં આવી છે.
ઓલિમ્પિકમાં ભાગ લેતા ખેલાડીઓ પર તેમના દેશ તરફથી સારો દેખાવ કરવાનું અને મેડલ જીતવાનું દબાણ હોય છે, જેને કારણે તેઓ નશાકારક પદાર્થો લેતા થઇ જાય છે. આજની તારીખમાં જે પદાર્થોનું સૌથી વધુ સેવન થાય છે તેમાં ડાર્બેપોટિન, ફુરોસેમાઇડ અને ટીએચજી તરીકે ઓળખાતા પદાર્થો સૌથી વધુ વ્યાપક છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિયેશન દ્વારા દર વર્ષે પ્રતિબંધિત પદાર્થોની યાદી બહાર પાડવામાં આવે છે. ખેલાડીઓ દર વર્ષે આ યાદીમાં જેનો સમાવેશ ન થયો હોય તેવા નવા નશાકારક પદાર્થો શોધી કાઢે છે, જેને કારણે યાદીમાં સતત વધારા કરવા પડે છે. ક્રિકેટમાં જેમ સટ્ટાનું દૂષણ ઘૂસી ગયું છે તેમ ઓલિમ્પિકમાં ડ્રગ્સનું દૂષણ ગંભીર બની ગયું છે. બીબીસી દ્વારા તાજેતરમાં કરાવવામાં આવેલા સર્વે મુજબ રમતગમતમાં ડોપિંગનાં દૂષણને કારણે દુનિયાભરના દર્શકોને ઓલિમ્પિક રમતોમાં દિલચશ્પી ઘટી રહી છે.