- દિવ્ય ભાસ્કર….
- ન્યૂઝ વોચ….
- સંજય વોરા…
- તા. ૩૧ ઓગસ્ટ , બુધવાર
સંતની પદવી પાછળની અંધશ્રદ્ધા :
વિશ્વ હિન્દુ પરિષદ કેમ નરેન્દ્ર મોદીથી નારાજ છે?
રાજકારણનું બીજું નામ જ દંભ છે. જે સંઘપરિવારે મધર ટેરેસા દ્વારા કરવામાં આવતાં ધર્માંતરણનો ઉગ્ર વિરોધ કર્યો હતો તેના ભૂતપૂર્વ પ્રચારક અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ‘મન કી બાત’ રેડિયો સંબોધનમાં મધર ટેરેસાને વેટિકન દ્વારા અપાઇ રહેલી સંતની પદવી બાબતમાં ગર્વની લાગણી વ્યક્ત કરી છે. જે ભારત સરકાર બિનસાંપ્રદાયિક હોવાનો દાવો કરે છે તે હાડોહાડ અંધશ્રદ્ધાને પોષતા કાર્યક્રમમાં પોતાનું ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિમંડળ વેટિકન મોકલવાની છે, જેની આગેવાની ભારતનાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ લેવાનાં છે. જે મમતા બેનરજી અને અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓ ભારતમાં બિનસાંપ્રદાયિકતાનો ચિપિયો પછાડતા થાકતા નથી, તેઓ પણ જૂઠા ચમત્કારોના આધારે મધર ટેરેસાને અપાનારી સંતની પદવીના સમારંભમાં સામેલ થવાના છે. જે રેશનાલિસ્ટો હિન્દુ બાબાઓ અને સંન્યાસીઓ દ્વારા કરવામાં આવતા તથાકથિત ચમત્કારો સામે દાયકાઓથી ઝુંબેશ ચલાવી રહ્યા છે, તેઓ પણ મધર ટેરેસા બાબતમાં મૌન થઇ ગયા છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાયમનો દાવો રહ્યો છે કે મધર ટેરેસા સહિતના ખ્રિસ્તી મિશનરીઓ ગરીબોને વટલાવવાના આશયથી જ તેમની સેવાની પ્રવૃત્તિ કરે છે. ઇ.સ.૨૦૧૫ના ફેબ્રુઆરી મહિનામાં સંઘના વડા મોહન ભાગવતે રાજસ્થાનના ભરતપુરમાં એક અનાથાશ્રમનું ઉદ્ઘાટન કર્યું ત્યારે તેમણે જાહેરમાં કહ્યું હતું કે, તેમણે ગરીબોની સારી સેવા કરી હતી, પણ તેમનો ઉદ્દેશ તેમને વટલાવવાનો હતો. ઇ.સ.૧૯૯૦ના દાયકામાં મધર ટેરેસાએ અમદાવાદની મુલાકાત લીધી ત્યારે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર કે.એસ. વર્માએ પોતાના નિવાસસ્થાને તેમનું અભિવાદન કરવાનો સમારંભ યોજ્યો હતો, પણ ગુજરાત ભાજપના કોઇ નેતા તેમાં ઉપસ્થિત રહ્યા નહોતા.
હવે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરતાં મધર ટેરેસાને બિરદાવ્યાં છે તેનો વિરોધ કરવા વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં આવી ગઇ છે. તેના સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈને જાહેરમાં જણાવ્યું છે કે મધર ટેરેસાને સંતની પદવી મળવાથી ભારતના મિશનરીઓને મળતા ભંડોળમાં વૃદ્ધિ થશે અને ભારતમાં વટાળપ્રવૃત્તિમાં પણ ઉછાળો આવશે. વિશ્વ હિન્દુ પરિષદે તો નરેન્દ્ર મોદીની ટીકા કરતાં કહ્યું છે કે, તેમણે વેટિકનમાં ડેલિગેશન મોકલતા પહેલા પણ વિચારવું જોઇતું હતું.
ઇ.સ. ૧૯૯૭માં મધર ટેરેસાનું મરણ થયું તે પછી રોમન કેથોલિક ચર્ચે તેમને મરણોત્તર સંતની પદવી આપવાની પ્રક્રિયા શરૂ કરી હતી. કોઇ પણ વ્યક્તિને સંતની પદવી આપવી હોય તો તેના નામે ઓછામાં ઓછા બે ચમત્કારો હોવા જોઇએ. સંતની પદવી આપતાં પહેલાં બિટીફિકેશન નામની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે વ્યક્તિના મોત પછી પાંચ વર્ષે બિટીફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે,પણ મધર ટેરેસાની બાબતમાં આ પ્રક્રિયા એક વર્ષમાં જ હાથ ધરવામાં આવી હતી. બિટીફિકેશન માટે મધર ટેરેસાના નામે ઓછામાં ઓછો એક ચમત્કાર પુરવાર કરવો જરૂરી હતો. કોલકાતામાં રહેતી મોનિકા બેરસા નામની મહિલાએ દાવો કર્યો હતો કે મધર ટેરેસાના ફોટામાંથી નીકળતા પ્રકાશના કિરણના પ્રભાવે તેની કેન્સરની ગાંઠ મટી ગઇ હતી. આ દાવાને આધારે મધર ટેરેસાનું બિટીફિકેશન કરી દેવામાં આવ્યું હતું. જોકે આ મહિલાની સારવાર કરતા ડો. રંજન મુસ્તફીએ સ્પષ્ટ કહ્યું હતું કે મોનિકાને કેન્સરની ગાંઠ નહોતી પણ સાદી ગાંઠ હતી. કહેવાય છે કે મધર ટેરેસાએ બ્રાઝિલના પુરૂષના મગજની કેન્સરની કાલ્પનિક ગાંઠ પણ દૂર કરી હોવાથી તેમના નામે બીજો ચમત્કાર લખાઇ જતાં તેમને તા. ૪ સપ્ટેમ્બરે વેટિકનમાં સંતની પદવી આપવાનું નક્કી થયું હતું.
ઇ.સ. ૧૯૯૫માં ક્રિસ્ટોફર હિચેન્સ નામના લેખકે મધર ટેરેસાની જીવનકથા લખીને તેમના દંભનો પર્દાફાશ કર્યો હતો. આ પુસ્તકમાં મધર ટેરેસા સાથે સંકળાયેલા અનેક વિવાદોની છણાવટ કરવામાં આવી છે. ક્રિસ્ટોફર હિચેન્સ પોતાનાં પુસ્તકમાં એવો દાવો કરે છે કે મધર ટેરેસા પાસે જે દર્દીઓ આવતા હતા તેમને સાજા કરીને જીવાડવા કરતાં તેમને શાંતિથી મરવા દેવામાં જ તેમને વધુ રસ હતો.
બ્રિટનના વિખ્યાત લાન્સેટ મેગેઝિનના લેખક ડો. રોબિન ફોક્સે કોલકાતાના કાલિઘાટ ખાતે આવેલી મિશનરીઝ ઓફ ચેરિટીઝની હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે તેમને જોઇને આંચકો લાગ્યો હતો કે તેમાં દર્દીઓને ભાગ્યે જ કોઇ આધુનિક સારવાર આપવામાં આવતી હતી. આ હોસ્પિટલમાં લગભગ ૨૩,૦૦૦ લોકોનાં મોત થયાં હતાં. કોલકાતા ખાતે આવેલી મિશનરીઝ ઓફ ચેરિટીઝની હોસ્પિટલમાં દર્દીઓને ભગવાન ભરોસે છોડી દેવામાં આવતા હતા, પણ મધર ટેરેસાને જ્યારે હૃદય રોગનો હુમલો આવ્યો કે વૃદ્ધાવસ્થાને કારણે સારવારની જરૂર પડતી ત્યારે તેમને અમેરિકાની અદ્યતન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હતાં. મધર ટેરેસામાં લોકોને સાજા કરવાની ચમત્કારિક શક્તિઓ હોવાનો દાવો કરવામાં આવતો હતો, પણ તેઓ માંદા પડતાં ત્યારે આ શક્તિઓ કામ લાગતી નહોતી.
મિશનરીઝ ઓફ ચેરિટીઝને ભારતમાંથી અબજો રૂપિયાનું ડોનેશન મળતું હતું, પણ તેનો ઉપયોગ ભારતની પ્રજાના કલ્યાણ માટે ભાગ્યે જ કરવામાં આવતો હતો. ભારતમાં વિનાશક પૂરો આવ્યાં ત્યારે પૂરરાહતમાં ફાળો આપવાને બદલે મધર ટેરેસાએ પૂરગ્રસ્તો માટે પ્રાર્થના સભાઓ યોજી હતી. એક હેવાલ મુજબ મધર ટેરેસાને મળેલા ભંડોળમાંથી દુનિયાના ૧૦૦ દેશોમાં ૫૧૭ કોન્વેન્ટ શાળાઓ ખોલવામાં આવી હતી, જેમાં આજની તારીખમાં વટાળપ્રવૃત્તિઓ જોરમાં ચાલી રહી છે.