અબજોપતિ બાલકૃષ્ણનો પગાર શૂન્ય રૂપિયા છે

 • દિવ્ય ભાસ્કર….
 • ન્યૂઝ વોચ….
 • સંજય વોરા…
 • તા.  ૨૪  સપ્ટેમ્બર , શનિવાર

 

photo

 

બાબા રામદેવ અને તેમના ચેલા આચાર્ય બાલકૃષ્ણની કથા કોઇ પરીકથાનાં પાત્રો જેવી છે. ફોર્બ્સ મેગેઝિને ભારતના જે ૧૦૦ અબજોપતિઓની યાદી બહાર પાડી છે તેમાં આચાર્ય બાલકૃષ્ણ ૪૮મા ક્રમાંકે પહોંચી ગયા છે. ફોર્બ્સ મેગેઝિનની ગણતરી પ્રમાણે બાલકૃષ્ણ કુલ ૨.૫ અબજ ડોલરના આસામી છે, કારણ કે પતંજલિ આયુર્વેદ કંપનીમાં તેમનો ૯૭ ટકા હિસ્સો છે. ઇ.સ.૧૯૯૫માં બાબા રામદેવ અને બાલકૃષ્ણ પતંજલિ કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવા ગયા ત્યારે તેમનાં ખિસ્સામાં કુલ ૩,૫૦૦ રૂપિયા હતા, પણ રજિસ્ટ્રેશન માટે ૧૩,૦૦૦ રૂપિયાની જરૂર હતી. તેમણે બે મિત્રો પાસેથી પાંચ-પાંચ હજાર રૂપિયા ઉધાર લીધા અને પતંજલિનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આજે પતંજલિ આયુર્વેદ ભારતની સૌથી ઝડપથી વિકાસ પામતી કંપની બની ગઇ છે. ઇ.સ.૨૦૧૫-૧૬માં તેનું ટર્નઓવર ૫,૦૦૦ કરોડ રૂપિયા હતું, જે ઇ.સ.૨૦૨૦ સુધીમાં ૨૦,૦૦૦ કરોડ પર પહોંચી જવાની ધારણા છે. નવાઇની વાત એ છે કે પતંજલિ માટે દિવસના ૧૫ કલાક કામ કરતાં બાલકૃષ્ણ એક પણ રૂપિયાનો પગાર લેતા નથી.

જાણીને નવાઇ લાગશે, પણ આચાર્ય બાલકૃષ્ણ મૂળ નેપાળના રહેવાસી હતા. ઇ.સ.૧૯૭૨માં બાલકૃષ્ણનો જન્મ થયો તે પછી તેમના માબાપ નેપાળ છોડીને ભારતમાં રહેવા આવી ગયા હતા. તેમનું પ્રારંભિક શિક્ષણ હરિયાણાના કલવામાં આવેલાં પ્રાચીન પદ્ધતિનાં ગુરુકુળમાં થયું હતું. તેમના ગુરુનું નામ આચાર્યજી બલદેવજી હતું. તેઓ આર્ય સમાજના સંત હતા. બલદેવજીના આશ્રમમાં બાલકૃષ્ણ અને રામદેવજી પહેલી વખત મળ્યા હતા. બાલકૃષ્ણે સંસ્કૃતનો અભ્યાસ કરીને વારાણસીની સંપૂર્ણાનંદ વિશ્વવિદ્યાલયમાંથી અનુસ્નાતક ઉપાધિ મેળવી હતી, જ્યારે રામદેવ યોગવિદ્યામાં પારંગત થયા હતા.

ઇ.સ.૧૯૯૫માં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ હરિદ્વારમાં રહેવા આવ્યા હતા. ત્યાં તેમણે આયુર્વેદિક દવાઓ બનાવવા માટે દિવ્ય ફાર્મસી ખોલી અને લોકોનો ઉપચાર કરવા લાગ્યા. બાબા રામદેવ યોગની શિબિરો કરવા લાગ્યા તો આચાર્ય બાલકૃષ્ણ તેમની શિબિરની બહાર આયુર્વેદિક દવાઓનો સ્ટોલ લગાડવા લાગ્યા. ઇ.સ.૨૦૦૬માં તેમણે પતંજલિ આયુર્વેદના માધ્યમથી આયુર્વેદિક દવાઓ ઉપરાંત વિવિધ ખાદ્ય પદાર્થો પણ વેચવા માંડ્યા. ત્યારે કેન્દ્રમાં યુપીએનું રાજ હોવાથી બાબા રામદેવ અને બાલકૃષ્ણની અગ્નિપરીક્ષા થઇ. તેમની પર જાતજાતના આક્ષેપો થવા લાગ્યા.

બાબા રામદેવ પોતાની યોગ શિબિરોમાં ખુલ્લેઆમ ભાજપનું સમર્થન કરતા હોવાથી કોંગ્રેસીઓ અને ડાબેરીઓ તેમના પર રોષે ભરાયા હતા. બાબા રામદેવ પતંજલિ કંપનીમાં એક પૈસાનો પણ ભાગ ધરાવતા ન હોવાથી તેમણે આચાર્ય બાલકૃષ્ણને સાણસામાં લીધા હતા. પહેલા ડાબેરીઓ દ્વારા જૂઠો પ્રચાર કરવામાં આવ્યો કે બાબા રામદેવની દવાઓમાં મનુષ્યની ખોપડીનો પાવડર ભેળવવામાં આવે છે. પછી જાહેર કરવામાં આવ્યું કે આચાર્ય બાલકૃષ્ણની ડિગ્રી બોગસ છે. પછી તેમની સામે બનાવટી પાસપોર્ટનો કેસ કરીને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. બાલકૃષ્ણ પર સીબીઆઇ, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ વગેરે એજન્સીઓ દ્વારા જાતજાતના જૂઠા કેસો કરવામાં આવ્યા. ઇ.સ.૨૦૧૪માં કેન્દ્રમાં એનડીએની સરકાર આવી ત્યારે રામદેવ અને બાલકૃષ્ણના નસીબનું પાસું પલટાયું. તેમની સામેના તમામ જૂઠા કેસો પાછા ખેંચી લેવાયા. હવે બાબા રામદેવે પોતાની તમામ શક્તિ પતંજલિના બ્રાન્ડ એમ્બેસેડર બનીને તેનો વિકાસ કરવામાં લગાડી દીધી.

પતંજલિ આયુર્વેદ કંપની દ્વારા સાબુ અને શેમ્પૂથી માંડીને ટૂથપેસ્ટ અને નૂડલ જેવી આશરે ૪૦૦ પ્રોડક્ટો બજારમાં ઊતારી દેવામાં આવી. ઇ.સ.૨૦૧૪માં નેસ્લેના મેગી નૂડલ્સ પર પ્રતિબંધ હતો ત્યારે જ બાબા રામદેવે આટા નૂડલ્સ બજારમાં ઊતારીને મેગીની માર્કેટ કબજે કરવાનો પ્રયાસ કર્યો. વર્તમાનમાં દેશભરમાં આશરે ૧૦,૦૦૦ સ્ટોર્સ એવા છે, જે માત્ર પતંજલિની જ પ્રોડક્ટો વેચે છે. પતંજલિના સપાટાને કારણે ભારતમાં એક સદી કરતાં વધુ સમયથી ધંધો કરતી મલ્ટિનેશનલ કંપનીઓ અસલામતીનો અનુભવ કરવા લાગી. ભારત સરકારની ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની નીતિનો લાભ લઇને પતંજલિએ ફૂડ પાર્કના ધંધામાં પણ ઝંપલાવી દીધું છે. હવે ટૂંક સમયમાં માત્ર પતંજલિની જ પ્રોડક્ટ વેચતા આલિશાન મોલ શરૂ કરવાની પણ તેમણે જાહેરાત કરી છે.

આચાર્ય બાલકૃષ્ણ પતંજલિ આયુર્વેદમાં ૯૭ ટકા હિસ્સો ધરાવે છે તો બાકીનો ત્રણ ટકા હિસ્સો કોની પાસે છે? તેવો સવાલ પણ કેટલાકને થતો હશે. આ હિસ્સો બિનનિવાસી ભારતીય યુગલ સુનિતા અને શ્રવણ પોદ્દારના હાથમાં છે. ઇ.સ.૨૦૦૬માં આચાર્ય બાલકૃષ્ણ પતંજલિની બ્રાન્ડ સાથે ધંધામાં આગળ વધવા માગતા હતા, પણ તેમની પાસે મૂડી નહોતી. તેમનું બેન્કમાં ખાતું પણ નહોતું, માટે તેમને બેન્ક કોઇ લોન આપે તેવી સંભાવના નહોતી. આ સંયોગોમાં બાબા રામદેવના ભક્ત પોદ્દાર યુગલે તેમને ૫૦ કરોડ રૂપિયાની લોન આપી હતી. આ લોન સામે તેમણે પોદ્દાર યુગલને પતંજલિના ત્રણ ટકાના ભાગીદાર બનાવ્યા છે. હવે પતંજલિને બેન્કની ૭૦૦ કરોડની લોન મળવાની છે.

અબજોપતિ બન્યા પછી પણ આચાર્ય બાલકૃષ્ણની જીવનશૈલીમાં કોઇ ફરક પડ્યો નથી. તેઓ હજુ સફેદ વસ્ત્રો પહેરે છે અને સવારે સાતથી રાતે દસ સુધી પતંજલિની ઓફિસમાં કામ કરે છે. તેમને કોમ્પ્યુટર ચલાવતા આવડતું નથી, પણ તેઓ આઇ ફોન વાપરે છે. આચાર્ય બાલકૃષ્ણ બ્રહ્મચારી છે, માટે તેમને રજાની જરૂર પડતી નથી. છેલ્લાં દસ વર્ષમાં તેમણે એક પણ દિવસની રજા લીધી નથી.

રફાલ સોદામાં ભાવતાલ કરીને ભારત ખાટી ગયું

 • દિવ્ય ભાસ્કર….
 • ન્યૂઝ વોચ….
 • સંજય વોરા…
 • તા.  ૨૩  સપ્ટેમ્બર , શુક્રવાર

 

download

 

કોઇ પણ ગુજરાતી ગૃહિણી બજારમાં ખરીદી કરવા જાય ત્યારે ભાવતાલ કર્યા વિના રહેતી નથી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાવતાલ કરવાની કળામાં પાવરધા છે. ભારતે ફ્રાન્સની દસોલ્ટ કંપની સાથે ગયાં વર્ષના મે મહિનામાં ૩૬ રફાલ ફાઇટર જેટ ખરીદવા માટે વાટાઘાટો શરૂ કરી ત્યારે તેની કુલ કિંમત ૧૨ અબજ યુરો માગવામાં આવી હતી. ભારતે રફાલ વિમાન ખરીદવાનો નિર્ણય કરી લીધો હતો; પણ ભાવ ઘટાડવાનો આગ્રહ પણ ચાલુ રાખ્યો હતો. આ વર્ષની તા.૨૬ જાન્યુઆરીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇઝ ઓલાન્દે ભારતના મહેમાન બન્યા ત્યારે તેઓ આ સોદો ફાઇનલ કરવા માગતા હતા, માટે તેમણે કિંમત ઘટાડીને ૮.૬ અબજ યુરો કરી નાખી હતી. ભારતના વડા પ્રધાનને લાગ્યું કે આ ખરીદીમાં હજુ કસ મારી શકાય તેમ છે, માટે તેમણે સોદો મુલતવી રાખ્યો હતો.

હવે ૧૭ મહિનાની રકઝક પછી દસોલ્ટ કંપની ૩૬ જેટ વિમાન તેના સશસ્ત્રસરંજામ સાથે ૭.૮૮ અબજ યુરોમાં વેચવા તૈયાર થઇ છે, ત્યારે હવે વધુ બાર્ગેઇનિંગને અવકાશ ન હોવાની ખાતરી થતાં ભારતે સોદો ફાઇનલ કર્યો છે. ભારતના વડા પ્રધાનની વણિકગીરીને કારણે દેશને ઓછામાં ઓછા ચાર અબજ યુરોનો ફાયદો થયો છે. બીજા શબ્દોમાં ફ્રેન્ચ કંપનીએ રફાલ વિમાનો માટે જે મૂળ ભાવ આપ્યા હતા તેમાં ૩૫ ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. જો આ સોદામાં કોઇ વચેટિયો રાખવામાં આવ્યો હોત તો આ ચાર અબજ યુરો વચેટિયો લઇ ગયો હોત. દેશના સંરક્ષણ માટે ખરીદવામાં આવતા શસ્ત્રસરંજામની ખરીદીમાં કેટલા ભ્રષ્ટાચારની ગુંજાઇશ છે, તેનો ખ્યાલ આ સોદા પરથી આવે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના નગારા વાગી રહ્યા છે ત્યારે દીવા જેવી સ્પષ્ટ હકીકત એ છે કે ભારતીય વાયુસેના પાસે અદ્યતન ફાઇટર જેટ વિમાનો જ નથી. ભારત પાસે જે મિગ સિરીઝના રશિયન બનાવટનાં ફાઇટર જેટ છે તેનો કાફલો જરીપુરાણો થઇ ગયો છે. મિગ વિમાનોને એટલા અકસ્માતો નડે છે કે તે ઉડતાં કોફીન તરીકે ઓળખાય છે. આજથી ૧૬ વર્ષ પહેલાં ભારતીય વાયુસેનાએ સરકારને જણાવ્યું હતું કે તેને અદ્યતન ફાઇટર જેટની જરૂર છે. ઇ.સ.૨૦૦૭માં યુપીએ સરકારે ફાઇટર જેટ ખરીદવાનો નિર્ણય લઇ લીધો હતો, પણ સંરક્ષણ સોદાઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપના ડરથી તેણે કોઇ નિર્ણય કર્યો નહોતો. હવે એનડીએ સરકારે છેવટે રફાલ બાબતમાં હિમ્મતભર્યો નિર્ણય લીધો છે.

યુપીએ સરકારે ઇ.સ.૨૦૦૭માં નિર્ણય કર્યો હતો કે મિગ વિમાનોના કાફલાને ક્રમશ: રજા આપીને તેના સ્થાને અદ્યતન ફાઇટર જેટનો કાફલો ઊભો કરવો. આ માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા. લોકહીડ, મિકોયાન, સાબ અને દસોલ્ટ જેવી ચાર મોટી કંપનીઓ દ્વારા ટેન્ડરો ભરવામાં આવ્યાં હતાં. તે પૈકી દસોલ્ટનું રફાલ વિમાન ભારતીય વાયુદળમાં વપરાતાં મિરાજ વિમાન સાથે મળતું આવતું હોવાથી તેના પર પસંદગી ઉતારવામાં આવી હતી. રફાલ વિમાનનો વધારાનો ફાયદો એ હતો કે તેને અણુશસ્ત્રોના વહન માટે પણ ઉપયોગમાં લઇ શકાય તેમ છે. ઇ.સ.૨૦૧૨માં યુપીએ સરકાર દ્વારા રફાલનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું તે સોદો ૧૨૬ વિમાનો માટે હતો. તેમાં પણ પાછળથી બીજાં ૭૪ વિમાનો ખરીદવાની જોગવાઇ હતી. આ રીતે કુલ ૨૦૦ વિમાનોનો સોદો કરવામાં આવ્યો હતો.

યુપીએ સરકાર દ્વારા ઇ.સ.૨૦૧૨માં રફાલ વિમાનોનો સોદો કરવામાં આવ્યો તો પણ સોદો ટેકનિકલ બાબતોમાં અટવાઇ ગયો હતો. ઇ.સ.૨૦૧૪માં નરેન્દ્ર મોદીની સરકાર સત્તા પર આવી તેણે સોદાને આગળ ધપાવવા માટેનો પુરૂષાર્થ આદર્યો હતો. તેમાં પણ નરેન્દ્ર મોદીએ વાણિયાબુદ્ધિ વાપરીને નક્કી કર્યું હતું કે આપણે એક સાથે ૧૨૬ વિમાનો ખરીદવા નથી. તેને બદલે પહેલા તબક્કામાં ૩૬ વિમાનો ખરીદવા અને વિમાનના કાર્યથી સંતોષ થાય તો જ આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. દસોલ્ટ કંપની ૧૨ અબજ યુરોથી ભાવ ઘટાડવા તૈયાર નહોતી, માટે તેને થોડા સમય માટે પડતી મૂકવામાં આવી હતી. છેવટે તેણે ભાવ ઘટાડીને ૭.૮૮ અબજ યુરો કર્યો ત્યારે સોદાને મંજૂરી આપવામાં આવી હતી.

ભારતે જે ૩૬ રફાલ વિમાનનો સોદો કર્યો છે તેની મૂળ કિંમત તો ૩.૮ અબજ યુરો છે. તેમાં રડાર સિસ્ટમ, સોફ્ટવેર, પાંચ વર્ષની સર્વિસ તેમજ સ્પેર પાર્ટની સપ્લાય વગેરે ઉમેરતા કુલ કિંમત ૭.૮૮ અબજ યુરો થાય છે. તેમાં પણ ભારતે શરત કરી છે કે ભારત સરકાર દ્વારા ફ્રેન્ચ કંપનીને જેટલી રકમ ચૂકવવામાં આવે તેના ૫૦ ટકાનું રોકાણ તેઓ ભારતમાં જ કરશે. રફાલ વિમાન બનાવતી દસોલ્ટ કંપની ભારતમાં પોતાનું કારખાનું નાખશે તો વડા પ્રધાનના મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ ભારતના હજારો યુવાનોને તેમાં રોજી મળશે. ભારતે જે ૩૬ રફાલ વિમાનોનો ઓર્ડર આપ્યો છે તેને ભારત પહોંચતા હજુ બીજા ૩૬ મહિનાઓ થશે. ત્યાર બાદ ભારત સરકારને જે રફાલ વિમાનોની જરૂર હશે તેનું જો ભારતમાં જ ઉત્પાદન કરવામાં આવશે તો તેની ડિલિવરી પણ ઝડપથી મળશે.

ભારતીય વાયુદળને ત્રણ પ્રકારનાં ફાઇટર જેટ વિમાનોની જરૂર છે. ઉચ્ચ કક્ષાએ વાપરવા માટે આપણી પાસે સુખોઇ વિમાનો છે. મધ્યમ કક્ષામાં મિગ વિમાનો વપરાય છે, જેનું સ્થાન લેવા માટે રફાલનો ઉપયોગ કરવામાં આવશે. નિમ્ન કક્ષા માટે ભારતે પોતાનું લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ બનાવ્યું છે, જે તેજસના નામે ઓળખાય છે. હજુ ભારત રશિયાના સહયોગમાં ઉચ્ચ કક્ષાનું ફાઇટર જેટ વિકસાવી રહ્યું છે. રફાલના આગમન સાથે ભારતીય વાયુસેના પાસે અત્યંત ઘાતક હથિયાર આવી જશે.

મહારાષ્ટ્રમાં મરાઠાઓનું પ્રચંડ સ્વયંભૂ આંદોલન

 • દિવ્ય ભાસ્કર….
 • ન્યૂઝ વોચ….
 • સંજય વોરા…
 • તા.  ૨૨  સપ્ટેમ્બર , ગુરુવાર

 

maratha-759

 

ગુજરાતના પાટીદારોનો જેમ અનામત પદ્ધતિ સામે વિરોધ છે તેમ મહારાષ્ટ્રના મરાઠાઓને પણ લાગતું હતું કે અનામત પદ્ધતિને કારણે તેમને શૈક્ષણિક સંસ્થાઓમાં અને સરકારી નોકરીઓમાં તકોથી વંચિત રાખવામાં આવે છે. ગુજરાતના પાટીદારોએ અનામતની માગણી સાથે હિંસક અને બોલકું આંદોલન કરીને ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો હતો, પણ મહારાષ્ટ્રના મરાઠાઓ કોઇ પણ જાતની હિંસા કે ઘોંઘાટ વિના પોતાના પ્રચંડ આંદોલનને જે રીતે આગળ ધપાવી રહ્યા છે તે જોઇને મહારાષ્ટ્રના દિગ્ગજ રાજકારણીઓની ઉંઘ પણ હરામ થઇ ગઇ છે. નવમી ઓગસ્ટે ઔરંગાબાદમાં જબરદસ્ત મૌન રેલી સાથે શરૂ થયેલાં આંદોલનમાં અત્યાર સુધીમાં ૧૦ જિલ્લામાં રેલીઓ યોજાઇ ગઇ છે. આ દરેક રેલીમાં એક લાખથી વધુ મરાઠાઓ હાજર રહ્યા હતા. કેટલીક રેલીમાં તો આ સંખ્યા ત્રણથી ચાર લાખ પર પણ પહોંચી હતી. રેલીમાં કોઇ ભાષણો નહોતાં કરવામાં આવ્યાં કે નારાઓ પોકારવામાં આવ્યા નહોતા. ફેસબુક અને વ્હોટ્સ અપના માધ્યમથી ચાલી રહેલાં આ પ્રચંડ આંદોલનનું સંચાલન કોણ કરે છે? તેનો કોઇને ખ્યાલ નથી આવતો, પણ તેમની માગણીઓ બહુ સ્પષ્ટ જણાય છે.

મહારાષ્ટ્રમાં એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા મરાઠા આંદોલનની મુખ્ય ત્રણ માગણીઓ છે : (૧) મહારાષ્ટ્રની વસતિના આશરે ૩૩ ટકા મરાઠાઓને અનામતનો લાભ મળે. (૨) દલિતોના રક્ષણ માટે ઘડવામાં આવેલા એટ્રોસિટી એક્ટનો કેટલાક દલિતો દુરૂપયોગ કરી રહ્યા છે, જેનો ભોગ મરાઠાઓ બની રહ્યા છે; માટે આ કાયદો દૂર કરવામાં આવે. (૩) તા.૧૩ જુલાઇના રોજ અહમદનગર જિલ્લાના કોપર્ડી ગામે કેટલાક દલિત યુવાનો દ્વારા મરાઠા કન્યા સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરવામાં આવી હતી. આ દુષ્કર્મ આચરનારાઓને કડકમાં કડક સજા કરવામાં આવે.

મહારાષ્ટ્રની વસતિના ૩૩ ટકા મરાઠાઓ છે. ગુજરાતના પાટીદારોની જેમ ૮૦ ટકા મરાઠાઓનો મુખ્ય વ્યવસાય કૃષિ છે, પણ જમીનોનું વિભાજન થવાને કારણે તેમની હાલત બગડતી જાય છે. સવર્ણ ગણાતા મરાઠાઓને પણ દલિતોની જેમ અનામતનો લાભ જોઇએ છે. મરાઠાઓની જે બીજી બે માગણીઓ છે એ તેમને દલિતો સાથેના સીધા સંઘર્ષમાં ઉતારે તેવી છે. મરાઠાઓની માગણી મુજબ એટ્રોસિટી એક્ટને નાબૂદ કરવાની હિમ્મત દેશનો કોઇ રાજકીય પક્ષ કરી શકે તેમ નથી.

મરાઠા આંદોલનનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે કોઇ પણ રાજકીય પક્ષ કે રાજકારણીની સંડોવણી કે પ્રેરણા વિના આ સમગ્ર આંદોલન ઊભું થયું છે અને આગળ વધી રહ્યું છે. કદાચ આ આંદોલનની કમાન કોલેજિયન યુવકયુવતીઓના હાથમાં છે, જેઓ કોઇ પણ જાતની રાજકીય દખલ વિનાના ન્યાય અને સમાનતાના સિદ્ધાંતવાળા સમાજની કલ્પના કરે છે. આંદોલનમાં સમાજના દરેક વર્ગના લોકો સામેલ થાય છે, જેમાં ડોક્ટરો, વકીલો અને શિક્ષકોનો પણ સમાવેશ થાય છે.

લાતુરમાં સોમવારે યોજાયેલી મરાઠા મૌન રેલીના હેવાલ પરથી આપણને આ આંદોલન કઇ રીતે આગળ વધી રહ્યું છે, તેનો ખ્યાલ આવશે. આ રેલીની જાહેરાત માટે કોઇ પોસ્ટર બનાવવામાં નહોતાં આવ્યાં કે પેમ્ફલેટો વહેંચવામાં નહોતાં આવ્યાં. માત્ર ફેસબુક અને વ્હોટ્સ એપ પર રેલીની જાહેરાત વાંચીને આશરે એક લાખ લોકો ભેગા થયા હતા. તેમની રેલી ચાર કલાક ચાલીને કલેક્ટરની કચેરી પર પહોંચી હતી. તેમણે કોઇ નારાઓ પોકાર્યા નહોતા, રસ્તા પર બિલકુલ કચરો કર્યો નહોતો અને પોલિસ સાથે કોઇ ટસલ પણ કરી નહોતી. રેલીમાં ભાગ લેનારી પાંચ કોલેજિયન યુવતીઓ કલેક્ટરને મળવા ગઇ હતી અને તેમના હાથમાં પોતાની માગણીઓની યાદી પકડાવી દીધી હતી. બારમાં ધોરણમાં ભણતી તૃપ્તિ કદમ નામની વિદ્યાર્થિનીએ ત્રણ માગણીઓ વાંચી સંભળાવી હતી. યુવતીઓ કલેક્ટરને મળીને પાછી આવી ત્યારે લોકો રાષ્ટ્રગીત ગાઇને શાંતિથી વિખરાઇ ગયા હતા.

કલેક્ટરને આવેદનપત્ર આપનાર તૃપ્તિ કદમ પોતે બારમાં ધોરણમાં ભણતી હતી. તેણે મેડિકલની પ્રવેશ પરીક્ષા આપી છે અને પરિણામની રાહ જોઇ રહી છે. તૃપ્તિએ પત્રકારોને જણાવ્યું હતું કે, ‘‘કોપર્ડીમાં મરાઠા કન્યા સાથે જે દુષ્કર્મ થયું તેને કારણે હું હચમચી ગઇ હતી. અમારું આંદોલન તદ્દન બિનરાજકીય છે. વળી તે કોઇ જ્ઞાતિ કે જાતિ સામે નથી. અમારા સમાજના ૯૦ ટકા લોકોનું ગુજરાન ખેતીવાડીથી ચાલે છે. દર વખતે ચોમાસું નિષ્ફળ જાય ત્યારે અમારા ખેડૂતોને આપઘાત કરવાની ફરજ પડે છે. અમારી કોમને પણ શિક્ષણમાં અને સરકારી નોકરીઓમાં અનામતની જરૂર છે.’’ કોલેજમાં ભણતી તૃપ્તિની આ વાત દ્વારા મહારાષ્ટ્રની મરાઠા કોમની વિટંબણાનો ખ્યાલ આવે છે.

મહારાષ્ટ્રના મરાઠા આંદોલનને કારણે મરાઠા રાજકારણીઓ સહિતના નેતાઓ ઉંઘતા ઝડપાઇ ગયા છે. જ્યારે તેમના પોતાના મતવિસ્તારમાં પ્રજાની વિરાટ રેલી નીકળે ત્યારે તેમણે પોતાની મતબેન્ક જાળવવા તેમાં હાજર રહેવું જરૂરી બની જાય છે. સોમવારે લાતુરમાં જે રેલી યોજાઇ તેમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વર્તમાન સંસદસભ્ય અશોક ચવાણ વગર આમંત્રણે દોડી આવ્યા હતા, પણ કોઇ પણ જાતની વીઆઇપી ટ્રિટમેન્ટ વિના તેમણે રેલીમાં ભાગ લીધો હતો. અત્યાર સુધી ઔરંગાબાદ ઉપરાંત પરભણી, બીડ, જલગાંવ, ઓસમાનાબાદ અને લાતુર જિલ્લાઓમાં આ પ્રકારની રેલીઓ યોજાઇ ગઇ છે. હવે મુંબઇમાં પ્રચંડ રેલી યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. જો આ પ્રકારનું આંદોલન આડે માર્ગે ફંટાયા વિના સફળ થાય તો તેના થકી સમાજમાં કોઇ ક્રાંતિ થયા વિના રહેશે નહીં.

બ્રહમદાગ બુગતી બાબતમાં ભારતનો માસ્ટર સ્ટ્રોક

 • દિવ્ય ભાસ્કર….
 • ન્યૂઝ વોચ….
 • સંજય વોરા…
 • તા.  ૨૧  સપ્ટેમ્બર , બુધવાર

 

download-1

 

ભારતની જનતા ઉરી પર આતંકવાદી હુમલો કરનારા પાકિસ્તાન પર વળતો હુમલો કરવાની માગણી કરી રહી છે ત્યારે ભારત સરકારે બળવાખોર બલૂચ નેતા બ્રહમદાગ બુગતીને રાજ્યાશ્રય આપવાનો નિર્ણય કરીને પાકિસ્તાનના અસ્તિત્વને જ મિટાવી દેવાની યોજનાનો અમલ શરૂ કર્યો છે. બલૂચ રિપબ્લિકન પાર્ટીના સ્થાપક બ્રહમદાગ બુગતી પાકિસ્તાની સેનાથી પોતાનો જીવ બચાવવા માટે ઇ.સ.૨૦૦૬ થી બલૂચિસ્તાન છોડીને નાસતા ફરે છે.ઇ.સ.૨૦૧૦ સુધી તેઓ અફઘાનિસ્તાનમાં રહ્યા હતા, પણ ત્યાં પણ પાકિસ્તાની લશ્કરે તેમની હત્યા કરવાનો પ્રયાસ કરતાં તેઓ સ્વિત્ઝર્લેન્ડ ચાલ્યા ગયા હતા. જીનિવામાં રહીને તેઓ વિશ્વભરમાં ચાલતી બલૂચિસ્તાનની આઝાદી માટેની ચળવળનું સંચાલન કરે છે. બ્રહમદાગ બુગતીને જો રાજ્યાશ્રય મળશે તો તેનો અર્થ થશે કે તેમની ચળવળને ભારતનું ખુલ્લું સમર્થન છે. દલાઇ લામા જેમ ભારતમાં રહીને તિબેટની નિર્વાસિત સરકારનું સંચાલન કરે છે તેમ બ્રહમદાગ બુગતી પણ ભારતમાં રહીને બલૂચિસ્તાનની નિર્વાસિત સરકારનું સંચાલન કરશે.

હજુ ૩૪ વર્ષના બ્રહમદાગ બુગતીનું જીવન કોઇ રહસ્યકથાનાં પ્રકરણો જેવું રોમાંચક છે. તેમના દાદા નવાબ અકબર ખાન બુગતી બલૂચિસ્તાનના લડાયક કબીલાના મુખી હતા. ઇ.સ.૧૯૮૯માં તેઓ ચૂંટણી જીતીને બલૂચિસ્તાનના મુખ્ય મંત્રીના હોદ્દા સુધી પહોંચી ગયા હતા. ઇ.સ.૨૦૦૫માં તેમણે બલૂચિસ્તાનની આઝાદી માટે પાકિસ્તાન સામે યુદ્ધ છેડી દીધું હતું.પાકિસ્તાનના તત્કાલીન શાસક પરવેઝ મુશર્રફે અકબર ખાન બુગતીની હત્યા કરવાનો લશ્કરને આદેશ કર્યો હતો.

ઇ.સ.૨૦૦૫ના ડિસેમ્બરમાં પાકિસ્તાનનું લશ્કર ૮૦ વર્ષના વૃદ્ધ અકબર ખાન બુગતી અને તેમના પરિવારની હત્યા કરવા તેમના ઘરે પહોંચ્યું હતું, પણ અકબર ખાનને તેના સમાચાર મળી ગયા હોવાથી તેઓ પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા. તેમની સાથે તેમના બે પૌત્રો પણ હતા. અકબર ખાન મહિનાઓ સુધી પોતાના પરિવાર સાથે કોહલુ જિલ્લાના પર્વતોમાં આવેલી ગુફામાં સંતાઇ રહ્યા હતા. ઇ.સ.૨૦૦૬ની ૨૬મી ઓગસ્ટે પાકિસ્તાનના લશ્કરે તેમને શોધી કાઢ્યા હતા. લશ્કરે ગુફાના દરવાજા નજીક સુરંગ ગોઠવી વિસ્ફોટ કરાવ્યો હતો, જેમાં આખી ગુફા નાશ પામી હતી. આ હુમલામાં નવાબ અકબર ખાન બુગતી ઉપરાંત તેમના એક પૌત્ર સહિત ૩૭ સાથીદારો પણ માર્યા ગયા હતા.

પાકિસ્તાનના લશ્કરે નવાબ અકબર ખાનની હત્યા કરી તે પહેલા તેમનો ૨૪ વર્ષનો પૌત્ર બ્રહમદાગ પોતાનો જીવ બચાવીને સામેના પહાડ પર આવેલી ગુફામાં સંતાઇ ગયો હતો. ત્યાં રહીને તેણે ત્રણ દિવસ ચાલેલું પાકિસ્તાની મિલેટરીનું ઓપરેશન જોયું હતું, જેમાં ટેન્કો અને હેલિકોપ્ટરો ઉપરાંત ફાઇટર જેટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. દાદાની હત્યાના બીજા દિવસે બ્રહમદાગે પોતાના સાથીદારોને ભેગા કર્યા હતા અને તેઓ જીવ બચાવવા ત્યાંથી નાસી છૂટ્યા હતા.

બ્રહમદાગને ખાતરી થઇ ગઇ હતી કે હવે બલૂચિસ્તાનમાં તેઓ જીવતા રહી શકશે નહીં, માટે ભાગીને અફઘાનિસ્તાનમાં આશરો લેવાનો તેમણે નિર્ણય કર્યો હતો. પોતાના કબીલાના સશસ્ત્ર ચોકીદારોની સુરક્ષા હેઠળ તેઓ પર્વતોના રસ્તે ૧૯ દિવસ ચાલીને અફઘાનિસ્તાનમાં પહોંચી ગયા હતા. અફઘાનિસ્તાનમાં પહોંચીને તેમણે પોતાની માતાને, પત્નીને અને બે બાળકોને પણ પોતાની પાસે બોલાવી લીધા હતા. પાકિસ્તાનની સરકારને જાણ થઇ ગઇ હતી કે બ્રહમદાગ બુગતી અફઘાનિસ્તાનમાં છે. તેમણે તાલિબાન અને અલ કાયદાને બુગતીની હત્યાની સુપારી આપી હતી. તેમનાથી બચવા બ્રહમદાગ બુગતીએ ૧૮ મહિનામાં ૧૮ રહેઠાણો બદલ્યાં હતાં. એક વખત તો બુગતી કાબુલમાં જ્યાં રહેતા હતા ત્યાં નજીકમાં જ બોમ્બ પડ્યો હતો, પણ સદનસીબે તેઓ બચી ગયા હતા.

બ્રહમદાગ બુગતીએ ક્યારેય બલૂચિસ્તાનની આઝાદી માટે સશસ્ત્ર સંઘર્ષની હિમાયત કરી નહોતી; તો પણ પાકિસ્તાની સરકારે તેમને આતંકવાદી તરીકે જાહેર કરીને અફઘાનિસ્તાન સરકાર પર તેમની સોંપણી માટે દબાણ વધાર્યું હતું. પાકિસ્તાનનો બ્રહમદાગ બુગતી પરનો રાજદ્વારી હુમલો એટલો ઉગ્ર બની ગયો હતો કે હવે નાટોના દેશોએ અને અમેરિકાએ પણ અફઘાનિસ્તાન પર બુગતીને દેશવટો આપવા માટે દબાણ કર્યું હતું. અફઘાનિસ્તાન આ દબાણ સામે ટકી શકે તેમ ન હોવાથી ઇ.સ.૨૦૧૦ના ઓક્ટોબરમાં બ્રહમદાગ બુગતીએ પોતાના પરિવાર સાથે સ્વિત્ઝર્લેન્ડમાં આશરો લીધો હતો.

ઇ.સ.૨૦૦૮માં બ્રહમદાગ બુગતીએ બલૂચિસ્તાનની આઝાદીની લડતને આગળ ધપાવવા બલૂચિસ્તાન રિપબ્લિકન પાર્ટી નામના રાજકીય પક્ષની રચના કરી હતી. પાકિસ્તાને આ પક્ષના બલૂચિસ્તાનમાં રહેલા નેતાઓ પર પણ અત્યાચારો ગુજારવાનું શરૂ કર્યું હતું. તેના કેન્દ્રિય સંગઠનના આઠ નેતાઓ માર્યા ગયા છે અને પાંચ નેતાઓ ગુમ થઇ ગયા છે. બાકીના નેતાઓ બલૂચિસ્તાન છોડીને ભાગી ગયા છે અને બ્રિટન, જર્મની, ફ્રાન્સ જેવા વિવિધ દેશોમાં આશરો લઇ રહ્યા છે.

બ્રહમદાગ બુગતીએ જાહેર કર્યું છે કે તેઓ ટૂંક સમયમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ જનરલ પરવેઝ મુર્શરફ સહિતના સેનાધ્યક્ષો સામે બલૂચ પ્રજાની સામૂહિક હત્યા બદલ આંતરરાષ્ટ્રીય અદાલતમાં ખટલો માંડવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે ભારત ઉપરાંત બાંગ્લા દેશ અને અફઘાનિસ્તાન જેવા દેશોને પણ બલૂચિસ્તાનની આઝાદીની લડાઇમાં ટેકો આપવાની વિનંતી કરી છે. ભારત જો બુગતી અને તેમના સાથીદારોને રાજ્યાશ્રય આપશે તો તે પાકિસ્તાન પરનો બહુ મોટો પ્રહાર હશે.

ઉરીના હુમલામાંથી ભારતે લેવા જેવો બોધપાઠ

 • દિવ્ય ભાસ્કર….
 • ન્યૂઝ વોચ….
 • સંજય વોરા…
 • તા.  ૨૦  સપ્ટેમ્બર , મંગળવાર

 

uri_encounter_reuters_650

 

ભારતના કોઇ પણ ભાગમાં આતંકવાદી હુમલો થાય ત્યારે ગુપ્તચર તંત્રનો વાંક કાઢવામાં આવે છે કે તેણે સમયસર ચેતવણી આપી નહોતી. ઉરીમાં રવિવારે જે પ્રચંડ હુમલો થયો તે પહેલા ગુપ્તચર તંત્ર દ્વારા બહુ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં કોઇ સ્થળે જબરદસ્ત હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ચેતવણી છતાં પાકિસ્તાનમાં તાલીમ પામેલા ત્રાસવાદીઓ સરહદ પાર કરીને ઉરીની ૧૯ કિલોમીટર અંદર બેરોકટોક ઘૂસીને હુમલો કરી ગયા તે આપણા સુરક્ષા તંત્રની ઘોર નિષ્ફળતા સૂચવે છે. ઇ.સ.૨૦૦૨ની ૧૪મી મેના રોજ કાલુચકના હુમલામાં ૨૨ સુરક્ષા કર્મીઓ શહીદ થયા હતા અને ૧૪ નાગરિકો પણ ભોગ બન્યા હતા. ત્યાર પછીના આ સૌથી ગંભીર હુમલાનો જવાબ આપવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૬ ઇંચની છાતી બતાવવી પડશે.

ગુપ્તચર તંત્રની સ્પષ્ટ ચેતવણીને પરિણામે આ વખતે આપણા વાયુમથકોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા હતા, પણ સરહદની નજીક આવેલી છાવણી બાબતમાં આટલી ઉપેક્ષા કેમ સેવવામાં આવી હતી તે સમજી ન શકાય તેવી વાત છે. આતંકવાદીઓ સરહદ પાર કરીને શસ્ત્રો સાથે ૧૯ કિલોમીટર સુધી ઘૂસી આવ્યા, તો તેમને કોઇએ જોયા કેમ નહીં? ઉરીની છાવણી ભૂતકાળમાં પણ આતંકવાદી હુમલાનો ભોગ બની ચૂકી છે. ઇ.સ.૨૦૧૪ના ડિસેમ્બરમાં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર હતી ત્યારે પણ ઉરીમાં આતંકવાદી હિમલો થયો હતો, જેમાં નવ જવાનો શહીદ થયા હતા. જે બારામુલ્લા શહેરમાં સુરક્ષા દળો પર પથ્થરમારાની ઘટનાઓ થઇ રહી છે તે ઉરીથી માત્ર ૪૦ કિલોમીટર દૂર છે. આ પથ્થરમારામાં સંડોવાયેલા કોઇ ભારતીય નાગરિકે આતંકવાદીઓને છૂપાવામાં સહાય નહીં કરી હોય ને? તેવા સવાલનો જવાબ શોધવો પણ દેશની સુરક્ષાની દૃષ્ટિએ જરૂરી બની જાય છે.

ઉરીમાં જે હુમલો થયો તેમાં કોઇ ઘરના ઘાતકીની સંડોવણી હોવાના નિર્દેશો મળે છે. આતંકવાદીઓ લશ્કરી છાવણીની અંદરની વ્યવસ્થાની સચોટ માહિતી ધરાવતા હતા. તેમણે છાવણી પર પાછળથી હુમલો કર્યો હતો, કારણ કે તેમને ખબર હતી કે છાવણીના આગળના ભાગમાં ભારે સલામતી બંદોબસ્ત હોય છે. તેમને ખબર હતી કે છાવણીમાં તે સમયે સૈનિકો બદલાવાના છે. વળી તેમણે લાગ જોઇને ઓફિસરોના મેસ પર હુમલો કર્યો હતો, જ્યાં વધુ જવાનો સૂતા સપડાઇ ગયા હતા.

ઉરીમાં જે હુમલો થયો તેમાં આતંકવાદીઓની ગોળીથી જેટલા જવાનો શહીદ થયા તેના કરતાં વધુ જવાનો આગમાં હોમાઇ ગયા હતા. આ હુમલો કરનારા ફિદાઇન આતંકવાદીઓ હતા, જેમને મહિનાઓ સુધી આ પ્રકારના હુમલાઓ કરવાની તાલીમ આપવામાં આવે છે. તેમને મોતનો ડર નથી હોતો. તેમણે જીવતા પાછા ફરવાનું નથી તે નક્કી હોય છે. આ કારણે તેઓ ગમે ત્યાં પહોંચીને હુમલો કરી શકે છે. ઉરીમાં થયેલા હુમલામાં ફિદાઇન હુમલાખોરો ભારતીય લશ્કરની વર્દીમાં જ આવ્યા હતા, માટે તેમને ઓળખવાનું અઘરું બની ગયું હતું. ઉરીના હુમલામાં ભારતમાં કાર્યરત ત્રાસવાદીઓના કોઇ સ્લિપર સેલની સંડોવણીની સંભાવના છે, જેમાં આતંકવાદીઓને સહાય કરવા કાશ્મીર ખીણના યુવાનોને જ ભરતી કરવામાં આવ્યા હોય. આ સ્લિપર સેલને શોધી તેનો નાશ કરવો જરૂરી છે.

કોઇ પણ આતંકવાદી હુમલાનું મુખ્ય ધ્યેય લોકોના મનમાં ડરની ભાવના પેદા કરીને તેમનો સરકાર તેમ જ સુરક્ષા દળો પરનો વિશ્વાસ ડગમગાવી દેવાનું હોય છે. જમ્મુ અને કાશ્મીરમાં જ્યારથી મહેબૂબા મુફ્તિની સરકાર આવી છે ત્યારથી આતંકવાદીઓ વધુ ભૂરાટા થયા છે. ભાજપ અને પીડીપી જેવા પરસ્પર વિરોધી વૈચારિક ભૂમિકા ધરાવતા પક્ષો આતંકવાદના ઉન્મૂલન બાબતમાં એક વેવલેન્ગ્થ પર આવી ગયા તેને કારણે આતંકવાદીઓને પોતાનાં મૂળિયા ઉખડી જવાનો ડર લાગ્યો છે. આ કારણે પીડીપી-ભાજપની સરકારને પરેશાન કરવા તેઓ વધુ જોરથી હુમલાઓ કરી રહ્યા છે.

પાકિસ્તાન એક ધાર્મિક રાષ્ટ્ર તરીકે દુનિયાના નકશામાં અસ્તિત્વમાં આવ્યું હતું. તાજેતરમાં બલૂચિસ્તાનમાં જે ઘટનાઓ બની રહી છે તેનાથી પુરવાર થાય છે કે ધર્મના પાયા પર પાકિસ્તાનનું અસ્તિત્વ ટકાવી રાખી શકાય તેમ નથી. પાકિસ્તાનના વિવિધ પ્રાંતોને એક રાખવા માટે ત્યાંની સરકાર અને સૈન્ય સતત કાશ્મીરનો મુદ્દો સળગતો રાખવા માગે છે. કાશ્મીરનો મુદ્દો એક એવું ફેવિકોલ છે જે પાકિસ્તાનના ટુકડા થતા અટકાવે છે. ભારતે દુનિયાનું ધ્યાન કાશ્મીરના મુદ્દા પરથી બીજે વાળવા બલૂચિસ્તાનનો ઉપયોગ કર્યો તેને કારણે પણ પાકિસ્તાન ભૂરાટું થયું છે. ઉરીમાં જે બન્યું તે ટ્રેઇલર છે. ભારતે હજુ મોટા હુમલાઓની અને તેને ખાળવાની તૈયારી કરી રાખવી પડશે.

પઠાણકોટ અને ઉરી જેવા હુમલાનો ભારતે જવાબ કેવી રીતે આપવો જોઇએ? તે બાબતમાં વિવિધ વિકલ્પોની ચર્ચા ચાલી રહી છે. તેમાં એક વિકલ્પ લાઇન ઓફ કન્ટ્રોલ પાર કરીને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ચાલતી આતંકવાદી છાવણીઓને ખતમ કરવાનો છે, જેને લશ્કરની ભાષામાં સર્જીકલ સ્ટ્રાઇક તરીકે ઓળખવામાં આવે છે. સર્જીકલ સ્ટ્રાઇકમાં પરિણામ નક્કી મળી શકે છે, પણ તેને કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે ફુલફ્લેજ્ડ યુદ્ધ ફાટી નીકળે તેવી તમામ સંભાવનાઓ છે. પાકિસ્તાન પાસે અણુશસ્ત્રોનો જથ્થો જોતા યુદ્ધ છેડતા પહેલાં સો વખત વિચારવું જોઇએ. આતંકવાદને ડામવા માટે યુદ્ધ કરતાં વધુ સારો ઉપાય કુટનીતિ છે. જો અમેરિકા અને ચીન જેવા દેશો પાકિસ્તાનને સહાય કરવાનું બંધ કરી દે તો પાકિસ્તાનના આતંકવાદીઓને મળતો પ્રાણવાયુ જ બંધ થઇ જાય તેમ છે.

ભારતીય સંસ્કૃતિનો મહિમા વધારવાનું મિશન

 • દિવ્ય ભાસ્કર….
 • ન્યૂઝ વોચ….
 • સંજય વોરા…
 • તા.  ૧૯  સપ્ટેમ્બર , સોમવાર

 

download

 

અમેરિકાના ન્યુ જર્સીમાં રહેતા રાજીવ મલહોત્રા નામના ભારતીય ઉદ્યોગપતિનાં બાળકો પ્રિન્સટન ડે સ્કૂલમાં ભણવા જતાં હતાં. એક દિવસ સ્કૂલના ટીચરે તેમને કહ્યું કે તેમને વેદાંત, રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ બાબતમાં માહિતી જોઇએ છે, કારણ કે તેઓ બાળકોને દુનિયાના ધર્મો બાબતનું પ્રકરણ ભણાવતી વખતે વૈદિક ધર્મ વિશે પણ ભણાવવા માગે છે. ટીચરે રાજીવ મલહોત્રાને ચોંકાવનારી વાત કરી કે કેટલાક અમેરિકન વિદ્વાનોએ તેમને રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ બાબતમાં ભણાવવાની ના પાડી છે, કારણ કે તેમને ડર છે કે ભારતીય માબાપો તેનો વિરોધ કરશે.

રાજીવ મલહોત્રાને આંચકો લાગ્યો કે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના જીવન બાબતમાં એવું શું છે, જે ભણાવવાથી ભારતીય માબાપો નારાજ થઇ જાય તેમ છે? તેમણે ટીચરને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે હિન્દુ સંસ્કૃતિ બાબતનાં એક પુસ્તકમાં તેમણે વાંચ્યું છે કે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ વચ્ચે સજાતીય સંબંધો હતા. રાજીવ મલહોત્રાએ વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે અમેરિકાના જેફ્રી જે. ક્રિપાલ નામના લેખકે ‘કાલિસ ચાઇલ્ડ’ નામનું પુસ્તક લખ્યું છે, જેમાં રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ બાબતમાં કપોળકલ્પિત વાતો લખવામાં આવી હતી.

રાજીવ મલહોત્રા હજુ થોડા વધુ ઊંડા ઉતર્યા તો તેમને જાણવા મળ્યું કે પ્રાચીન હિન્દુ સંસ્કૃતિને બદનામ કરતાં આવાં અનેક પુસ્તકો અમેરિકન લેખકો દ્વારા લખવામાં આવ્યા છે, જેને વિદ્યાવર્તુળોમાં પ્રમાણભૂત ગણીને વિદ્યાર્થીઓને કપોળકલ્પિત ઇતિહાસ ભણાવવામાં આવી રહ્યો છે. પોલ કોર્ટરાઇટ નામના બીજા લેખકે ‘ગણેશા : લોર્ડ ઓફ ઓબ્સ્ટેકલ્સ, લોર્ડ ઓફ બિગીનિંગ્સ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેમાં ભગવાન શ્રીગણેશ બાબતમાં કપોળકલ્પિત બિભત્સ વાતો લખવામાં આવી હતી.

નવાઇની વાત એ હતી કે જેફ્રી ક્રિપાલ અને પોલ કોર્ટરાઇટ બંને શિકાગો યુનિવર્સિટીમાં હિન્દુ સંસ્કૃતિનું શિક્ષણ આપતી વેન્ડી ડોનિગર નામની મહિલાના વિદ્યાર્થીઓ હતા. વેન્ડી ડોનિગરે ઇ.સ.૨૦૦૯માં ‘ધ હિન્દુસ : એન ઓલ્ટરનેટિવ હિસ્ટરી’ નામનું પુસ્તક લખ્યું હતું, જેને અમેરિકાની અનેક યુનિવર્સિટીમાં હિન્દુ સંસ્કૃતિના પ્રમાણભૂત ગ્રંથ તરીકે ભણાવવામાં આવે છે. રાજીવ મલહોત્રાએ આ પુસ્તક ખરીદીને વાંચ્યું ત્યારે તેમાં કરેલી વિકૃત રજૂઆત જોઇ તેમના રૂંવાડા ખડા થઇ ગયા.

‘ધ હિન્દુસ’ પુસ્તક વાંચીને એવી છાપ જ ઉપજે છે કે તમામ હિન્દુ દેવીદેવતાઓ સેક્સના દીવાનાઓ હતા. આ પુસ્તકનાં મુખપૃષ્ઠ ઉપર શ્રીકૃષ્ણને એક નગ્ન સ્ત્રીના નિતંબ ઉપર બેસીને વાંસળી વગાડતા ચિતરવામાં આવ્યા છે. તેમાં શંકર ભગવાનના લિંગને પુરૂષના ઉન્નત શિશ્ન  સાથે સરખાવી મહાદેવને સેક્સના ભૂખ્યા દર્શાવવામાં આવ્યા છે. આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે ‘દશરથ મહારાજા  સેક્સના ભૂખ્યા હતા, માટે તેમણે કૈકયીને વચનો આપ્યાં હતાં.’ તેમાં એવું લખવામાં આવ્યું છે કે ‘રાવણે સીતાનું અપહરણ કર્યું તે પહેલાં રંભા નામની અપ્સરા ઉપર‘રેપ’ કર્યો હતો. રંભાના પતિએ તેને એવો શાપ આપ્યો હતો કે ભવિષ્યમાં તું કોઇ પણ સ્ત્રીને તેની ઇચ્છાવિરુદ્ધ સ્પર્શ કરીશ તો તારો નાશ થઇ જશે.’ હિન્દુઓના પવિત્ર ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાની નિંદા કરતાં વેન્ડી ડોનેગર કહે છે કે, ગીતા અપ્રામાણિક ગ્રંથ છે, કારણ કે તેમાં હિંસાની વકીલાત કરવામાં આવી છે.

અમેરિકામાં નિયમિત રીતે વિવિધ ધર્મોની કોન્ફરન્સો ભરાતી હોય છે. તેમાં વિવિધ ધર્મગુરુઓ પોતપોતાના ધર્મોનું પ્રતિનિધિત્વ કરતા હોય છે, પણ રાજીવ મલહોત્રાએ જોયું કે વૈદિક ધર્મના પ્રતિનિધિ તરીકે અમેરિકાના તથાકથિત હિન્દુ વિદ્વાનો ભાગ લેતા હતા, જેઓ હિન્દુત્વ બાબતમાં વિકૃત વિચારો ધરાવતા હતા. રાજીવ મલહોત્રાએ વેન્ડી ડોનેગર અને તેના ચેલાઓ સામે અમેરિકાનાં અખબારોમાં લેખો લખવા માંડ્યા. તેને કારણે અમેરિકામાં ભારે ઉહાપોહ મચી ગયો. વેન્ડી ડોનેગરનું હિન્દુત્વ બાબતનું પુસ્તક ભારતમાં પણ પેન્ગ્વિન દ્વારા પ્રકાશિત થયું હતું. ભારતની શિક્ષા બચાવો આંદોલન નામની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા આ પુસ્તક સામે જાહેર હિતની અરજી કરવામાં આવી. આ અરસામાં જ ભારતમાં હિન્દુત્વનો ઝંડો ઉપાડનારી સરકાર સત્તામાં આવી હતી. આ કારણે પેન્ગ્વિને હિન્દુઓના વિરોધથી ગભરાઇ જઇને વેન્ડી ડોનેગરનું પુસ્તક બજારમાંથી પાછું ખેંચી લીધું હતું.

રાજીવ મલહોત્રા દિલ્હીની સેંટ સ્ટીફન કોલેજમાં સ્નાતક થઇને ન્યુ યોર્કની યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સ ભણ્યા હતા. અમેરિકાની આઇટી કંપનીમાં ટોચના હોદ્દા પર પહોંચ્યા પછી તેમણે પોતાની ૨૦ કંપનીઓ દુનિયાભરમાં ઊભી કરી હતી. ઇ.સ.૧૯૯૫માં આ બધી કંપનીઓ તેના કર્મચારીઓને વેચીને તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લીધી હતી અને વિદેશોમાં હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર કરવા માટે ઇન્ફિનિટી ફાઉન્ડેશન નામની બિનસરકારી સંસ્થાની સ્થાપના કરી હતી. રાજીવ મલહોત્રા હવે દેશ-વિદેશમાં ફરીને સાચી અને મૂળ હિન્દુ સંસ્કૃતિનો તેમ જ સંસ્કૃત ભાષાનો પ્રચાર કરે છે.

વિદેશના તથાકથિત નિષ્ણાતો દ્વારા ભારતના ધર્મો તેમ જ સંસ્કૃતિના થઇ રહેલા વિકૃત ચિત્રણ સામે રાજીવ મલહોત્રાએ કુલ પાંચ દળદાર પુસ્તકો લખ્યાં છે, જેની લાખો નકલો વેચાઇ ગઇ છે. હવે તેમના ફાઉન્ડેશન દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતના ઐતિહાસિક પ્રદાન બાબતમાં ૨૦ દળદાર ગ્રંથો પ્રગટ કરવાની યોજના ઘડવામાં આવી છે, જેમાંના ૧૦ તો તૈયાર થઇ ગયા છે. ભારતમાં રહેતા હિન્દુ સંસ્કૃતિના ચાહકો પણ રાજીવ મલહોત્રાને નક્કર ટેકો આપી રહ્યા છે.

વ્હોટ્સ એપના ડેટા પર કોનો અધિકાર છે?

 • દિવ્ય ભાસ્કર….
 • ન્યૂઝ વોચ….
 • સંજય વોરા…
 • તા.  ૧૭  સપ્ટેમ્બર , શનિવાર

 

images

 

ભારતના આશરે ૧૦ કરોડ નાગરિકો વ્હોટ્સ એપ્પનો ઉપયોગ કરીને પોતાના ખાનગી સંદેશાઓ, ફોટાઓ તેમ જ વીડિયો પણ મિત્રોને તેમ જ સ્વજનોને મોકલે છે,જેમાં ઘણી સંવેદનશીલ બાબતો પણ હોય છે. વિચાર કરો કે આ બધો ડેટા કોઇના હાથમાં ચાલ્યો જાય અને તેઓ તેનો દુરૂપયોગ કરવા લાગે તો શું થાય? ફેસબુક અને વ્હોટ્સ એપ્પ જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા કરોડો ગ્રાહકોએ ક્યારેય વિચાર કર્યો હોય છે કે તેઓ નેટવર્કિંગ સાઇટ પર જે થોકબંધ ડેટા અપલોડ કરે છે, તેની માલિકી કોની? કોઇ પણ નેટવર્કિંગ સાઇટનો આપણે જ્યારે ઉપયોગ શરૂ કરીએ છીએ ત્યારે પ્રારંભમાં તેઓ આપણી સમક્ષ એક કરારનો મુસદ્દો રજૂ કરે છે. તેમાં ઝીણા અક્ષરોમાં લાંબું લાંબું લખાણ લખવામાં આવ્યું હોય છે. આપણને એપ્પ વાપરવાની ઉતાવળ એટલી હોય છે કે તે પૂરું વાંચ્યા વિના જ આપણે ‘આઇ એગ્રી’ પર ક્લિક કરીને આગળ વધીએ છીએ. હકીકતમાં એક ક્લિક દ્વારા આપણે બધા ડેટા પર નેટવર્કિંગ સાઇટના માલિકનો અધિકાર સ્વીકારી લઇએ છીએ. આ માલિક આપણા ડેટાનો કોઇ પણ વેપારી ઉપયોગ કરે તો આપણે તેનો વિરોધ કરી શકતા નથી.

ભારતમાં વ્હોટ્સ એપ્પ મેસેન્જરની સર્વિસ શરૂ થઇ ત્યારે તેમણે પોતાના ગ્રાહકોને વચન આપ્યું હતું કે તેમને આ સર્વિસમાં ક્યારેય જાહેરખબરો બતાડવામાં આવશે નહીં. હવે ફેસબુકે વ્હોટ્સ એપ્પ ખરીદી લીધું છે ત્યારે તેણે આ વચન તોડાવાની તૈયારી કરી લીધી છે. વ્હોટ્સ એપ્પના સંચાલકો હવે ફેસબુકના માલિકોને પોતાના ગ્રાહકોનાં નામો, ફોન નંબરો વગેરે માહિતી પૂરી પાડશે. ફેસબુકના માલિકો તે માહિતીનો ઉપયોગ કરીને પોતાની જાહેરખબરો વ્હોટ્સ એપ્પના કરોડો ગ્રાહકોના માથે મારશે અને કરોડો રૂપિયાની કમાણી કરશે. વ્હોટ્સ એપ્પના સંચાલકો આ રીતે ગ્રાહકના પ્રાઇવસીના અધિકારનો ભંગ ન કરે તે માટે દિલ્હી હાઇ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.

વ્હોટ્સ એપ્પે તેના ગ્રાહકોને તા. ૨૫ ઓગસ્ટે સંદેશો મોકલ્યો હતો કે તેઓ તા. ૨૫ સપ્ટેમ્બરથી પોતાની પ્રાઇવસી પોલિસીમાં ફેરફારો કરી રહ્યા છે. આ ફેરફારો મુજબ તેઓ હવે વ્હોટ્સ એપ્પના ગ્રાહકોનો ડેટા ફેસબુક સાથે વહેંચવા માગે છે, જેનો વેપારી ઉપયોગ થઇ શકે છે. જો કોઇ ગ્રાહક તેમાં સંમત ન હોય તો તેને વિરોધ કરવા માટે ૩૦ દિવસનો સમય આપવામાં આવ્યો હતો.

દિલ્હી હાઇ કોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીના જવાબમાં વ્હોટ્સ એપ્પના વકીલે સોઇ ઝાટકીને કહ્યું છે કે અમે ગ્રાહકોને વ્હોટ્સ એપ્પની સેવા લેવા માટે કોઇ બળજબરી કરતા નથી. જો તેઓ પોતાની પ્રાઇવસીની બહુ પરવા કરતા હોય તો તેઓ સર્વિસમાંથી બહાર નીકળી શકે છે. વ્હોટ્સ એપ્પના વકીલના દાવા મુજબ તેઓ અત્યારે તો ફેસબુકને તેમના ગ્રાહકોનાં નામો અને ફોન નંબરો જેવી જ માહિતી પૂરી પાડવાના છીએ, જેનો ઉપયોગ તેમને જાહેરખબરો બતાડવા માટે થઇ શકે છે, પણ ભવિષ્યમાં ફેસબુકને બીજી કોઇ પણ માહિતી વાપરવાનો પણ અધિકાર રહેશે.

વ્હોટ્સ એપ્પ દ્વારા તા. ૨૫ ઓગસ્ટના પોતાના ગ્રાહકોને જે સંદેશો આપવામાં આવ્યો તેમાં જણાવવામાં આવ્યું હતું કે જો તમે ફેસબુક દ્વારા મોકલવામાં આવતી જાહેરખબરો મેળવવા ન માગતા હો તો તમને વિકલ્પ આપવામાં આવ્યો છે. જો તમે આ વિકલ્પનો ઉપયોગ નહીં કરો તો તમારો ડેટા જાહેરખબરો બતાડવા માટે ફેસબુકને આપી દેવામાં આવશે. આ સંદેશા સામે પણ જાણકારો વાંધો ઉઠાવી રહ્યા છે. પહેલી વાત એ કે વ્હોટ્સ એપ્પ દ્વારા માત્ર જાહેરખબરો મોકલવા બાબતમાં જ ગ્રાહકોનો અભિપ્રાય મગાવવામાં આવી રહ્યો છે. હકીકતમાં જે ગ્રાહક જાહેરાત માટે વિનંતી કરે તેને જ જાહેરખબરો મોકલવી જોઇએ. તેને બદલે અહીં તમામ ગ્રાહકોને માથે જાહેરખબરો મારવાની ધમકી આપવામાં આવી રહી છે. જો તમારે જાહેરખબરોથી બચવું હોય તો તમારે અરજી કરવી પડે છે. વ્હોટ્સ એપ્પનો ઉપયોગ કરનારા કરોડો ગ્રાહકો અંગ્રેજીમાં લખાયેલા આ સંદેશાને સમજી શકવાની પણ ક્ષમતા ધરાવતા નથી. તેમણે જાહેરખબરો માટે પોતાની સંમતિ આપી છે, તેવું કેમ માની લેવાય?

બીજી વાત એ કે વ્હોટ્સ એપ્પ દ્વારા જે સંમતિ માગવામાં આવી છે તે કોમર્શિયલ હેતુસર ફેસબુકને માહિતી આપવા બાબતમાં જ માગવામાં આવી છે. બીજા કોઇ પણ હેતુસર ગ્રાહકોના સંદેશા, ફોટા, વીડિયો વગેરે માટે રજા માગવાની સંચાલકોને કોઇ જરૂર જણાતી નથી, કારણ કે તેવી સંમતિ તો ગ્રાહકોએ જ્યારે એપ્પ ડાઉનલોડ કરી ત્યારે આપી જ દીધી હોય છે. વ્હોટ્સ એપ્પ માનીને જ ચાલે છે કે આ ડેટાની માલિકી તેની છે. ધારો કે આવતી કાલે અમેરિકાની કોઇ ગુપ્તચર સંસ્થા ભારતના કોઇ નાગરિકની જાસૂસી કરવા માગતી હોય અને તે ફેસબુકનો સંપર્ક સાધીને તેના સંદેશાઓ વાંચવા માગે તો ફેસબુક તેને માહિતી આપી શકે ખરું? ગ્રાહકે જ્યારે એપ્પ ડાઉનલોડ કરી ત્યારે જ આવી સંમતિ આપી દીધી હોય છે. કાયદેસર રીતે હવે તેને વિરોધ કરવાનો કોઇ અધિકાર રહેતો નથી.

તાજેતરમાં દિલ્હીના ચીફ મિનિસ્ટર સહિતના પ્રધાનો બહારગામ ગયા હતા ત્યારે કોઇ પત્રકારે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીને પૂછ્યું હતું કે તો પછી દિલ્હીની સરકાર કેવી રીતે ચાલે છે? ત્યારે તેમનો જવાબ હતો કે દિલ્હીની સરકાર વ્હોટ્સ એપ્પથી ચાલે છે. જો વ્હોટ્સ એપ્પ દ્વારા મોકલવામાં આવતા સંદેશાની માલિકી કંપનીની હોય તો દિલ્હી સરકારની સંવેદનશીલ માહિતી લિક થઇ શકે કે નહીં? ખરેખર, સોશિયલ નેટવર્કિંગ સાઇટના ડેટાનો મુદ્દો દેશની સલામતી માટે પણ બહુ જોખમી છે.

ઉત્તર કોરિયા કેમ કોઇને ગાંઠતું નથી?

 • દિવ્ય ભાસ્કર….
 • ન્યૂઝ વોચ….
 • સંજય વોરા…
 • તા.  ૧૬  સપ્ટેમ્બર , શુક્રવાર

 

635984715851776795-afp-551724097

 

અમેરિકા પોતાની જાતને જગતનો જમાદાર સમજે છે,પણ ઉત્તર કોરિયા નામનો બચૂકડો દેશ અમેરિકાની દાદાગીરીને વશ થવા તૈયાર નથી. અમેરિકા, રશિયા અને ચીન જેવી મહાસત્તાઓ દુનિયાને ડરાવવા માટે ગમે તેટલા અણુશસ્ત્રોનો સંગ્રહ કરે તો પણ વાઘને કોણ કહે કે તારું મોં ગંધાય છે? પાકિસ્તાન અમેરિકાનું ખંડિયું રાષ્ટ્ર છે, માટે તેની પાસે થોકબંધ અણુબોમ્બ હોવા છતાં અમેરિકા તેને સજા કરવા માગતું નથી; પણ ઉત્તર કોરિયાનો માથાભારે સરમુખત્યાર કિમ જોંગ ઉણ અમેરિકા જેવી મહાસત્તાને પણ ગાંઠતો ન હોવાથી અમેરિકાએ તેના પર પ્રતિબંધો લદાવ્યા છે. આ પ્રતિબંધોની પણ પરવા કર્યા વિના ઉત્તર કોરિયાએ અણુબોમ્બ બનાવી લીધો છે. હવે તે અણુબોમ્બ ઝીંકી શકાય તેવા ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરીને અમેરિકાને પણ ડરાવી રહ્યું છે.

ગયા શુક્રવારે ઉત્તર કોરિયાએ પોતાનો પાંચમો અણુધડાકો કર્યો. છેલ્લાં એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં કરેલો આ બીજો ધડાકો હતો. નિષ્ણાતો કહે છે કે ઉત્તર કોરિયાએ ભૂતકાળમાં જે ચાર અણુધડાકા કર્યા હતા તેના કરતાં પણ પાંચમો ધડાકો વધુ ભારે હતો. તેને કારણે આજુબાજુના વિસ્તારોમાં ૫.૩ ની તીવ્રતાના ભૂકંપનો અનુભવ થયો હતો. જાણકારો કહે છે કે ચાલુ વર્ષના અંત સુધીમાં ઉત્તર કોરિયા પાસે ૨૦ અણુબોમ્બ બનાવી શકાય તેટલો વિસ્ફોટક પદાર્થ ભેગો થઇ ગયો હશે. ઉત્તર કોરિયાએ પહેલવહેલો અણુધડાકો કર્યો ત્યારે અમેરિકાના કહેવાથી યુનો દ્વારા તેના પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા; તો પણ યુરેનિયમને સમૃદ્ધ કરવાનો તેનો કાર્યક્રમ કોઇ બાહ્ય સહાય વિના ચાલતો રહ્યો હતો. હવે ઉત્તર કોરિયા દર વર્ષે ૬ અણુબોમ્બ બનાવવાની ક્ષમતા ધરાવે છે.

ઉત્તર કોરિયા પોતાના અણુકાર્યક્રમમાં આટલું બધું આગળ વધી ગયું તેમાં પાકિસ્તાનનો પ્રત્યક્ષ અને ચીનનો પરોક્ષ ટેકો તેને મળતો આવ્યો છે. પાકિસ્તાનના અણુકાર્યક્રમના જનક એ.ક્યુ. ખાને ઇ.સ.૧૯૯૯માં અણુઉર્જા મથક સ્થાપવા માટે જરૂરી બે ડઝન સેન્ટ્રિફ્યુજ દાણચોરીથી ઉત્તર કોરિયાને વેચ્યા હતા. તેની સાથે તેમણે સેન્ટ્રિફ્યુજ બનાવવાની ટેકનોલોજી પણ વેચી હતી. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્તર કોરિયાએ ઇ.સ.૨૦૧૦ સુધીમાં ઘરઆંગણે ૨,૦૦૦ સેન્ટ્રિફ્યુજ બનાવી લીધા હતા. તેનો ઉપયોગ હવે અણુબોમ્બ બનાવવાના યુરેનિયમના નિર્માણ માટે થાય છે.

ઉત્તર કોરિયા ચીનનું પડોશી છે. દક્ષિણ કોરિયામાં અમેરિકાનાં લશ્કરી થાણાં છે. ઉત્તર કોરિયા ચીન અને દક્ષિણ કોરિયાનાં અમેરિકી લશ્કરી થાણાં વચ્ચે બફર સ્ટેટની ભૂમિકા ભજવે છે. ચીનને ડર છે કે જો ઉત્તર કોરિયાનું પતન થઇ જશે તો અમેરિકાનું લશ્કર તેની સરહદ સુધી આવી જશે. આ કારણે ચીન ઉત્તર કોરિયાને ટેકો આપીને ટકાવી રાખે છે. ઉત્તર કોરિયાએ પોતાનો અણુકાર્યક્રમ શરૂ કર્યો ત્યારથી યુનો દ્વારા તેના પર જાતજાતના પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ પ્રતિબંધો મુજબ ઉત્તર કોરિયાને કોઇ પણ જાતની લશ્કરી સામગ્રી વેચવા પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ચીન ઉત્તર કોરિયાને ટકાવી રાખવા આ પ્રતિબંધોનો ભંગ કરીને તેની સાથે વેપાર કરી રહ્યું છે. ચીનમાંથી ઉત્તર કોરિયામાં અમુક જીવનજરૂરિયાતની જણસોની નિકાસ કરવાની છૂટ રાખવામાં આવી છે, પણ તેનો લાભ લઇને ચીન લશ્કરી સરંજામ પણ વેચતું રહ્યું છે. ચીન અને ઉત્તર કોરિયાની સરહદ પર માલસામાન લઇને આવતી કે જતી કોઇ ટ્રકોનું નિયમિત ચેકિંગ કરવામાં આવતું નથી.

અમેરિકાના કાયદા મુજબ જો કોઇ દેશ ઉત્તર કોરિયા કે બીજા કોઇ પણ દેશ સામે લાદવામાં આવેલા પ્રતિબંધનો અમલ ન કરે તો અમેરિકા તેની સામે પણ પ્રતિબંધો લાદી શકે છે. આ કેટેગરીમાં ચીન ઉપરાંત પાકિસ્તાન અને ઇરાન જેવા દેશો પણ આવી શકે છે. અમેરિકા ચીન પર પ્રતિબંધ લાદી શકે તેમ નથી, કારણ કે અમેરિકાનું આખું અર્થતંત્ર ચીન પર નિર્ભર છે. પાકિસ્તાને ઉત્તર કોરિયાને તેના અણુકાર્યક્રમમાં મદદ કરી હતી તો ઉત્તર કોરિયા પાકિસ્તાનને બેલાસ્ટિક મિસાઇલનો વિકાસ કરવામાં મદદ કરી રહ્યું છે. ઉત્તર કોરિયા અત્યારે જેના પર અણુબોમ્બ ગોઠવી શકાય તેવા ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલના પ્રયોગો કરી રહ્યું છે. તાજેતરમાં આવો પ્રયોગ નિષ્ફળ ગયો હતો, પરંતુ કોઇ પણ વૈજ્ઞાનિક શોધમાં સફળતાનો પ્રારંભ નિષ્ફળતાથી જ થતો હોય છે. જો ઉત્તર કોરિયા પોતાની મરજી મુજબનું મિસાઇલ બનાવવામાં સફળ થશે તો તે ન્યુ યોર્ક અને વોશિંગ્ટન જેવાં શહેરો પર પણ અણુબોમ્બ ઝીંકીને તેમને ખતમ કરી શકશે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉણનો તરંગી સ્વભાવ જોતા તેના માટે કોઇ પણ બાબત અશક્ય માનવામાં આવતી નથી.

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર આક્ષેપ કરવામાં આવે છે કે તેઓ ઉત્તર કોરિયા સામે કડક હાથે કામ નથી લેતા, જેને કારણે કિમ જોંગ ઉણની હિમ્મત બહુ વધી ગઇ છે. બરાક ઓબામાની નીતિ વ્યૂહાત્મક ધીરજ રાખવાની છે, જેનો અર્થ થાય છે, સમય પસાર થવા દેવો અને કિમ જોંગ ઉણ મંત્રણા માટે તૈયાર થાય તેની રાહ જોવી. ઇરાનના અણુકાર્યક્રમને અંકુશમાં લાવવાની બાબતમાં બરાક ઓબામાની આ નીતિ કામ લાગી હતી, પણ ઉત્તર કોરિયા બાબતમાં તે કામ લાગે તેવું જરૂરી નથી. અમેરિકામાં હવે પ્રમુખપદની ચૂંટણીના ઢોલનગારા વાગી રહ્યા છે ત્યારે ઓબામા કોઇ તીવ્ર ઉપાય લઇ શકે તેમ નથી. જો કિમ જોંગ ઉણ નવા પ્રમુખની નિયુક્તિ સુધીમાં પોતાના મિસાઇલ કાર્યક્રમમાં સફળ થઇ જશે તો નવા પ્રમુખ પાસે ઉત્તર કોરિયા સામે યુદ્ધે ચડવા સિવાય કોઇ વિકલ્પ બચશે નહીં.

મુલાયમ સિંહ યાદવના પરિવારમાં યાદવાસ્થળી

 • દિવ્ય ભાસ્કર….
 • ન્યૂઝ વોચ….
 • સંજય વોરા…
 • તા.  ૧૫  સપ્ટેમ્બર , ગુરુવાર

 

mulayam-singh-yadav_650x400_41471316752

 

શ્રીકૃષ્ણ ભગવાન જીવતા હતા ત્યારે જ તેમના પરિવારમાં આંતરિક લડાઇ શરૂ થઇ ગઇ હતી, જેને યાદવાસ્થળી તરીકે ઓળખવામાં આવે છે. શ્રીકૃષ્ણના મૃત્યુ પછી યાદવાસ્થળી તેની ચરમસીમાએ પહોંચતા યાદવ કુળનો લગભગ નાશ થયો હતો. લાગે છે કે યદુવંશના વારસદાર મુલાયમ સિંહ યાદવના પરિવારમાં પણ તેમના જીવતા યાદવાસ્થળી શરૂ થઇ ગઇ છે. આ યાદવાસ્થળીને કારણે ઉત્તર પ્રદેશની સત્તા સમાજવાદી પક્ષના હાથમાંથી ઝૂંટવાઇ જાય તેવી તમામ સંભાવનાઓ છે.

કોઇ પણ પરિવારમાં કે સરકારમાં જ્યાં સુધી એક પાવર સેન્ટર હોય ત્યાં સુધી જ પરિવાર કે સરકાર સહીસલામત રહે છે. ઉત્તર પ્રદેશ સરકારમાં અને મુલાયમ સિંહ યાદવના પરિવારમાં બે પાવર સેન્ટરો ઊભા થયા છે. એક પાવર સેન્ટર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ છે તો બીજું પાવર સેન્ટર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ છે. અખિલેશ યાદવને તેના કાકા શિવપાલ યાદવ સાથે જે મતભેદો ચાલી રહ્યા છે તેને કારણે મુલાયમ અને અખિલેશ વચ્ચે સીધાં ઘર્ષણનો માહોલ પેદા થયો છે. સંઘર્ષ એટલો ઉગ્ર બની ગયો છે કે મુલાયમના નિર્ણયો અખિલેશ રદ્દ કરે છે અને અખિલેશના નિર્ણયો મુલાયમ ઊલટાવી કાઢે છે. ૪૪ વર્ષના અખિલેશ યાદવ ગર્વથી કહે છે કે, મારે જે કોઇ નિર્ણયો લેવા હોય તે હું લઉં છું; તે માટે મારે નેતાજી (પિતાજી)ને પૂછવાની જરૂર નથી.

અખિલેશ યાદવ અને શિવપાલ યાદવ વચ્ચેની લડાઇમાં ઉત્તર પ્રદેશ સરકારના ટોચના અમલદારો ફૂટબોલની જેમ ફંગળાઇ રહ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારના ચીફ સેક્રેટરી દીપક સિંઘલનો વાંક એટલો જ હતો કે તેઓ શિવપાલ સિંહ યાદવના વિશ્વાસુ હતા. દીપક સિંઘલ સરકાર વતી કોઇ કરાર પર સહી કરવા નોઇડા જઇ રહ્યા હતા ત્યાં રસ્તામાં તેમને અખિલેશનો ફોન આવ્યો કે તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દીપક સિંઘલને કરાર પર સહી કર્યા વિના લખનૌ પાછા ફરવું પડ્યું હતું.

શિવપાલને ખબર પડી કે અખિલેશે દીપક સિંઘલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે તેમણે તરત જ મુલાયમ સમક્ષ તેની ફરિયાદ કરી હતી. મુલાયમે ઝડપી પગલું ભરીને અખિલેશને ઉત્તર પ્રદેશ રાજ્યના સમાજવાદી પક્ષના વડા તરીકે હટાવીને તે હોદ્દો શિવપાલ યાદવને સોંપી દીધો હતો. અખિલેશે વળતો ફટકો મારતા હોય તેમ શિવપાલના હાથમાંથી તમામ અગત્યનાં ખાતાંઓ ઝૂંટવી લીધાં હતાં.

બાહ્ય દૃષ્ટિએ જે યુદ્ધ અખિલેશ યાદવ અને શિવપાલ યાદવ વચ્ચેનું જણાય છે તે હકીકતમાં અખિલેશ અને મુલાયમ વચ્ચેનું યુદ્ધ છે. જ્યારે શિવપાલ યાદવે મુલાયમના આશીર્વાદથી પૂર્વ ઉત્તર પ્રદેશના જાણીતા ગેન્ગસ્ટાર મુખ્તાર અનસારી અને તેના ભાઇ અફઝલ અનસારી સાથે હાથ મિલાવ્યા ત્યારથી યાદવકુળનો સંગ્રામ વધુ ઉગ્ર બન્યો છે. મુલાયમની ગણતરી અનસારી ભાઇઓનો સાથ લઇને મુસ્લિમ મતો જીતવાની હતી, પણ અખિલેશને લાગતું હતું કે તેથી સમાજવાદી પાર્ટીની છબી બગડશે. અખિલેશે મુખ્તાર અનસારી સાથે ગઠબંધન કરવાનો વિચાર નકારી કાઢ્યો ત્યારે પણ શિવપાલ યાદવ મુલાયમ પાસે ફરિયાદ કરવા દોડી ગયા હતા. મુલાયમે પક્ષના કાર્યકરો સમક્ષ અખિલેશને જાહેરમાં ઠપકો આપ્યો હતો અને તેમની કામ કરવાની રીત સુધારવાની શિખામણ પણ આપી હતી.

મુલાયમ સિંહ યાદવના પરિવારમાં જે યાદવાસ્થળી ચાલી રહી છે તેના ચાર ખૂણાઓ છે. મુલાયમના બે ભાઇઓ ગોપાલ અને શિવપાલ રાજનીતિમાં સક્રિય છે. તેમાંથી શિવપાલ મુલાયમની નજીક છે, જ્યારે ગોપાલ અખિલેશની નજીક છે. મુલાયમ સિંહ યાદવ સમાજવાદી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાથી પક્ષ પર અને કાર્યકરો પર તેમની મજબૂત પક્કડ છે. અખિલેશ યાદવ સરકારના વડા હોવાથી મુલાયમના આદેશ મુજબ નહીં પણ પોતાની મરજી મુજબ સરકાર ચલાવે છે.

મુલાયમ સિંહ યાદવ અને તેમના પુત્ર અખિલેશ યાદવ વચ્ચે જનરેશન ગેપ ઉપરાંત વિચારસરણીનો પણ તફાવત છે. મુલાયમ સિંહ યાદવ રાજનીતિના જૂના ખેલાડી છે. કોંગ્રેસ, ભાજપ અને માયાવતી જેવા કટ્ટર રાજકીય શત્રુઓ સામે લડીને તેમણે સમાજવાદી પાર્ટીને મજબૂત બનાવી છે. સત્તાના સિંહાસન સુધી પહોંચવા જ્યાં જરૂર જણાય ત્યાં મુસ્લિમોના તુષ્ટિકરણનો અને સમાજકંટકોનો પણ તેમણે સહારો લીધો છે. અખિલેશ યાદવ વિકાસના મુદ્દા પર રાજનીતિ કરવા માગે છે. ઇ.સ.૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પક્ષને જ્વલંત બહુમતી મળી તેમાં અખિલેશનો ફાળો પણ બહુ મોટો હતો. અખિલેશ માને છે કે ઇ.સ.૨૦૧૭ની ચૂંટણીઓ પણ વિકાસના મુદ્દા પર જ જીતી શકાશે. મુલાયમ માને છે કે જો ભાજપ દ્વારા હિન્દુ કાર્ડ ઊતરવામાં આવશે તો તેનો મુકાબલો માત્ર વિકાસના કાર્ડ વડે થઇ નહીં શકે; તે માટે બાહુબલિઓની મદદ પણ લેવી જ પડશે.

કેટલાક રાજકીય નિરીક્ષકોને લાગે છે કે જેમ ભાજપમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિકાસનો એજન્ડા પકડીને ચાલે છે, પણ અન્ય નેતાઓ હિન્દુ કોમવાદી એજન્ડા પર કામ કરી રહ્યા છે તેમ સમાજવાદી પાર્ટી પણ મતદારોને ભૂલાવામાં નાખવા બે ચહેરા આગળ કરી રહી છે. જેને વિકાસ ગમતો હોય તેમના માટે અખિલેશનો ચહેરો છે તો મુસ્લિમ તુષ્ટિકરણ માટે શિવપાલનો ચહેરો છે. મુલાયમ સિંહ યાદવ બે જૂથો વચ્ચે સમતુલા જાળવવાનું કામ કરી રહ્યા છે. સમાજવાદી પક્ષના સર્વેસર્વા આજની તારીખમાં મુલાયમ સિંહ યાદવ જ છે. તેમની સત્તાને પડકારવાનું અખિલેશનું ગજું નથી. આ બે ચહેરાની રણનીતિ કેટલી સફળ થાય છે તેનો ખ્યાલ તો ચૂંટણીનાં પરિણામો પછી જ આવશે.

શરદ પવારની હાલત ત્રિશંકુ જેવી થઇ ગઇ છે

 • દિવ્ય ભાસ્કર….
 • ન્યૂઝ વોચ….
 • સંજય વોરા…
 • તા.  ૧૪  સપ્ટેમ્બર , બુધવાર

0d2c613c9080361eeb42a6012a50e9a1

તકવાદી મરાઠા નેતા :

શરદ પવાર ભાજપમાં સામેલ થવા માગે છે?

 

મરાઠા નેતા શરદ પવાર અને તેમનો પક્ષ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી ત્રિભેટે આવીને ઊભા છે.  કોંગ્રેસની ભાગીદારીમાં મહારાષ્ટ્રમાં ૧૫ વર્ષ અને કેન્દ્રમાં ૧૦ વર્ષ સુધી સત્તાનો સ્વાદ ચાખી લીધા પછી હવે શરદ પવારને કોંગ્રેસની દ્રાક્ષ ખાટી લાગે છે. તેનું કારણ એ છે કે હવે કોંગ્રેસ મહારાષ્ટ્રમાં તેમ જ કેન્દ્રમાં પણ સત્તા ગુમાવી બેઠી છે. શરદ પવારે ઇ.સ.૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં જ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથેનું ગઠબંધન તોડીને એકલા હાથે ચૂંટણી લડવાની બહાદુરી બતાવી હતી, પણ તેમાં તેને પછડાટ ખાવી પડી હતી. હવે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રફુલ પટેલે આ પરાજયનો બોજો કોંગ્રેસના ખભા પર નાખીને પોતાની જાતને નિર્દોષ પુરવાર કરવાની કોશિષ કરી છે.

શરદ પવાર જેવા તકવાદી નેતા ભારતનાં રાજકારણમાં દીવો લઇને શોધવા જઇએ તો પણ મળે તેમ નથી. ઇ.સ.૧૯૭૮માં મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને વસંતદાદા પાટિલ તેના મુખ્ય પ્રધાન હતા. શરદ પવાર પણ આ સરકારમાં સામેલ હતા. ત્યારે પોતાના રાજકીય ગુરુ ગણાતા વસંતદાદા પાટિલને ઉથલાવીને શરદ પવાર જનતા પાર્ટીનો સાથ લઇને માત્ર ૩૮ વર્ષની ઉંમરે મહારાષ્ટ્રના સૌથી વધુ યુવાન મુખ્ય મંત્રી બની ગયા હતા. ઇ.સ.૧૯૮૦માં કેન્દ્રમાં શ્રીમતી ઇન્દિરા ગાંધી પાછાં ફર્યાં તે સાથે તેમણે શરદ પવારની સરકારને બરતફર કરી કાઢી હતી.

ઇ.સ.૧૯૮૭માં કોંગ્રેસ સામે બળવો કરીને મુખ્ય પ્રધાન બનેલા શરદ પવારે ખુરશી ગુમાવ્યા પછી પોતાના પક્ષની રચના કરી હતી, જેનું નામ કોંગ્રેસ (એસ)રાખવામાં આવ્યું હતું. ઇ.સ.૧૯૮૪માં તેઓ બારામતીમાંથી લોકસભાની ચૂંટણી જીતીને પહેલી વખત સંસદમાં ગયા હતા, પણ ઇ.સ.૧૯૮૫માં વિધાનસભાની ચૂંટણી જીતીને વિધાનસભ્ય બનતા તેમણે સંસદસભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું અને મહારાષ્ટ્રના રાજકારણમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.

કાચિંડાની જેમ રંગ બદલતા શરદ પવાર ઇ.સ.૧૯૮૭માં કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. ત્યારે તેમણે એવું કારણ આપ્યું હતું કે મહારાષ્ટ્રમાં શિવસેના જેવા કોમવાદી પક્ષનો મુકાબલો કરવા કોંગ્રેસના હાથ મજબૂત કરવા જરૂરી છે. ઇ.સ.૧૯૮૮માં મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન શંકરરાવ ચવાણને કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા ત્યારે તેઓ કોંગ્રેસ વતી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બની ગયા હતા.

ઇ.સ.૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા થઇ ત્યારે શરદ પવારનું નામ વડા પ્રધાનપદના દાવેદાર તરીકે બોલાવા લાગ્યું હતું. સોનિયા ગાંધીને શરદ પવાર પર બિલકુલ વિશ્વાસ ન હોવાથી તેમણે નરસિંહ રાવને ભારતના વડા પ્રધાન બનાવ્યા હતા. નરસિંહ રાવે શરદ પવારને કેન્દ્રમાં સંરક્ષણ પ્રધાનના હોદ્દાની ઓફર કરી ત્યારે તેઓ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપીને કેન્દ્રમાં જોડાઇ ગયા હતા. ઇ.સ.૧૯૯૩માં મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન સુધાકરરાવ નાઇકે રાજીનામું આપતા નરસિંહ રાવે શરદ પવારને પાછા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનાવ્યા હતા.

શરદ પવારનું નસીબ બહુ ખરાબ હતું. ઇ.સ.૧૯૯૩ની ૬ઠ્ઠી માર્ચે તેમની મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે સોગંદવિધિ થઇ અને તા. ૧૩ માર્ચે મુંબઇમાં બોમ્બ ધડાકા થયા, જેમાં દાઉદ ઇબ્રાહિમની સંડોવણી બહાર આવી હતી. મુંબઇના તત્કાલીન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગોવિંદ રાઘો ખૈરનારે શરદ પવાર પર જાહેરમાં આક્ષેપ કર્યો કે શરદ પવારના દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધો છે અને તેમની પાસે તેના ટ્રક ભરીને પુરાવા છે. મહારાષ્ટ્રમાં શરદ પવારની તેમ જ કોંગ્રેસની પ્રતિષ્ઠાને જબરદસ્ત ધક્કો પહોંચ્યો. ઇ.સ.૧૯૯૫માં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી થઇ તેમાં શરદ પવારનો તેમ જ કોંગ્રેસનો પરાભવ થયો અને પહેલી વખત શિવસેના-ભાજપની યુતિ મહારાષ્ટ્રમાં સત્તા પર આવી.

ઇ.સ.૧૯૯૭માં શરદ પવારે કોંગ્રેસના અધ્યક્ષ બનવાની હોડમાં ઝંપલાવી દીધું. ત્યાં પણ શરદ પવારનું નસીબ બે ડગલાં પાછળ હતું. શરદ પવારને પછાડીને સીતારામ કેશરી કોંગ્રેસના અધ્યક્ષ બની ગયા. ઇ.સ.૧૯૯૮માં કેન્દ્રમાં અટલબિહારી વાજપેયીની સરકાર આવી ત્યારે શરદ પવાર લોકસભામાં કોંગ્રેસના નેતા બની ગયા. ફરી તેઓ વડા પ્રધાન બનવાનાં સપનાં જોવા લાગ્યા.

ઇ.સ.૧૯૯૯માં શ્રીમતી સોનિયા ગાંધી કોંગ્રેસનાં પ્રમુખ બન્યાં ત્યારે શરદ પવારને લાગ્યું કે હવે કોંગ્રેસમાં રહીને વડા પ્રધાનની ખુરશી સુધી પહોંચવાનું સંભવિત નથી. તેમણે શ્રીમતી સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવીને કોંગ્રેસનો ત્યાગ કર્યો અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીની રચના કરી. આ પાર્ટીનો પ્રભાવ માત્ર મહારાષ્ટ્ર પૂરતો મર્યાદિત હતો. શરદ પવારની મહત્ત્વાકાંક્ષા ત્રીજા મોરચાના વડા પ્રધાન બનવાની હતી, પણ તેમાં તેમને સફળતા મળી નહોતી. ઇ.સ.૨૦૦૪માં કેન્દ્રમાં યુપીએની સરકાર બની ત્યારે સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ભૂલીને તેઓ તેમાં કૃષિ મંત્રી તરીકે જોડાઇ ગયા. ઇ.સ.૨૦૧૪ સુધી શરદ પવારે સોનિયા ગાંધીના નેતૃત્વમાં કામ કર્યું.

ઇ.સ.૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલાં શરદ પવાર અને નરેન્દ્ર મોદી વચ્ચે ખાનગી મુલાકાત થઇ હતી, જેમાં શરદ પવારે ચૂંટણી પછી સરકાર રચવા માટે ભાજપને ટેકો આપવાની ઓફર કરી હતી, તેમ કહેવાય છે. શરદ પવારના બદનસીબે ભાજપને કેન્દ્રમાં શરદ પવારના ટેકાની જરૂર નહોતી પડી પણ મહારાષ્ટ્રમાં તેમણે ભાજપને બહારથી ટેકો આપીને સરકાર બનાવવામાં મદદ કરી હતી. હવે શરદ પવાર ભાજપમાં જોડાવા ઉત્સુક છે, પણ નરેન્દ્ર મોદી તેમને ભાવ આપતા નથી.