- દિવ્ય ભાસ્કર….
- ન્યૂઝ વોચ….
- સંજય વોરા…
- તા. ૨૦ સપ્ટેમ્બર , મંગળવાર
ભારતના કોઇ પણ ભાગમાં આતંકવાદી હુમલો થાય ત્યારે ગુપ્તચર તંત્રનો વાંક કાઢવામાં આવે છે કે તેણે સમયસર ચેતવણી આપી નહોતી. ઉરીમાં રવિવારે જે પ્રચંડ હુમલો થયો તે પહેલા ગુપ્તચર તંત્ર દ્વારા બહુ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં કોઇ સ્થળે જબરદસ્ત હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ચેતવણી છતાં પાકિસ્તાનમાં તાલીમ પામેલા ત્રાસવાદીઓ સરહદ પાર કરીને ઉરીની ૧૯ કિલોમીટર અંદર બેરોકટોક ઘૂસીને હુમલો કરી ગયા તે આપણા સુરક્ષા તંત્રની ઘોર નિષ્ફળતા સૂચવે છે. ઇ.સ.૨૦૦૨ની ૧૪મી મેના રોજ કાલુચકના હુમલામાં ૨૨ સુરક્ષા કર્મીઓ શહીદ થયા હતા અને ૧૪ નાગરિકો પણ ભોગ બન્યા હતા. ત્યાર પછીના આ સૌથી ગંભીર હુમલાનો જવાબ આપવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૬ ઇંચની છાતી બતાવવી પડશે.
ગુપ્તચર તંત્રની સ્પષ્ટ ચેતવણીને પરિણામે આ વખતે આપણા વાયુમથકોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા હતા, પણ સરહદની નજીક આવેલી છાવણી બાબતમાં આટલી ઉપેક્ષા કેમ સેવવામાં આવી હતી તે સમજી ન શકાય તેવી વાત છે. આતંકવાદીઓ સરહદ પાર કરીને શસ્ત્રો સાથે ૧૯ કિલોમીટર સુધી ઘૂસી આવ્યા, તો તેમને કોઇએ જોયા કેમ નહીં? ઉરીની છાવણી ભૂતકાળમાં પણ આતંકવાદી હુમલાનો ભોગ બની ચૂકી છે. ઇ.સ.૨૦૧૪ના ડિસેમ્બરમાં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર હતી ત્યારે પણ ઉરીમાં આતંકવાદી હિમલો થયો હતો, જેમાં નવ જવાનો શહીદ થયા હતા. જે બારામુલ્લા શહેરમાં સુરક્ષા દળો પર પથ્થરમારાની ઘટનાઓ થઇ રહી છે તે ઉરીથી માત્ર ૪૦ કિલોમીટર દૂર છે. આ પથ્થરમારામાં સંડોવાયેલા કોઇ ભારતીય નાગરિકે આતંકવાદીઓને છૂપાવામાં સહાય નહીં કરી હોય ને? તેવા સવાલનો જવાબ શોધવો પણ દેશની સુરક્ષાની દૃષ્ટિએ જરૂરી બની જાય છે.
ઉરીમાં જે હુમલો થયો તેમાં કોઇ ઘરના ઘાતકીની સંડોવણી હોવાના નિર્દેશો મળે છે. આતંકવાદીઓ લશ્કરી છાવણીની અંદરની વ્યવસ્થાની સચોટ માહિતી ધરાવતા હતા. તેમણે છાવણી પર પાછળથી હુમલો કર્યો હતો, કારણ કે તેમને ખબર હતી કે છાવણીના આગળના ભાગમાં ભારે સલામતી બંદોબસ્ત હોય છે. તેમને ખબર હતી કે છાવણીમાં તે સમયે સૈનિકો બદલાવાના છે. વળી તેમણે લાગ જોઇને ઓફિસરોના મેસ પર હુમલો કર્યો હતો, જ્યાં વધુ જવાનો સૂતા સપડાઇ ગયા હતા.
ઉરીમાં જે હુમલો થયો તેમાં આતંકવાદીઓની ગોળીથી જેટલા જવાનો શહીદ થયા તેના કરતાં વધુ જવાનો આગમાં હોમાઇ ગયા હતા. આ હુમલો કરનારા ફિદાઇન આતંકવાદીઓ હતા, જેમને મહિનાઓ સુધી આ પ્રકારના હુમલાઓ કરવાની તાલીમ આપવામાં આવે છે. તેમને મોતનો ડર નથી હોતો. તેમણે જીવતા પાછા ફરવાનું નથી તે નક્કી હોય છે. આ કારણે તેઓ ગમે ત્યાં પહોંચીને હુમલો કરી શકે છે. ઉરીમાં થયેલા હુમલામાં ફિદાઇન હુમલાખોરો ભારતીય લશ્કરની વર્દીમાં જ આવ્યા હતા, માટે તેમને ઓળખવાનું અઘરું બની ગયું હતું. ઉરીના હુમલામાં ભારતમાં કાર્યરત ત્રાસવાદીઓના કોઇ સ્લિપર સેલની સંડોવણીની સંભાવના છે, જેમાં આતંકવાદીઓને સહાય કરવા કાશ્મીર ખીણના યુવાનોને જ ભરતી કરવામાં આવ્યા હોય. આ સ્લિપર સેલને શોધી તેનો નાશ કરવો જરૂરી છે.
કોઇ પણ આતંકવાદી હુમલાનું મુખ્ય ધ્યેય લોકોના મનમાં ડરની ભાવના પેદા કરીને તેમનો સરકાર તેમ જ સુરક્ષા દળો પરનો વિશ્વાસ ડગમગાવી દેવાનું હોય છે. જમ્મુ અને કાશ્મીરમાં જ્યારથી મહેબૂબા મુફ્તિની સરકાર આવી છે ત્યારથી આતંકવાદીઓ વધુ ભૂરાટા થયા છે. ભાજપ અને પીડીપી જેવા પરસ્પર વિરોધી વૈચારિક ભૂમિકા ધરાવતા પક્ષો આતંકવાદના ઉન્મૂલન બાબતમાં એક વેવલેન્ગ્થ પર આવી ગયા તેને કારણે આતંકવાદીઓને પોતાનાં મૂળિયા ઉખડી જવાનો ડર લાગ્યો છે. આ કારણે પીડીપી-ભાજપની સરકારને પરેશાન કરવા તેઓ વધુ જોરથી હુમલાઓ કરી રહ્યા છે.
પાકિસ્તાન એક ધાર્મિક રાષ્ટ્ર તરીકે દુનિયાના નકશામાં અસ્તિત્વમાં આવ્યું હતું. તાજેતરમાં બલૂચિસ્તાનમાં જે ઘટનાઓ બની રહી છે તેનાથી પુરવાર થાય છે કે ધર્મના પાયા પર પાકિસ્તાનનું અસ્તિત્વ ટકાવી રાખી શકાય તેમ નથી. પાકિસ્તાનના વિવિધ પ્રાંતોને એક રાખવા માટે ત્યાંની સરકાર અને સૈન્ય સતત કાશ્મીરનો મુદ્દો સળગતો રાખવા માગે છે. કાશ્મીરનો મુદ્દો એક એવું ફેવિકોલ છે જે પાકિસ્તાનના ટુકડા થતા અટકાવે છે. ભારતે દુનિયાનું ધ્યાન કાશ્મીરના મુદ્દા પરથી બીજે વાળવા બલૂચિસ્તાનનો ઉપયોગ કર્યો તેને કારણે પણ પાકિસ્તાન ભૂરાટું થયું છે. ઉરીમાં જે બન્યું તે ટ્રેઇલર છે. ભારતે હજુ મોટા હુમલાઓની અને તેને ખાળવાની તૈયારી કરી રાખવી પડશે.
પઠાણકોટ અને ઉરી જેવા હુમલાનો ભારતે જવાબ કેવી રીતે આપવો જોઇએ? તે બાબતમાં વિવિધ વિકલ્પોની ચર્ચા ચાલી રહી છે. તેમાં એક વિકલ્પ લાઇન ઓફ કન્ટ્રોલ પાર કરીને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ચાલતી આતંકવાદી છાવણીઓને ખતમ કરવાનો છે, જેને લશ્કરની ભાષામાં સર્જીકલ સ્ટ્રાઇક તરીકે ઓળખવામાં આવે છે. સર્જીકલ સ્ટ્રાઇકમાં પરિણામ નક્કી મળી શકે છે, પણ તેને કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે ફુલફ્લેજ્ડ યુદ્ધ ફાટી નીકળે તેવી તમામ સંભાવનાઓ છે. પાકિસ્તાન પાસે અણુશસ્ત્રોનો જથ્થો જોતા યુદ્ધ છેડતા પહેલાં સો વખત વિચારવું જોઇએ. આતંકવાદને ડામવા માટે યુદ્ધ કરતાં વધુ સારો ઉપાય કુટનીતિ છે. જો અમેરિકા અને ચીન જેવા દેશો પાકિસ્તાનને સહાય કરવાનું બંધ કરી દે તો પાકિસ્તાનના આતંકવાદીઓને મળતો પ્રાણવાયુ જ બંધ થઇ જાય તેમ છે.