રફાલ સોદામાં ભાવતાલ કરીને ભારત ખાટી ગયું

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૨૩  સપ્ટેમ્બર , શુક્રવાર

 

download

 

કોઇ પણ ગુજરાતી ગૃહિણી બજારમાં ખરીદી કરવા જાય ત્યારે ભાવતાલ કર્યા વિના રહેતી નથી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાવતાલ કરવાની કળામાં પાવરધા છે. ભારતે ફ્રાન્સની દસોલ્ટ કંપની સાથે ગયાં વર્ષના મે મહિનામાં ૩૬ રફાલ ફાઇટર જેટ ખરીદવા માટે વાટાઘાટો શરૂ કરી ત્યારે તેની કુલ કિંમત ૧૨ અબજ યુરો માગવામાં આવી હતી. ભારતે રફાલ વિમાન ખરીદવાનો નિર્ણય કરી લીધો હતો; પણ ભાવ ઘટાડવાનો આગ્રહ પણ ચાલુ રાખ્યો હતો. આ વર્ષની તા.૨૬ જાન્યુઆરીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇઝ ઓલાન્દે ભારતના મહેમાન બન્યા ત્યારે તેઓ આ સોદો ફાઇનલ કરવા માગતા હતા, માટે તેમણે કિંમત ઘટાડીને ૮.૬ અબજ યુરો કરી નાખી હતી. ભારતના વડા પ્રધાનને લાગ્યું કે આ ખરીદીમાં હજુ કસ મારી શકાય તેમ છે, માટે તેમણે સોદો મુલતવી રાખ્યો હતો.

હવે ૧૭ મહિનાની રકઝક પછી દસોલ્ટ કંપની ૩૬ જેટ વિમાન તેના સશસ્ત્રસરંજામ સાથે ૭.૮૮ અબજ યુરોમાં વેચવા તૈયાર થઇ છે, ત્યારે હવે વધુ બાર્ગેઇનિંગને અવકાશ ન હોવાની ખાતરી થતાં ભારતે સોદો ફાઇનલ કર્યો છે. ભારતના વડા પ્રધાનની વણિકગીરીને કારણે દેશને ઓછામાં ઓછા ચાર અબજ યુરોનો ફાયદો થયો છે. બીજા શબ્દોમાં ફ્રેન્ચ કંપનીએ રફાલ વિમાનો માટે જે મૂળ ભાવ આપ્યા હતા તેમાં ૩૫ ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. જો આ સોદામાં કોઇ વચેટિયો રાખવામાં આવ્યો હોત તો આ ચાર અબજ યુરો વચેટિયો લઇ ગયો હોત. દેશના સંરક્ષણ માટે ખરીદવામાં આવતા શસ્ત્રસરંજામની ખરીદીમાં કેટલા ભ્રષ્ટાચારની ગુંજાઇશ છે, તેનો ખ્યાલ આ સોદા પરથી આવે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના નગારા વાગી રહ્યા છે ત્યારે દીવા જેવી સ્પષ્ટ હકીકત એ છે કે ભારતીય વાયુસેના પાસે અદ્યતન ફાઇટર જેટ વિમાનો જ નથી. ભારત પાસે જે મિગ સિરીઝના રશિયન બનાવટનાં ફાઇટર જેટ છે તેનો કાફલો જરીપુરાણો થઇ ગયો છે. મિગ વિમાનોને એટલા અકસ્માતો નડે છે કે તે ઉડતાં કોફીન તરીકે ઓળખાય છે. આજથી ૧૬ વર્ષ પહેલાં ભારતીય વાયુસેનાએ સરકારને જણાવ્યું હતું કે તેને અદ્યતન ફાઇટર જેટની જરૂર છે. ઇ.સ.૨૦૦૭માં યુપીએ સરકારે ફાઇટર જેટ ખરીદવાનો નિર્ણય લઇ લીધો હતો, પણ સંરક્ષણ સોદાઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપના ડરથી તેણે કોઇ નિર્ણય કર્યો નહોતો. હવે એનડીએ સરકારે છેવટે રફાલ બાબતમાં હિમ્મતભર્યો નિર્ણય લીધો છે.

યુપીએ સરકારે ઇ.સ.૨૦૦૭માં નિર્ણય કર્યો હતો કે મિગ વિમાનોના કાફલાને ક્રમશ: રજા આપીને તેના સ્થાને અદ્યતન ફાઇટર જેટનો કાફલો ઊભો કરવો. આ માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા. લોકહીડ, મિકોયાન, સાબ અને દસોલ્ટ જેવી ચાર મોટી કંપનીઓ દ્વારા ટેન્ડરો ભરવામાં આવ્યાં હતાં. તે પૈકી દસોલ્ટનું રફાલ વિમાન ભારતીય વાયુદળમાં વપરાતાં મિરાજ વિમાન સાથે મળતું આવતું હોવાથી તેના પર પસંદગી ઉતારવામાં આવી હતી. રફાલ વિમાનનો વધારાનો ફાયદો એ હતો કે તેને અણુશસ્ત્રોના વહન માટે પણ ઉપયોગમાં લઇ શકાય તેમ છે. ઇ.સ.૨૦૧૨માં યુપીએ સરકાર દ્વારા રફાલનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું તે સોદો ૧૨૬ વિમાનો માટે હતો. તેમાં પણ પાછળથી બીજાં ૭૪ વિમાનો ખરીદવાની જોગવાઇ હતી. આ રીતે કુલ ૨૦૦ વિમાનોનો સોદો કરવામાં આવ્યો હતો.

યુપીએ સરકાર દ્વારા ઇ.સ.૨૦૧૨માં રફાલ વિમાનોનો સોદો કરવામાં આવ્યો તો પણ સોદો ટેકનિકલ બાબતોમાં અટવાઇ ગયો હતો. ઇ.સ.૨૦૧૪માં નરેન્દ્ર મોદીની સરકાર સત્તા પર આવી તેણે સોદાને આગળ ધપાવવા માટેનો પુરૂષાર્થ આદર્યો હતો. તેમાં પણ નરેન્દ્ર મોદીએ વાણિયાબુદ્ધિ વાપરીને નક્કી કર્યું હતું કે આપણે એક સાથે ૧૨૬ વિમાનો ખરીદવા નથી. તેને બદલે પહેલા તબક્કામાં ૩૬ વિમાનો ખરીદવા અને વિમાનના કાર્યથી સંતોષ થાય તો જ આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. દસોલ્ટ કંપની ૧૨ અબજ યુરોથી ભાવ ઘટાડવા તૈયાર નહોતી, માટે તેને થોડા સમય માટે પડતી મૂકવામાં આવી હતી. છેવટે તેણે ભાવ ઘટાડીને ૭.૮૮ અબજ યુરો કર્યો ત્યારે સોદાને મંજૂરી આપવામાં આવી હતી.

ભારતે જે ૩૬ રફાલ વિમાનનો સોદો કર્યો છે તેની મૂળ કિંમત તો ૩.૮ અબજ યુરો છે. તેમાં રડાર સિસ્ટમ, સોફ્ટવેર, પાંચ વર્ષની સર્વિસ તેમજ સ્પેર પાર્ટની સપ્લાય વગેરે ઉમેરતા કુલ કિંમત ૭.૮૮ અબજ યુરો થાય છે. તેમાં પણ ભારતે શરત કરી છે કે ભારત સરકાર દ્વારા ફ્રેન્ચ કંપનીને જેટલી રકમ ચૂકવવામાં આવે તેના ૫૦ ટકાનું રોકાણ તેઓ ભારતમાં જ કરશે. રફાલ વિમાન બનાવતી દસોલ્ટ કંપની ભારતમાં પોતાનું કારખાનું નાખશે તો વડા પ્રધાનના મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ ભારતના હજારો યુવાનોને તેમાં રોજી મળશે. ભારતે જે ૩૬ રફાલ વિમાનોનો ઓર્ડર આપ્યો છે તેને ભારત પહોંચતા હજુ બીજા ૩૬ મહિનાઓ થશે. ત્યાર બાદ ભારત સરકારને જે રફાલ વિમાનોની જરૂર હશે તેનું જો ભારતમાં જ ઉત્પાદન કરવામાં આવશે તો તેની ડિલિવરી પણ ઝડપથી મળશે.

ભારતીય વાયુદળને ત્રણ પ્રકારનાં ફાઇટર જેટ વિમાનોની જરૂર છે. ઉચ્ચ કક્ષાએ વાપરવા માટે આપણી પાસે સુખોઇ વિમાનો છે. મધ્યમ કક્ષામાં મિગ વિમાનો વપરાય છે, જેનું સ્થાન લેવા માટે રફાલનો ઉપયોગ કરવામાં આવશે. નિમ્ન કક્ષા માટે ભારતે પોતાનું લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ બનાવ્યું છે, જે તેજસના નામે ઓળખાય છે. હજુ ભારત રશિયાના સહયોગમાં ઉચ્ચ કક્ષાનું ફાઇટર જેટ વિકસાવી રહ્યું છે. રફાલના આગમન સાથે ભારતીય વાયુસેના પાસે અત્યંત ઘાતક હથિયાર આવી જશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s