- દિવ્ય ભાસ્કર….
- ન્યૂઝ વોચ….
- સંજય વોરા…
- તા. ૨૪ સપ્ટેમ્બર , શનિવાર
બાબા રામદેવ અને તેમના ચેલા આચાર્ય બાલકૃષ્ણની કથા કોઇ પરીકથાનાં પાત્રો જેવી છે. ફોર્બ્સ મેગેઝિને ભારતના જે ૧૦૦ અબજોપતિઓની યાદી બહાર પાડી છે તેમાં આચાર્ય બાલકૃષ્ણ ૪૮મા ક્રમાંકે પહોંચી ગયા છે. ફોર્બ્સ મેગેઝિનની ગણતરી પ્રમાણે બાલકૃષ્ણ કુલ ૨.૫ અબજ ડોલરના આસામી છે, કારણ કે પતંજલિ આયુર્વેદ કંપનીમાં તેમનો ૯૭ ટકા હિસ્સો છે. ઇ.સ.૧૯૯૫માં બાબા રામદેવ અને બાલકૃષ્ણ પતંજલિ કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવા ગયા ત્યારે તેમનાં ખિસ્સામાં કુલ ૩,૫૦૦ રૂપિયા હતા, પણ રજિસ્ટ્રેશન માટે ૧૩,૦૦૦ રૂપિયાની જરૂર હતી. તેમણે બે મિત્રો પાસેથી પાંચ-પાંચ હજાર રૂપિયા ઉધાર લીધા અને પતંજલિનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આજે પતંજલિ આયુર્વેદ ભારતની સૌથી ઝડપથી વિકાસ પામતી કંપની બની ગઇ છે. ઇ.સ.૨૦૧૫-૧૬માં તેનું ટર્નઓવર ૫,૦૦૦ કરોડ રૂપિયા હતું, જે ઇ.સ.૨૦૨૦ સુધીમાં ૨૦,૦૦૦ કરોડ પર પહોંચી જવાની ધારણા છે. નવાઇની વાત એ છે કે પતંજલિ માટે દિવસના ૧૫ કલાક કામ કરતાં બાલકૃષ્ણ એક પણ રૂપિયાનો પગાર લેતા નથી.
જાણીને નવાઇ લાગશે, પણ આચાર્ય બાલકૃષ્ણ મૂળ નેપાળના રહેવાસી હતા. ઇ.સ.૧૯૭૨માં બાલકૃષ્ણનો જન્મ થયો તે પછી તેમના માબાપ નેપાળ છોડીને ભારતમાં રહેવા આવી ગયા હતા. તેમનું પ્રારંભિક શિક્ષણ હરિયાણાના કલવામાં આવેલાં પ્રાચીન પદ્ધતિનાં ગુરુકુળમાં થયું હતું. તેમના ગુરુનું નામ આચાર્યજી બલદેવજી હતું. તેઓ આર્ય સમાજના સંત હતા. બલદેવજીના આશ્રમમાં બાલકૃષ્ણ અને રામદેવજી પહેલી વખત મળ્યા હતા. બાલકૃષ્ણે સંસ્કૃતનો અભ્યાસ કરીને વારાણસીની સંપૂર્ણાનંદ વિશ્વવિદ્યાલયમાંથી અનુસ્નાતક ઉપાધિ મેળવી હતી, જ્યારે રામદેવ યોગવિદ્યામાં પારંગત થયા હતા.
ઇ.સ.૧૯૯૫માં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ હરિદ્વારમાં રહેવા આવ્યા હતા. ત્યાં તેમણે આયુર્વેદિક દવાઓ બનાવવા માટે દિવ્ય ફાર્મસી ખોલી અને લોકોનો ઉપચાર કરવા લાગ્યા. બાબા રામદેવ યોગની શિબિરો કરવા લાગ્યા તો આચાર્ય બાલકૃષ્ણ તેમની શિબિરની બહાર આયુર્વેદિક દવાઓનો સ્ટોલ લગાડવા લાગ્યા. ઇ.સ.૨૦૦૬માં તેમણે પતંજલિ આયુર્વેદના માધ્યમથી આયુર્વેદિક દવાઓ ઉપરાંત વિવિધ ખાદ્ય પદાર્થો પણ વેચવા માંડ્યા. ત્યારે કેન્દ્રમાં યુપીએનું રાજ હોવાથી બાબા રામદેવ અને બાલકૃષ્ણની અગ્નિપરીક્ષા થઇ. તેમની પર જાતજાતના આક્ષેપો થવા લાગ્યા.
બાબા રામદેવ પોતાની યોગ શિબિરોમાં ખુલ્લેઆમ ભાજપનું સમર્થન કરતા હોવાથી કોંગ્રેસીઓ અને ડાબેરીઓ તેમના પર રોષે ભરાયા હતા. બાબા રામદેવ પતંજલિ કંપનીમાં એક પૈસાનો પણ ભાગ ધરાવતા ન હોવાથી તેમણે આચાર્ય બાલકૃષ્ણને સાણસામાં લીધા હતા. પહેલા ડાબેરીઓ દ્વારા જૂઠો પ્રચાર કરવામાં આવ્યો કે બાબા રામદેવની દવાઓમાં મનુષ્યની ખોપડીનો પાવડર ભેળવવામાં આવે છે. પછી જાહેર કરવામાં આવ્યું કે આચાર્ય બાલકૃષ્ણની ડિગ્રી બોગસ છે. પછી તેમની સામે બનાવટી પાસપોર્ટનો કેસ કરીને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. બાલકૃષ્ણ પર સીબીઆઇ, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ વગેરે એજન્સીઓ દ્વારા જાતજાતના જૂઠા કેસો કરવામાં આવ્યા. ઇ.સ.૨૦૧૪માં કેન્દ્રમાં એનડીએની સરકાર આવી ત્યારે રામદેવ અને બાલકૃષ્ણના નસીબનું પાસું પલટાયું. તેમની સામેના તમામ જૂઠા કેસો પાછા ખેંચી લેવાયા. હવે બાબા રામદેવે પોતાની તમામ શક્તિ પતંજલિના બ્રાન્ડ એમ્બેસેડર બનીને તેનો વિકાસ કરવામાં લગાડી દીધી.
પતંજલિ આયુર્વેદ કંપની દ્વારા સાબુ અને શેમ્પૂથી માંડીને ટૂથપેસ્ટ અને નૂડલ જેવી આશરે ૪૦૦ પ્રોડક્ટો બજારમાં ઊતારી દેવામાં આવી. ઇ.સ.૨૦૧૪માં નેસ્લેના મેગી નૂડલ્સ પર પ્રતિબંધ હતો ત્યારે જ બાબા રામદેવે આટા નૂડલ્સ બજારમાં ઊતારીને મેગીની માર્કેટ કબજે કરવાનો પ્રયાસ કર્યો. વર્તમાનમાં દેશભરમાં આશરે ૧૦,૦૦૦ સ્ટોર્સ એવા છે, જે માત્ર પતંજલિની જ પ્રોડક્ટો વેચે છે. પતંજલિના સપાટાને કારણે ભારતમાં એક સદી કરતાં વધુ સમયથી ધંધો કરતી મલ્ટિનેશનલ કંપનીઓ અસલામતીનો અનુભવ કરવા લાગી. ભારત સરકારની ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની નીતિનો લાભ લઇને પતંજલિએ ફૂડ પાર્કના ધંધામાં પણ ઝંપલાવી દીધું છે. હવે ટૂંક સમયમાં માત્ર પતંજલિની જ પ્રોડક્ટ વેચતા આલિશાન મોલ શરૂ કરવાની પણ તેમણે જાહેરાત કરી છે.
આચાર્ય બાલકૃષ્ણ પતંજલિ આયુર્વેદમાં ૯૭ ટકા હિસ્સો ધરાવે છે તો બાકીનો ત્રણ ટકા હિસ્સો કોની પાસે છે? તેવો સવાલ પણ કેટલાકને થતો હશે. આ હિસ્સો બિનનિવાસી ભારતીય યુગલ સુનિતા અને શ્રવણ પોદ્દારના હાથમાં છે. ઇ.સ.૨૦૦૬માં આચાર્ય બાલકૃષ્ણ પતંજલિની બ્રાન્ડ સાથે ધંધામાં આગળ વધવા માગતા હતા, પણ તેમની પાસે મૂડી નહોતી. તેમનું બેન્કમાં ખાતું પણ નહોતું, માટે તેમને બેન્ક કોઇ લોન આપે તેવી સંભાવના નહોતી. આ સંયોગોમાં બાબા રામદેવના ભક્ત પોદ્દાર યુગલે તેમને ૫૦ કરોડ રૂપિયાની લોન આપી હતી. આ લોન સામે તેમણે પોદ્દાર યુગલને પતંજલિના ત્રણ ટકાના ભાગીદાર બનાવ્યા છે. હવે પતંજલિને બેન્કની ૭૦૦ કરોડની લોન મળવાની છે.
અબજોપતિ બન્યા પછી પણ આચાર્ય બાલકૃષ્ણની જીવનશૈલીમાં કોઇ ફરક પડ્યો નથી. તેઓ હજુ સફેદ વસ્ત્રો પહેરે છે અને સવારે સાતથી રાતે દસ સુધી પતંજલિની ઓફિસમાં કામ કરે છે. તેમને કોમ્પ્યુટર ચલાવતા આવડતું નથી, પણ તેઓ આઇ ફોન વાપરે છે. આચાર્ય બાલકૃષ્ણ બ્રહ્મચારી છે, માટે તેમને રજાની જરૂર પડતી નથી. છેલ્લાં દસ વર્ષમાં તેમણે એક પણ દિવસની રજા લીધી નથી.