- દિવ્ય ભાસ્કર….
- ન્યૂઝ વોચ….
- સંજય વોરા…
- તા. ૧૧ ઓક્ટોબર , મંગળવાર
જૈન ધર્મમાં ૬ બાહ્ય અને ૬ અભ્યંતર એમ ૧૨ પ્રકારના તપનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. તેમાં પહેલો પ્રકાર અનશન અથવા ઉપવાસ છે. જૈન ધર્મના અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરે ૬ મહિનાના ઉપવાસ કર્યા હતા. ત્યાર બાદ અકબર બાદશાહના કાળમાં દિલ્હીમાં થયેલી ચંપા શ્રાવિકાએ ૬ મહિનાના ઉપવાસની તપશ્ચર્યા કરી હતી. આ ઉપવાસ પરથી પ્રેરણા લઇને વર્તમાનમાં પણ અનેક સાધુ, સાધ્વીજી, શ્રાવક અને શ્રાવિકા એક ઉપવાસથી લઇને ૧૮૦ ઉપવાસ સુધીની તપશ્ચર્યા કરે છે. જૈન ધર્મમાં બાહ્ય અને અભ્યંતર તપનો એકમાત્ર ઉદ્દેશ આત્માના કલ્યાણનો અને મોક્ષનો હોય છે. કોઇ સાધુ કે સાધ્વીજી ભગવંતો કદી ધંધાના વિકાસ માટે કોઇને ઉપવાસ કરવાનો ઉપદેશ આપતા નથી.
હૈદરાબાદમાં ૧૩ વર્ષની જૈન કન્યા આરાધનાએ કોઇ સાધુ ભગવંતની પ્રેરણાથી ૬૮ ઉપવાસની મહાન તપશ્ચર્યા કરી તે દરમિયાન તેનું આરોગ્ય અકબંધ રહ્યું હતું. તપશ્ચર્યાના પહેલા ૨૫ દિવસ સુધી તો તે સ્કૂલે જતી હતી અને કોઇને ખ્યાલ પણ નહોતો આવતો કે તે ઉપવાસ કરી રહી છે. ૬૮ ઉપવાસની તપશ્ચર્યાનું પારણું કર્યું તે દિવસે પણ તે ખુશખુશાલ જણાતી હતી. પારણાં પછીના દિવસે તેને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેનું મરણ થયું તેને કેટલાક લોકો ગેરસમજણને કારણે તેની તપશ્ચર્યા સાથે જોડી રહ્યા છે. જો તપશ્ચર્યાને કારણે આરાધનાનું મરણ લખાયેલું હોત તો તે ૬૮ દિવસના ઉપવાસ દરમિયાન જ થયું હોત. જૈન ધર્મના ઉપવાસ કરતાં કોઇનું મરણ થાય તો તે પંડિતમરણ ગણવામાં આવે છે, કારણ કે આ રીતે મરણ પામનાર અવશ્ય સદ્ગતિમાં જાય છે, તેવું જૈન શાસ્ત્રો કહે છે. જોકે આરાધનાનું મરણ ૬૮ ઉપવાસના બે દિવસ પછી થયું હતું માટે તેના ઉપવાસને દોષ દેનારાઓ ભીંત ભૂલે છે.
કેટલાક લોકો અજ્ઞાનથી પ્રેરાઇને એવો પ્રચાર કરી રહ્યા છે કે આરાધનાના પિતાશ્રીને કોઇ જૈન સાધુ ભગવંતે જણાવ્યું હતું કે જો તમે તેને ૬૮ ઉપવાસ કરાવશો તો ધંધામાં બરકત આવશે. પહેલી વાત એ કે જૈન સાધુ ભગવંતો ક્યારેય અર્થ કે કામ માટે ધર્મ કરવાનો ઉપદેશ આપતા નથી. તેમનો ઉપદેશ માત્ર મોક્ષ માટે જ ધર્મ કરવાનો હોય છે. વળી જૈન ધર્મના ઉપવાસનું સ્વરૂપ જ એવું હોય છે કે કોઇ પણ વ્યક્તિને તેની મરજીથી વિરુદ્ધ ૬૮ તો શું એક ઉપવાસ પણ કરાવી શકાતો નથી. માટે ૧૩ વર્ષની આરાધનાને કોઇ ભય કે લાલચથી ૬૮ ઉપવાસ કરાવાયા હતા તે આક્ષેપ સાબિત થઇ શકે તેવો નથી.
જૈન ધર્મની સામાજીક પરિસ્થિતિ જાણનારને ખ્યાલ હશે કે જૈન બાળકનો જન્મ થાય ત્યારથી તેને સામાયિક, પૂજા, પ્રતિક્રમણ, આયંબિલ, ઉપવાસ, પૌષધ, દાન વગેરે ધર્મનું પાલન કરવાની પ્રેરણા કરવામાં આવે છે. આ કારણે ૬ વર્ષની ઉંમરે બાળકો અઠ્ઠાઇ તપ જેવી ઉગ્ર તપશ્ચર્યા હસતાં રમતાં કરતાં થઇ જાય છે. પર્યુષણ પર્વ દરમિયાન ૧૨ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો અઠ્ઠાઇ કરે તેવા સેંકડો કિસ્સાઓ નોંધાય છે. હૈદરાબાદની આરાધનાએ એક વર્ષ પહેલાં પણ ૩૦ ઉપવાસની મહાન તપશ્ચર્યા કરી હતી. આ તપશ્ચર્યા નિર્વિઘ્ને થવાથી ગુરુ ભગવંતે તેને ૬૮ ઉપવાસ કરવાની પ્રેરણા કરી હતી. ગયા ઉનાળાના વેકેશનમાં આરાધનાએ પાટણ જઇને ૪૫ દિવસનું ઉપધાન તપ પણ કર્યું હતું. આ ઉપરથી સાબિત થાય છે કે આરાધનાએ ૬૮ ઉપવાસની તપશ્ચર્યા કોઇના પણ દબાણ વિના સ્વેચ્છાએ કરી હતી.
જૈન ધર્મ આત્માના પૂર્વજન્મમાં અને પુનર્જન્મમાં માને છે. આરાધના જેવાં બાળકો પોતાના પૂર્વજન્મમાં કોઇ મહાન યોગી કે તપસ્વી હોય તો જ તેઓ વર્તમાન જન્મમાં આટલી કઠોર તપશ્ચર્યા આટલી કુમળી ઉંમરમાં કરી શકે છે. મારા કે તમારા જેવા ખાવાના રસિયાઓને કરોડો રૂપિયાના ઇનામની લાલચ આપવામાં આવે તો પણ ૬૮ દિવસની તપશ્ચર્યા કરી શકે તે સંભવિત નથી. જૈન ધર્મમાં તો એવાં ઉદાહરણો પણ આવે છે કે કોઇ સાધુ ભગવંતે કોઇ વ્યક્તિને તપશ્ચર્યા કરવાની પ્રેરણા કરી હોય અને તપશ્ચર્યા દરમિયાન તેનું મરણ થાય તો પણ સાધુ ભગવંત દોષિત ગણાતા નથી, કારણ કે તેમણે તે વ્યક્તિના આત્માનું કલ્યાણ કરવાના ઉમદા હેતુથી જ તેને ઉપવાસ કરવાનો ઉપદેશ આપ્યો હતો. જોકે આરાધનાને આ વાત લાગુ પડતી નથી, કારણ કે તેનું મરણ ઉપવાસ પછી થયું હતું.
કેટલાક લોકો આરાધનાના ૬૮ ઉપવાસને બાળકો પ્રત્યેની ક્રૂરતા ગણાવી રહ્યા છે. જો કોઇ બાળકને તેની મરજીથી વિરુદ્ધ ભૂખ્યું રાખવામાં આવ્યું હોય તો તેને જરૂર ક્રૂરતા ગણાય. આરાધનાએ સંપૂર્ણપણે પોતાની મરજીથી અને રાજીખુશીથી ઉપવાસ કર્યા હતા. વળી તેનું મરણ પણ ઉપવાસ દરમિયાન થયું નથી. તો પછી આરાધનાનાં માબાપ પર ક્રૂરતા આચરવાનો કે તેને આપઘાતની પ્રેરણા આપવાનો આરોપ કેવી રીતે મૂકી શકાય? ભારતનાં બંધારણની ૨૫મી કલમ મુજબ દેશના દરેક નાગરિકોને પોતાની પસંદગીનો ધર્મ પાળવાનો અધિકાર છે. દરેક નાગરિકોમાં બાળકોનો પણ સમાવેશ થઇ જાય છે. ઉપવાસ જૈન ધર્મનો સ્વીકૃત આચાર છે. દરેક બાળકને ઉપવાસ કરવાનો અધિકાર છે. આ અધિકાર પર દેશની સરકાર, પોલિસ તંત્ર કે અદાલતો પણ તરાપ મારી શકતી નથી.
આજે દેશનાં બાળકો જાતજાતના અત્યાચારોના ભોગ બને છે. તેમાં સૌથી મોટો અત્યાચાર અઢી વર્ષનાં બાળકોને સ્કૂલ બેગના ભાર હેઠળ કચડી નાંખીને પરાણે સ્કૂલે મોકલવાનો છે. જે સંસ્થાઓ બાળકોના હક્કો માટે લડતી હોય તેમણે ધાર્મિક પરંપરાઓ સામે સમજ્યા વિના લડાઇ કરવાને બદલે શિક્ષણની ચક્કીમાં પીસાતાં બાળકોની દશા સુધારવાની લડત આરંભવી જોઇએ. સમગ્ર ભારતનો જૈન સંઘ તપસ્વી આરાધનાના સ્વજનો સાથે ઊભો છે, માટે તેમની ફિકર કોઇએ કરવાની જરૂર નથી.