- દિવ્ય ભાસ્કર….
- ન્યૂઝ વોચ….
- સંજય વોરા…
- તા. ૦૩ ઓક્ટોબર , સોમવાર
યુદ્ધના કાળમાં ભજન ગવાય નહીં :
પાકિસ્તાની કલાકારો આતંકવાદની ટીકા કરવા તૈયાર છે?
જ્યારે કોઇનું મરણ થયું હોય ત્યારે લગ્નનાં ગીતો ગાનારો મૂર્ખમાં ખપી જાય. સરહદ પર યુદ્ધના નગારા સંભળાતા હોય ત્યારે શાંતિનાં ભજનો ગાનાર ઉપહાસનું પાત્ર બને. પાકિસ્તાન એક બાજુ ભારતમાં ત્રાસવાદીઓની નિકાસ કરતું હોય ત્યારે તેના કલાકારોની આયાત કરવામાં અને તેમનાં ગુણગાન ગાવામાં કોઇ ડહાપણ નથી. શાંતિના કાળમાં જે નિયમો લાગુ પડતા હોય છે તે યુદ્ધના કાળમાં બદલવા જ પડે છે. પાકિસ્તાને ભારતની લશ્કરી છાવણી પર હુમલો કરાવ્યો તે પછી બે દેશોના સંબંધો કથળી ગયા છે ત્યારે ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિયેશને જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી પાકિસ્તાની કલાકારોને ભારતીય ફિલ્મોમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તે પહેલા જ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પાકિસ્તાની કલાકારોને ભારત છોડવાનું અલ્ટિમેટમ આપી દીધું હતું. હવે સલમાન ખાન સામા પ્રવાહે તરીને પાકિસ્તાની કલાકારોની વકીલાત કરી રહ્યો છે ત્યારે તેને એક જ સવાલ પૂછાઇ રહ્યો છે કે, શું બોલિવૂડમાં કામ કરતાં પાકિસ્તાની કલાકારો પાકિસ્તાનપ્રેરિત આતંકવાદની ટીકા કરવા તૈયાર છે? જો પાકિસ્તાનથી આવતા કલાકારો આતંકવાદની નિંદા કરવા તૈયાર ન થતા હોય તો તેનો અર્થ એટલો જ થાય છે કે તેઓ આતંકવાદના છૂપા સમર્થક છે. જે પાકિસ્તાનીઓ આતંકવાદીઓ માટે કૂણી લાગણી ધરાવતા હોય તેમને આપણે ગળે લગાવવાની કોઇ જરૂર નથી.
ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિયેશ(ઇમ્પ્પા)ને મૂકેલા પ્રતિબંધને કારણે પાકિસ્તાનના ફવાદ ખાન, અલી જાફર અને માહિરા ખાન જેવા કલાકારો ઉપરાંત સંગીત ઉદ્યોગ પર પણ અસર થવાની છે. ફવાદ ખાન તો ભારત છોડીને પાકિસ્તાન ચાલ્યો ગયો છે, પણ તેની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ના રિલીઝ સામે સવાલ ઊભો થયો છે. કરણ જોહરે આ ફિલ્મ પાછળ કરોડો રૂપિયા લગાવ્યા છે. જો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના આ ફિલ્મ રિલીઝ નહીં થવા દે તો કરોડોનું નુકસાન થઇ શકે છે. શાહરૂખ ખાનની રઇસ ફિલ્મમાં પણ પાકિસ્તાની માહિરા ખાન હોવાથી તે ચિંતિત છે. કહેવાય છે કે સલમાન ખાને પણ ફવાદ ખાન સાથે આગામી ફિલ્મ સાઇન કરી હોવાથી તે પાકિસ્તાની કલાકારોનો બચાવ કરી રહ્યો છે. ગૌરી શિંદેની ડિયર જિંદગી નામની ફિલ્મમાં તો આલિયા ભટ્ટ સામે ફવાદ ખાન અને અલી જાફર બંને સાથે ચમકી રહ્યા છે. ઇમ્પ્પાનો પ્રતિબંધ નવી ફિલ્મોને જ લાગુ પડે છે.
પાકિસ્તાનમાં પ્રદર્શિત થયેલી ટીવી સિરિયલ હમસફરને કારણે ફવાદ ખાન પાકિસ્તાનમાં રાતોરાત સુપરસ્ટાર બની ગયો હતો. ભારતમાં ઝી ગ્રુપની જિંદગી ચેનલ પર ફવાદ ખાનની સિરિયલ ઝરૂનનું પ્રસારણ કરવામાં આવ્યું ત્યારથી તે લોકપ્રિય બની ગયો હતો. માહિરા ખાન પણ પાકિસ્તાનમાં અત્યંત લોકપ્રિય અભિનેત્રી છે. તેની એક પણ હિન્દી ફિલ્મ હજુ રિલીઝ થઇ નથી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની ધમકીને પગલે ફવાદ ખાન ડરીને પાકિસ્તાન ચાલ્યો ગયો તે પછી તેણે પાકિસ્તાન પહોંચીને પહેલું નિવેદન એ કર્યું હતું કે, મારા માટે મારો દેશ પાકિસ્તાન પહેલો છે. આ નિવેદન પરથી સલમાન ખાને કોઇ બોધપાઠ લેવો જોઇએ. જે ફવાદ ખાન ભારતમાં રહેતો હતો ત્યારે ભારતના લોકોની મહેમાનગતિના વખાણ કરતો હતો તેણે પાકિસ્તાન પહોંચીને ભારતની ટીકા કરતા કહ્યું હતું કે ભારતના લોકો સંકુચિત છે. ફવાદ ખાનની અસલિયત ભારતના દર્શકોને પણ ખબર પડી ગઇ છે.
ભારતની પ્રજા પાકિસ્તાનના કલાકારો પ્રત્યે હંમેશા સહિષ્ણુ રહી છે. પાકિસ્તાનથી આવતા અદનાન સામી, રાહત ફતેહ અલી ખાન, ગુલામ અલી, નુસરત ફતેહ અલી ખાન, શાફકત અમાનત અલી, આતિફ અસલામ, જાવેદ બશીર જેવા ગાયકોને ભારતમાં લોકચાહના મળતી રહી છે. ઝી ગ્રુપની જિંદગી ચેનલ પર તો લોકપ્રિય પાકિસ્તાની સિરિયલો જ પ્રસારિત કરવામાં આવે છે. તાજેતરમાં રિલીઝ થયેલી પિન્ક ફિલ્મનું કારી કારી ગીત પાકિસ્તાની કલાકાર કુરાતુલૈન બલોચે ગાયું છે. પરંતુ યુદ્ધના કાળમાં માહોલ બદલાય છે. ઝી ગ્રુપે જિંદગી ચેનલ પર પાકિસ્તાની સિરિયલોનું પ્રસારણ બંધ કરવાની જાહેરાત કરી છે. બેંગલોરમાં તેમ જ ગુરુગ્રામમાં પાકિસ્તાની ગાયકોના કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.
પાકિસ્તાનના કલાકારોને બોલિવૂડમાં દિલથી આવકારવામાં આવે છે, પણ પાકિસ્તાનનો ફિલ્મોદ્યોગ ભારતના કલાકારો માટે એટલો ઉત્સુક નથી. બોલિવૂડના કોઇ મોટા ગજાના કલાકારનેહજુ સુધી કોઇ પાકિસ્તાની ફિલ્મમાં રોલ ઓફર કરવામાં આવ્યો નથી, જેમાં ખાન બ્રધર્સનો પણ સમાવેશ થાય છે. નંદિતા દાસ, નસરૂદ્દીન શાહ અને ઓમ પુરી જેવા કલાકારો તેમાં અપવાદ છે. કલ્પના કરો કે ભારતની સર્જીકલ સ્ટ્રાઇક પછી નસરૂદ્દીન શાહ કે ઓમ પુરી પાકિસ્તાનમાં હોય તો તેમને ત્યાં કામ કરવા દેવાની છૂટ આપવામાં આવે ખરી? ભારતની ઘણી ફિલ્મો પાકિસ્તાનમાં લોકપ્રિય થાય છે, પણ ફેન્ટમ જેવી દેશભક્તિની ફિલ્મ પર પાકિસ્તાનમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
ભારતમાં કામ કરતા પાકિસ્તાની કલાકારો આતંકવાદની જાહેરમાં ટીકા કરતા ગભરાય છે, કારણ કે તેમને ડર છે કે તેને કારણે પાકિસ્તાનમાં રહેતા તેમના સગાવહાલાઓ તકલીફમાં મૂકાઇ જશે.જે દેશમાં આતંકવાદીઓ આટલી તાકાત ધરાવે છે, તે દેશમાં રહેવું શા માટે જોઇએ? જો પાકિસ્તાનના કલાકારો ભારતમાં કામ કરવા માગતા હોય તો તેમણે પાકિસ્તાનની નાગરિકતા છોડીને ભારતના નાગરિક બની જવું જોઇએ. જો કોઇ એમ માનતું હોય કે પાકિસ્તાની કલાકારો બોલિવૂડમાં કામ કરશે તો પાકિસ્તાન આતંકવાદનો સાથ છોડી દેશે; તો તેઓ મૂર્ખાઓના સ્વર્ગમાં વસે છે.