- દિવ્ય ભાસ્કર….
- ન્યૂઝ વોચ….
- સંજય વોરા…
- તા. ૦૬ ઓક્ટોબર , ગુરુવાર
દેશની સુરક્ષા જોખમાઇ જશે :
ભારતના વિપક્ષો દ્વારા પાકિસ્તાનની વકીલાત
આ દુનિયામાં કેટલીક વસ્તુઓ એવી હોય છે, જેના પુરાવા માગવામાં આવતા નથી અને આપવામાં પણ આવતા નથી. બાળકનો જન્મ થાય ત્યારે તેનો પિતા કોણ છે? તેના પુરાવા આપવાનું કોઇ માતાને જણાવવામાં આવે તો તે તેના માતૃત્વનું અપમાન ગણાય છે. ઉરીના આતંકવાદી હુમલાના જવાબમાં ભારતના લશ્કરે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઘૂસીને આતંકવાદના પાંચ અડ્ડાઓ ખતમ કર્યા તેના આઘાતમાંથી પાકિસ્તાન હજુ બહાર આવ્યું નથી. પાકિસ્તાને પોતાનું નાક બચાવવા ઇરાદાપૂર્વકનો પ્રચાર ચાલુ કર્યો હતો કે ભારતે કોઇ સર્જિકલ સ્ટ્રાઇક કરી જ નથી. આ પ્રચારની જાળમાં ભારતના કેટલાક રાજકારણીઓ પણ ફસાઇ ગયા છે. હકીકતમાં જે રાજકારણીઓ ભારતના સૈન્ય પાસે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવાઓ માગી રહ્યા છે તેઓ પાકિસ્તાનની વકીલાત કરી રહ્યા છે અને ભારતની સુરક્ષા પણ જોખમમાં મૂકી રહ્યા છે.
ભારતના બહાદુર સૈનિકોએ વિવાદગ્રસ્ત ભૂમિમાં ઘૂસીને આતંકવાદીઓના લોન્ચપેડ ખતમ કર્યા તે ઘટનાનું સૈનિકોના શરીર ઉપર બાંધવામાં આવેલા કેમેરા દ્વારા વીડિયો રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું હતું. પાકિસ્તાનની વકીલાત કરનારા રાજકારણીઓ કેન્દ્ર સરકાર સમક્ષ આ વીડિયો ફૂટેજ જાહેર કરવાની માગણી કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે તો ત્યાં સુધી કહી દીધું છે કે જો સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા આપવામાં નહીં આવે તો તેઓ તેને બનાવટી માની લેશે. સંજય નિરૂપમ પાકિસ્તાની ટીવી ચેનલોના હીરો બની ગયા છે. સંજય નિરૂપમનાં વિધાનનો અર્થ એવો થાય છે કે તેમને ભારતના લશ્કર ઉપર અને ભારત સરકાર પર વિશ્વાસ નથી; પણ પાકિસ્તાન પર વધુ વિશ્વાસ છે. અરવિંદ કેજરીવાલ પણ ચાલુ ગાડીમાં ચડી ગયા છે.
ભારતના લશ્કરે ભારપૂર્વક કહ્યું છે કે વીડિયો ફૂટેજ જાહેર કરવાથી આપણી વ્યૂહરચના દુશ્મનને ખબર પડી જાય અને દેશની સલામતી જોખમાઇ જાય તેમ છે. જોકે વીડિયો ફૂટેજ સિવાય એવા સંખ્યાબંધ પુરાવાઓ છે, જેના પરથી સાબિત થાય છે કે ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે.
(૧) ભારતના એક અંગ્રેજી દૈનિકનો રિપોર્ટર લાઇન ઓફ કન્ટ્રોલના ભારતીય ભાગમાં પહોંચી ગયો હતો. ત્યાંથી તેણે કાશ્મીરના કેટલાક રહેવાસીઓની મદદથી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં રહેતા તેમના સગાવહાલાઓ સાથે મોબાઇલના ટેક્સ્ટ મેસેજ વડે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમણે ૨૯ સપ્ટેમ્બરે મૃતદેહોને ખટારામાં ભરીને લઇ જવાતા જોયા હતા.
(૨) પાકિસ્તાનના લશ્કરે પહેલા તો ભારતના લશ્કરની સર્જિકલ સ્ટ્રાઇકના સમાચારને રદિયો આપ્યો હતો, પણ પાછળથી તેના ઇન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશન્સ વિભાગે કબૂલ કર્યું હતું કે ભારતના લશ્કરે લાઇન ઓફ કન્ટ્રોલની ત્રણ કિલોમીટર અંદર આવીને ફાયરિંગ કર્યું હતું, જેમાં પાકિસ્તાનના બે સૈનિકોનાં મોત થયાં હતાં. જો ભારતના લશ્કરે સર્જિકલ સ્ટ્રાઇક નહોતી કરી તો બે સૈનિકોનાં મોત કેવી રીતે થયાં હતાં? આ સૈનિકો આતંકવાદીઓ માટેના લોન્ચપેડમાં શું કરતા હતા? હકીકતમાં અન્ય હેવાલ મુજબ સર્જિકલ સ્ટ્રાઇકમાં પાકિસ્તાનના નવ સૈનિકો ઉપરાંત ૩૮થી ૪૫ જેટલા આતંકવાદીઓનાં મોત થયાં હતાં.
(૩) ભારતની સર્જિકલ સ્ટ્રાઇકથી ગભરાઇ ગયેલા પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. ત્યાર બાદ તેઓ સૈન્યના વડા રાહીલ શરીફને મળવા દોડી ગયા હતા. ત્યાર બાદ પાકિસ્તાની સૈન્યના ટોચના અફસરોની રજાઓ રદ્દ કરવામાં આવી હતી. ત્યાર બાદ પાકિસ્તાની સૈન્યની છ બટાલિયનો સરહદ પર રવાના કરવામાં આવી હતી. જો ભારત દ્વારા કોઇ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં જ નહોતી આવી તો પાકિસ્તાને આટલા બધા ગભરાઇ જવાની જરૂર શી હતી?
(૪) ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે તેવા સમાચારોને ખોટા સાબિત કરવા પાકિસ્તાની સૈન્ય દ્વારા વિશ્વ મીડિયાના ૪૦ જેટલા પત્રકારોને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં લાઇન ઓફ કન્ટ્રોલ નજીક લઇ જવામાં આવ્યા હતા. હકીકતમાં તેમને સર્જિકલ સ્ટ્રાઇકના સ્થળથી ૨૦ કિલોમીટર દૂર રાખવામાં આવ્યા હતા અને ત્યાંથી સર્જિકલ સ્ટ્રાઇકની જગ્યા બતાવીને તેમને એવું સમજાવવાની કોશિષ કરવામાં આવી હતી કે ત્યાં સર્જિકલ સ્ટ્રાઇકની કોઇ નિશાની જોવા મળતી નથી. એક પત્રકારને દૂરથી ખંડેર જેવાં મકાનો દેખાયાં હતાં. આ બાબતમાં તેણે જે સવાલો પૂછ્યા તેના સંતોષકારક જવાબો મળ્યા નહોતા.
(૫) ભારતની સર્જિકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાન એટલું હચમચી ગયું હતું કે તેણે બીજા ૨૪ કલાકમાં બારામુલ્લા, અખનૂર અને ગુરુદાસપુર સહિત ભારતની પાંચ લશ્કરી છાવણીઓ પર હુમલા કર્યા હતા, જેમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સનો એક જવાન શહીદ થઇ ગયો હતો. જો ભારતે કોઇ સર્જિકલ સ્ટ્રાઇક કરી જ ન હોય તો તેનો આવો જવાબ આપવાની જરૂર શા માટે ઊભી થઇ હતી?
(૬) ભારતીય સૈન્યના ભૂતપૂર્વ અને વર્તમાન અફસરો સ્પષ્ટ જણાવે છે કે સર્જિકલ સ્ટ્રાઇકનું વીડિયો ફૂટેજ બહાર પાડવાથી આપણી વ્યૂહરચનાનો દુશ્મનને ખ્યાલ આવી જશે, જેને કારણે દેશની સુરક્ષા પણ જોખમાઇ જશે. પાકિસ્તાનના જૂઠા પ્રચારનો જવાબ આપવા વીડિયો ફૂટેજ જારી કરવાની કોઇ જરૂર નથી. વીડિયો ફૂટેજ જારી કરવામાં આવશે તો પણ પાકિસ્તાન તેને બનાવટી ગણાવી શકે છે.
(૭) કોંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પી.ચિદમ્બરમ્ કહે છે કે, યુપીએના કાળમાં પણ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી, પણ તેની જાહેરાત કરવામાં આવતી નહોતી. શું ચિદમ્બરમ્ આ સર્જિકલ સ્ટ્રાઇકના કોઇ પુરાવા આપશે? તો પછી તેઓ વર્તમાનમાં કેમ પુરાવા માગી રહ્યા છે?
સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માગતા વિપક્ષી નેતાઓ હકીકતમાં આ પરાક્રમને કારણે નરેન્દ્ર મોદીની સરકારને જે પ્રસિદ્ધિ મળી છે તેને કારણે વ્યથિત થઇ ગયા છે. નરેન્દ્ર મોદીની સરકારને મૂંઝવણમાં મૂકવા માટે તેઓ પાકિસ્તાનની બ્રીફ પકડીને પુરાવા માગી રહ્યા છે. આ નેતાઓ એ વાત ભૂલી જાય છે કે નરેન્દ્ર મોદીને નુકસાન પહોંચાડવા જતાં તેઓ દુશ્મન દેશ પાકિસ્તાનને ફાયદો કરાવી રહ્યા છે.