નોબેલ શાંતિ પારિતોષિક હાસ્યાસ્પદ બની ગયું છે

  • દિવ્ય ભાસ્કર….
  • ન્યૂઝ વોચ….
  • સંજય વોરા…
  • તા.  ૦૮  ઓક્ટોબર , શનિવાર

download

કોલંબિયાના રાષ્ટ્રપતિની સિદ્ધિ :

શાંતિ સ્થાપવા માટે શું યુદ્ધ કરવું જરૂરી છે?

 

દર વર્ષે ઓક્ટોબર મહિનામાં શાંતિનું નોબેલ પારિતોષિક કોને મળશે? તેની આતુરતાથી રાહ જોવાતી હોય છે. જ્યારે વિજેતાનું નામ જાહેર કરવામાં આવે ત્યારે અચંબાની કે આઘાતની પણ લાગણી થતી હોય છે. ઇ.સ.૨૦૧૬ના નોબેલ શાંતિ પારિતોષિક માટે કુલ ૩૭૬ અરજીઓ આવી હતી, જેમાં પોપ ફ્રાન્સિસથી લઇને શ્રી શ્રી રવિશંકરનો અને ડોનાલ્ડ ટ્રમ્પથી લઇને એન્જેલા માર્કેલનો સમાવેશ થતો હતો. નોબેલ પીસ પ્રાઇઝની પસંદગી સમિતિએ કળશ કોલોમ્બિયામાં શાંતિકરાર સ્થાપવામાં નિષ્ફળ ગયેલા રાષ્ટ્રપતિ જુઆન મેન્યુઅલ સાન્ટોસના માથે ઢોળવાની જાહેરાત કરીને આશ્ચર્ય પેદા કર્યું છે.

ઇ.સ.૨૦૦૬થી ૨૦૦૯ દરમિયાન જુઆન સાન્ટોસ કોલોમ્બિયાના સંરક્ષણ પ્રધાન હતા ત્યારે તેમણે રિવોલ્યુશનરી આર્મ્ડ ફોર્સિસ ઓફ કોલોમ્બિયા નામના ગેરિલા સંગઠન સામે યુદ્ધ છેડી દીધું હતું, જેમાં હજારો લોકોના જીવ ગયા હતા. ઇ.સ.૨૦૧૦માં તેઓ રાષ્ટ્રપતિ બન્યા તે પછી તેમણે ગેરિલાઓના નેતા ટિમોચેન્કો સાથે શાંતિ સ્થાપવા માટે મંત્રણાઓ ચાલુ કરી હતી, જે ચાર વર્ષ સુધી ચાલી હતી. આ મંત્રણાઓ દ્વારા તેમણે કોલોમ્બિયાની પ્રજામાં આશા પેદા કરી તેને કારણે તેઓ ઇ.સ.૨૦૧૪ની ચૂંટણી પણ જીતી ગયા હતા. ઇ.સ.૨૦૧૫માં તેમણે ગેરિલા નેતા સાથે કરાર કર્યા તેનો પ્રજાએ વિરોધ કર્યો હતો, કારણ કે તેમને લાગતું હતું કે ૫૨ વર્ષ સુધી કોલોમ્બિયાની પ્રજાનું લોહી વહેવડાનાર ગેરિલા સંગઠનને તેમની લાયકાત કરતાં વધુ લાભ કરાવી દેવામાં આવ્યો છે. ગયા સપ્તાહે કોલોમ્બિયાની પ્રજાએ ઐતિહાસિક રેફરન્ડમમાં પાતળી બહુમતીથી આ કરારની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. તેમ છતાં રાષ્ટ્રપતિ  જુઆન સાન્ટોસને આશ્વાસનના રૂપમાં નોબેલ ઇનામ આપવામાં આવ્યું છે.

ઇ.સ.૨૦૧૬ના નોબેલ શાંતિ પારિતોષિક માટે આવેલી ૩૭૬ એન્ટ્રીઓ પર નજર નાખીએ તો લાગશે કે કોલોમ્બિયાના રાષ્ટ્રપતિ કરતાં ઘણી વધુ યોગ્ય વ્યક્તિઓ કે સંસ્થાઓ રેસમાં હતી. જો દલાઇ લામા કે મધર ટેરેસા જેવા ધર્મગુરુઓને નોબેલ પારિતોષિક મળી શકતું હોય તો લાખો યુવાનોને અધ્યાત્મના માર્ગે વાળનારા શ્રી શ્રી રવિશંકરને કેમ ન મળી શકે? જુઆન સાન્ટોસ કરતાં કદાચ જર્મનીનાં ચાન્સેલર એન્જેલા માર્કેલ વધુ યોગ્ય ઉમેદવાર હતાં, કારણ કે તેમણે યુદ્ધગ્રસ્ત મુસ્લિમ દેશોના આશરે દસ લાખ નિરાશ્રીતોને જર્મનીમાં આશ્રય આપીને જબરદસ્ત માનવતાનાં દર્શન કરાવ્યા છે.

ઇ.સ.૧૯૦૧માં શાંતિનું નોબેલ પારિતોષિક આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારથી અનેક વિવાદાસ્પદ નેતાઓને આ ઇનામ આપવામાં આવ્યું છે. નોબેલ પારિતોષિકના સ્થાપક આલ્ફ્રેડ નોબેલ પોતે વિજ્ઞાની હોવા ઉપરાંત પાકા વેપારી પણ હતા. તેમણે ડાઇનેમાઇટની શોધ કરી હતી, એટલું જ નહીં પણ યુદ્ધ માટે જરૂરી વિસ્ફોટકોનું કારખાનું પણ નાખ્યું હતું. આ ધંધામાંથી જે કમાણી થઇ તેમાંથી નોબેલ પારિતોષિકો આપવાની શરૂઆત કરવામાં આવી હતી. તોપ બનાવતી સ્વિડનની બોફોર્સ કંપની પણ આજે આલ્ફ્રેડ નોબેલના બિઝનેસ અમ્પાયરનો હિસ્સો છે. દુનિયાને રક્તરંજિત કરતા શસ્ત્રસરંજામની કમાણીમાંથી શાંતિ માટેના પારિતોષિકની સ્થાપના કરવામાં આવે તે મોટો વિરોધાભાસ છે. કદાચ આ કારણે જ યુદ્ધના સમર્થકો નોબેલ શાંતિ પારિતોષિકના વિજેતાઓ રહ્યા છે.

ઇ.સ.૧૯૭૩માં અમેરિકાના વિવાદાસ્પદ વિદેશ મંત્રી હેન્રી કિસિન્જરને વિયેટનામમાં શાંતિની સ્થાપના કરવા માટે શાંતિનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું ત્યારે ઘણાને વીજળીનો આંચકો લાગ્યો હતો. આ ઇનામ વિયેટનામના નેતા લે ડોક થકને પણ સંયુક્તપણે આપવામાં આવ્યું હતું, પણ તેમણે તેને નકારી કાઢ્યું હતું. લે ડોક થકની દલીલ એવી હતી કે હેન્રી કિસિન્જરે પહેલાં વિયેટનામનું યુદ્ધ ભડકાવ્યું હતું અને પછી શાંતિની સ્થાપના કરી હતી, જે કામચલાઉ હતી, માટે તેઓ પોતાની જાતને તેમ જ હેન્રી કિસિન્જરને શાંતિના નોબેલ પારિતોષિક માટે લાયક ગણતા નથી. હેન્રી કિસિન્જરે નોબેલ પારિતોષિક મેળવ્યા પછી પણ કમ્બોડિયા પર બોમ્બમારો કરવામાં ભૂંડી ભૂમિકા ભજવી હતી.

ઇ.સ.૧૯૯૪નું નોબેલ શાંતિ પારિતોષિક પેલેસ્ટાઇન ગેરિલાઓના નેતા યાસર અરાફતને અને ઇઝરાયલના તત્કાલીન વડા પ્રધાન યિત્ઝાક રાબિન તેમ જ તત્કાલીન વિદેશ પ્રધાન શિમોન પેરેઝને સંયુક્તપણે આપવામાં આવ્યું હતું. મધ્ય-પૂર્વમાં વર્ષો સુધી લોહિયાળ જંગ લડ્યા પછી શાંતિની સ્થાપના કરવાના પ્રયાસોના ભાગરૂપે ઓસ્લો કરાર કરવા બદલ તેમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. શિમોન પેરેઝ ઇઝરાયલના અણુશસ્ત્રોના જનક ગણાય છે, તે હકીકત ભૂલી જવામાં આવી હતી.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરે યુનોના ઠરાવનું પાલન કરાવવા માટે ઇરાકમાં લશ્કર મોકલવાનો નિર્ણય કર્યો તે પછી તરત તેમને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ઇ.સ.૨૦૦૮માં બરાક ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા તેનાં બે સપ્તાહમાં તેમને નોબેલ પારિતોષિક આપવા માટેનું નોમિનેશન ફાઇલ કરવામાં આવ્યું હતું. ઇ.સ.૨૦૦૯માં નોબેલ પ્રાઇઝ મળ્યા પછી તેમણે ૧૩ ટનનો બોમ્બ બનાવવાની જાહેરાત કરી હતી.

ભારતના જે મહાનુભાવોને નોબેલ પારિતોષિક મળ્યું છે તેની યાદીમાં બાળમજૂરી સામે લડનારા કૈલાસ સત્યાર્થીનો સમાવેશ થાય છે, પણ ભારતને આઝાદી અપાવનારા મહાત્મા ગાંધીનો કે ભારતને અખંડ બનાવનારા સરદાર પટેલનો સમાવેશ થતો નથી. તેના પરથી ખ્યાલ આવે છે કે નોબેલ પારિતોષિક પણ પશ્ચિમી મહાસત્તાઓના સ્થાપિત હિતોના હાથનું રમકડું જ બની ગયું છે.

Leave a comment