ઇરાન ભારતનું મિત્ર મટીને ચીનનું ભાગીદાર કેમ બની ગયું?

આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કેટલીક એવી મહત્ત્વની ઘટનાઓ બનતી હોય છે, જેના પર મીડિયા પડદો ઢાંકી દેતું હોવાથી તેના સમાચાર આપણા સુધી પહોંચતા જ નથી. ગઈ તા. ૫ જુલાઈના રોજ ઇન્ટરનેશનલ ન્યૂઝ એજન્સી દ્વારા સમાચારો વહેતા કરવામાં આવ્યા હતા કે ઇઝરાયલે ઇરાનના અણુઉર્જા મથક ઉપર મિસાઇલ વડે હુમલો કર્યો છે અને યુરેનિયમને સમૃદ્ધ કરતી યંત્રણાનો નાશ કર્યો છે. આ ઘટના એટલી બધી મહત્ત્વની હતી કે તેને કારણે ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તેવી તમામ સંભાવનાઓ હતી. નવાઇની વાત એ છે કે આ સમાચારો ગણતરીની ક્ષણોમાં પાછા ખેંચી લેવામાં આવ્યા હતા અને તેના પર પડદો પાડી દેવામાં આવ્યો હતો. ટીવીની ચેનલો ઉપરકે બીજા દિવસનાં અખબારોમાં તે ઘટનાનો કોઈ નાનકડો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નહોતો. તેને કારણે શંકા જતી હતી કે વહેતા થયેલા સમાચારો ફેક ન્યૂઝ તો નહોતા ને?

આ ઘટનાના બરાબર ૧૦ દિવસ પછી સમાચાર આવ્યા છે કે ઇરાને ચાબહાર બંદરથી અફઘાનિસ્તાનની સરહદ સુધી રેલવે લાઇન નાખવાની યોજનામાંથી ભારત સાથેનો છેડો ફાડી કાઢ્યો છે. બીજા સમાચારો આવ્યા છે કે ઇરાને ભારતના દુશ્મન ચીન સાથે ભાગીદારી કરી છે, જે મુજબ ચીન આગામી ૨૫ વર્ષ દરમિયાન ઇરાનમાં ૪૦૦ અબજ ડોલરનું રોકાણ કરવાનું છે. બહુ જાણીતી વાત છે કે ઇરાન ભારતનું પરંપરાગત મિત્ર છે. અમેરિકાએ ઇરાન પર આર્થિક પ્રતિબંધો લાદ્યા ત્યારે પણ ભારત અમેરિકાનો રોષ વહોરીને ઇરાનની પડખે ઊભું રહ્યું હતું. પાકિસ્તાને કરાચી નજીક આવેલું ગ્વાદર બંદર ચીનને સોંપ્યું તેમ ઇરાને ગ્વાદરથી માત્ર ૭૨ કિલોમીટર પશ્ચિમે આવેલું ચાબહાર બંદર ભારતને સોંપ્યું હતું. આ બંદરેથી અફઘાનિસ્તાન સરહદે આવેલા ઝાહેદાર સુધી ૬૨૮ કિલોમીટર લાંબી રેલવે લાઈન નાખવાનો કોન્ટ્રેક્ટ ભારતને મળ્યો હતો. હવે ઇરાને એમ કહીને કોન્ટ્રેક્ટ કેન્સલ કર્યો છે કે ભારત સમયસર આ કામ શરૂ કરવામાં નિષ્ફળ ગયું છે.

તા. ૫ જુલાઇના ઇરાનના અણુમથક પર થયેલા હુમલા અને ઇરાન દ્વારા ભારતની કંપનીને આપવામાં આવેલો કોન્ટ્રેક્ટ કેન્સલ થવા વચ્ચે સંબંધ છે, જેની માહિતી આપણને મીડિયા આપતું નથી. આ લખનારે થોડું સંશોધન કર્યું ત્યારે ખ્યાલ આવ્યો હતો કે ઇઝરાયલે ખરેખર તા. ૨ જુલાઈના ઇરાનના અણુમથક પર હુમલો કર્યો હતો. ધ ટાઈમ્સ ઓફ ઇઝરાયલના હેવાલ મુજબ ઇઝરાયલે નાતાંઝ ખાતે આવેલા ઇરાનના અણુમથક પર મળસ્કે મિસાઇલ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇરાનના યુરેનિયમને સમૃદ્ધ કરતા પ્લાન્ટને ભારે નુકસાન થયું હતું. સંભવ છે કે તેને કારણે ઇરાનનો સમૃદ્ધ યુરેનિયમનો મોટો જથ્થો નાશ પામ્યો હોય, જેનો ઉપયોગ અણુબોમ્બ બનાવવા માટે કરવામાં આવતો હોય છે. ધ ટાઈમ્સ ઓફ ઇઝરાયલના હેવાલ મુજબ ઇઝરાયલના એફ-૩૫ લડાયક વિમાનોએ ઇરાનના પારચીન ખાતે આવેલા મિસાઇલ કોમ્પ્લેક્સ ઉપર બોમ્બમારો કર્યો હતો અને તેને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ઇઝરાયલનાં અખબારના હેવાલ મુજબ ઇરાને ઇઝરાયલને પાણીપુરવઠો પહોંચાડતી સિસ્ટમના કોમ્પ્યુટરો હેક કરીને પાણીમાં ક્લોરિનની માત્રા વધારી દેવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો; જેનો બદલો લેવા ઇઝરાયલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

નવાઇની વાત છે કે ઇરાનના અણુમથક અને મિસાઇલ મથક પર કરવામાં આવેલા હુમલાનું ઇઝરાયલ કે ઇરાન દ્વારા પણ સમર્થન કરવામાં આવ્યું નહોતું. ઇઝરાયલી સત્તાવાળાઓએ આ બાબતમાં મૌન રહેવાનું પસંદ કરવામાં આવ્યું હતું. ઇરાને પણ આ હુમલાની અવગણના કરવાનો નિર્ણય કર્યો હતો. ઇરાનના એટમિક એનર્જી ઓર્ગેનાઈઝેશનના પ્રવક્તા કમાલવંડીએ જણાવ્યું હતું કે નાતાંઝ ખાતે આવેલા અણુમથકમાં નાનકડી આગ લાગી હતી, પણ તેનાથી ખાસ કોઈ નુકસાન થયું નથી. જોકે આ ઘટના પછી ઇરાનના અણુ કાર્યક્રમના વડા અલી અકબર સાલેહી ત્યાં ધસી ગયા હતા. તેવી જ રીતે પારચીન ખાતે આવેલા મિસાઇલ સંકુલ પર બોમ્બમારો થયો તે ઇરાનની રાજધાની તહેરાનથી માત્ર ૨૦ કિલોમીટરના અંતરે આવેલું છે. બોમ્બ ધડાકા એટલા પ્રચંડ હતા કે તેનો અવાજ છેક તહેરાનમાં સંભળાયો હતો. યુરોપના જાસૂસી માટેના સેટેલાઈટ દ્વારા પણ આ ધડાકાઓની જાણ થઇ હતી.  શરૂઆતમાં હેવાલો આવ્યા હતા કે ગેસની ટાંકીમાં ધડાકાને કારણે અવાજો આવ્યા છે, પણ હકીકતમાં ઇઝરાયલના બોમ્બરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઇરાને આવો કોઈ હુમલો થયાનો જ ઇનકાર કર્યો હતો, જે રીતે પાકિસ્તાન ભારત દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકને સ્વીકારવાનો ઇનકાર કરે છે. કદાચ ઇરાન આ તબક્કે ઇઝરાયલ સામે યુદ્ધ છેડવા માગતું નથી. 

ઇરાનમાં બનેલી આ ઘટનાઓનો સંબંધ ભારત-ચીન સરહદે વર્તમાનમાં ચાલી રહેલા સંઘર્ષ સાથે હોવાની સંભાવના છે. સોશિયલ મીડિયામાં ફરી રહેલી પોસ્ટ પર ભરોસો કરીએ તો તા. ૫ જુલાઈ પહેલાં ચીનની ચડામણીથી પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કરવાની યોજના બનાવી હતી. આ માટે ચીનના સૈનિકોને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઊતારી પણ દેવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયાની પોસ્ટ મુજબ ભારતને ઇઝરાયલની મોસાદ અને અમેરિકાની સીઆઈએ જેવી ગુપ્તચર સંસ્થાઓ દ્વારા ચીનની આ યોજનાની જાણ થઈ ગઈ હતી. ભારતે સાવચેતીનાં પગલાં તરીકે પોતાની સબમરીનો કરાચી બંદર તરફ મોકલી દીધી હતી. જો પાકિસ્તાન કાશ્મીર પર હુમલો કરે તો ભારતે કરાચી પર હુમલો કરવાની તૈયારી કરી લીધી હતી. આ બાજુ ઇઝરાયલે ઇરાન પર હુમલો કરીને ચીનને સંકેત આપી દીધો હતો કે તે પણ લડી લેવા તૈયાર છે. ભારત ઉપર ત્રાટકવા ચીન-પાકિસ્તાન-ઇરાનની ધરી બની ગઈ હતી તેમ ભારત-ઈઝરાયલ-અમેરિકાની પણ ધરી રચાઈ હતી. અમેરિકાએ દક્ષિણ ચીની સમુદ્રમાં પોતાનો નૌકાકાફલો મોકલીને સંકેત આપી દીધો હતો કે જો ચીન ભારત ઉપર હુમલો કરશે તો અમેરિકા દક્ષિણ ચીની સમુદ્રમાં હુમલો કરશે. ચીન અને પાકિસ્તાનને જ્યારે તેનો ખ્યાલ આવ્યો ત્યારે તે પીછેહઠ કરવા તૈયાર થઈ ગયું હતું.

આ સ્ટોરી સોશિયલ મીડિયામાં ફરી રહી છે, પણ તેને કોઈ સત્તાવાર સમર્થન મળતું નથી. જોકે આ દરમિયાન જ સમાચાર આવ્યા હતા કે ચીન પાકિસ્તાનને કુલ આઠ સબમરીન આપવાનું છે, જેમાંની ચારનું બાંધકામ ચીનમાં કરવામાં આવશે અને ચારનું બાંધકામ પાકિસ્તાનના કરાચી બંદરમાં કરવામાં આવશે. હકીકતમાં પાકિસ્તાન પાસે વર્તમાનમાં કામ કરે તેવી એક જ સબમરીન બાકી રહી ગઈ છે. અમેરિકાએ પાકિસ્તાનને મદદ આપવાનું બંધ કર્યું તે પછી ચીને તેને તમામ પ્રકારની મદદ કરવાનું વચન આપ્યું છે. ભારતે પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધની તૈયારી કરી લીધી હતી, તેના સમર્થનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અચાનક લડાખ મુલાકાત ટાંકવામાં આવે છે.

ઇરાન ભારતથી દૂર ખસીને ચીન તરફ સરક્યું છે, તેનાં પણ રાજનૈતિક કારણો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા તે પછી તેમણે ઇરાન સાથેનો અણુકરાર ફોક કરી નાખ્યો હતો. તેને કારણે ઇરાન ચીનની વધુ નજીક સરક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલી મિત્રતા જોઈને ઇરાનને ચીન સાથેની મિત્રતા વધુ ભરોસાલાયક લાગી હશે. ચીનના પ્રમુખ શી જિનપિંગે ૨૦૧૬માં તહેરાનની મુલાકાત લઈને ઇરાન સાથે મૈત્રીનો પાયો નાખ્યો હતો તે હવે મજબૂત બની ગયો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s