- દિવ્ય ભાસ્કર….
- ન્યૂઝ વોચ….
- સંજય વોરા…
- તા. ૧૯ સપ્ટેમ્બર , સોમવાર
અમેરિકાના ન્યુ જર્સીમાં રહેતા રાજીવ મલહોત્રા નામના ભારતીય ઉદ્યોગપતિનાં બાળકો પ્રિન્સટન ડે સ્કૂલમાં ભણવા જતાં હતાં. એક દિવસ સ્કૂલના ટીચરે તેમને કહ્યું કે તેમને વેદાંત, રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ બાબતમાં માહિતી જોઇએ છે, કારણ કે તેઓ બાળકોને દુનિયાના ધર્મો બાબતનું પ્રકરણ ભણાવતી વખતે વૈદિક ધર્મ વિશે પણ ભણાવવા માગે છે. ટીચરે રાજીવ મલહોત્રાને ચોંકાવનારી વાત કરી કે કેટલાક અમેરિકન વિદ્વાનોએ તેમને રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ બાબતમાં ભણાવવાની ના પાડી છે, કારણ કે તેમને ડર છે કે ભારતીય માબાપો તેનો વિરોધ કરશે.
રાજીવ મલહોત્રાને આંચકો લાગ્યો કે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના જીવન બાબતમાં એવું શું છે, જે ભણાવવાથી ભારતીય માબાપો નારાજ થઇ જાય તેમ છે? તેમણે ટીચરને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે હિન્દુ સંસ્કૃતિ બાબતનાં એક પુસ્તકમાં તેમણે વાંચ્યું છે કે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ વચ્ચે સજાતીય સંબંધો હતા. રાજીવ મલહોત્રાએ વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે અમેરિકાના જેફ્રી જે. ક્રિપાલ નામના લેખકે ‘કાલિસ ચાઇલ્ડ’ નામનું પુસ્તક લખ્યું છે, જેમાં રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ બાબતમાં કપોળકલ્પિત વાતો લખવામાં આવી હતી.
રાજીવ મલહોત્રા હજુ થોડા વધુ ઊંડા ઉતર્યા તો તેમને જાણવા મળ્યું કે પ્રાચીન હિન્દુ સંસ્કૃતિને બદનામ કરતાં આવાં અનેક પુસ્તકો અમેરિકન લેખકો દ્વારા લખવામાં આવ્યા છે, જેને વિદ્યાવર્તુળોમાં પ્રમાણભૂત ગણીને વિદ્યાર્થીઓને કપોળકલ્પિત ઇતિહાસ ભણાવવામાં આવી રહ્યો છે. પોલ કોર્ટરાઇટ નામના બીજા લેખકે ‘ગણેશા : લોર્ડ ઓફ ઓબ્સ્ટેકલ્સ, લોર્ડ ઓફ બિગીનિંગ્સ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેમાં ભગવાન શ્રીગણેશ બાબતમાં કપોળકલ્પિત બિભત્સ વાતો લખવામાં આવી હતી.
નવાઇની વાત એ હતી કે જેફ્રી ક્રિપાલ અને પોલ કોર્ટરાઇટ બંને શિકાગો યુનિવર્સિટીમાં હિન્દુ સંસ્કૃતિનું શિક્ષણ આપતી વેન્ડી ડોનિગર નામની મહિલાના વિદ્યાર્થીઓ હતા. વેન્ડી ડોનિગરે ઇ.સ.૨૦૦૯માં ‘ધ હિન્દુસ : એન ઓલ્ટરનેટિવ હિસ્ટરી’ નામનું પુસ્તક લખ્યું હતું, જેને અમેરિકાની અનેક યુનિવર્સિટીમાં હિન્દુ સંસ્કૃતિના પ્રમાણભૂત ગ્રંથ તરીકે ભણાવવામાં આવે છે. રાજીવ મલહોત્રાએ આ પુસ્તક ખરીદીને વાંચ્યું ત્યારે તેમાં કરેલી વિકૃત રજૂઆત જોઇ તેમના રૂંવાડા ખડા થઇ ગયા.
‘ધ હિન્દુસ’ પુસ્તક વાંચીને એવી છાપ જ ઉપજે છે કે તમામ હિન્દુ દેવીદેવતાઓ સેક્સના દીવાનાઓ હતા. આ પુસ્તકનાં મુખપૃષ્ઠ ઉપર શ્રીકૃષ્ણને એક નગ્ન સ્ત્રીના નિતંબ ઉપર બેસીને વાંસળી વગાડતા ચિતરવામાં આવ્યા છે. તેમાં શંકર ભગવાનના લિંગને પુરૂષના ઉન્નત શિશ્ન સાથે સરખાવી મહાદેવને સેક્સના ભૂખ્યા દર્શાવવામાં આવ્યા છે. આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે ‘દશરથ મહારાજા સેક્સના ભૂખ્યા હતા, માટે તેમણે કૈકયીને વચનો આપ્યાં હતાં.’ તેમાં એવું લખવામાં આવ્યું છે કે ‘રાવણે સીતાનું અપહરણ કર્યું તે પહેલાં રંભા નામની અપ્સરા ઉપર‘રેપ’ કર્યો હતો. રંભાના પતિએ તેને એવો શાપ આપ્યો હતો કે ભવિષ્યમાં તું કોઇ પણ સ્ત્રીને તેની ઇચ્છાવિરુદ્ધ સ્પર્શ કરીશ તો તારો નાશ થઇ જશે.’ હિન્દુઓના પવિત્ર ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાની નિંદા કરતાં વેન્ડી ડોનેગર કહે છે કે, ગીતા અપ્રામાણિક ગ્રંથ છે, કારણ કે તેમાં હિંસાની વકીલાત કરવામાં આવી છે.
અમેરિકામાં નિયમિત રીતે વિવિધ ધર્મોની કોન્ફરન્સો ભરાતી હોય છે. તેમાં વિવિધ ધર્મગુરુઓ પોતપોતાના ધર્મોનું પ્રતિનિધિત્વ કરતા હોય છે, પણ રાજીવ મલહોત્રાએ જોયું કે વૈદિક ધર્મના પ્રતિનિધિ તરીકે અમેરિકાના તથાકથિત હિન્દુ વિદ્વાનો ભાગ લેતા હતા, જેઓ હિન્દુત્વ બાબતમાં વિકૃત વિચારો ધરાવતા હતા. રાજીવ મલહોત્રાએ વેન્ડી ડોનેગર અને તેના ચેલાઓ સામે અમેરિકાનાં અખબારોમાં લેખો લખવા માંડ્યા. તેને કારણે અમેરિકામાં ભારે ઉહાપોહ મચી ગયો. વેન્ડી ડોનેગરનું હિન્દુત્વ બાબતનું પુસ્તક ભારતમાં પણ પેન્ગ્વિન દ્વારા પ્રકાશિત થયું હતું. ભારતની શિક્ષા બચાવો આંદોલન નામની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા આ પુસ્તક સામે જાહેર હિતની અરજી કરવામાં આવી. આ અરસામાં જ ભારતમાં હિન્દુત્વનો ઝંડો ઉપાડનારી સરકાર સત્તામાં આવી હતી. આ કારણે પેન્ગ્વિને હિન્દુઓના વિરોધથી ગભરાઇ જઇને વેન્ડી ડોનેગરનું પુસ્તક બજારમાંથી પાછું ખેંચી લીધું હતું.
રાજીવ મલહોત્રા દિલ્હીની સેંટ સ્ટીફન કોલેજમાં સ્નાતક થઇને ન્યુ યોર્કની યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સ ભણ્યા હતા. અમેરિકાની આઇટી કંપનીમાં ટોચના હોદ્દા પર પહોંચ્યા પછી તેમણે પોતાની ૨૦ કંપનીઓ દુનિયાભરમાં ઊભી કરી હતી. ઇ.સ.૧૯૯૫માં આ બધી કંપનીઓ તેના કર્મચારીઓને વેચીને તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લીધી હતી અને વિદેશોમાં હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર કરવા માટે ઇન્ફિનિટી ફાઉન્ડેશન નામની બિનસરકારી સંસ્થાની સ્થાપના કરી હતી. રાજીવ મલહોત્રા હવે દેશ-વિદેશમાં ફરીને સાચી અને મૂળ હિન્દુ સંસ્કૃતિનો તેમ જ સંસ્કૃત ભાષાનો પ્રચાર કરે છે.
વિદેશના તથાકથિત નિષ્ણાતો દ્વારા ભારતના ધર્મો તેમ જ સંસ્કૃતિના થઇ રહેલા વિકૃત ચિત્રણ સામે રાજીવ મલહોત્રાએ કુલ પાંચ દળદાર પુસ્તકો લખ્યાં છે, જેની લાખો નકલો વેચાઇ ગઇ છે. હવે તેમના ફાઉન્ડેશન દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતના ઐતિહાસિક પ્રદાન બાબતમાં ૨૦ દળદાર ગ્રંથો પ્રગટ કરવાની યોજના ઘડવામાં આવી છે, જેમાંના ૧૦ તો તૈયાર થઇ ગયા છે. ભારતમાં રહેતા હિન્દુ સંસ્કૃતિના ચાહકો પણ રાજીવ મલહોત્રાને નક્કર ટેકો આપી રહ્યા છે.