- દિવ્ય ભાસ્કર….
- ન્યૂઝ વોચ….
- સંજય વોરા…
- તા. ૨૧ સપ્ટેમ્બર , બુધવાર
ભારતની જનતા ઉરી પર આતંકવાદી હુમલો કરનારા પાકિસ્તાન પર વળતો હુમલો કરવાની માગણી કરી રહી છે ત્યારે ભારત સરકારે બળવાખોર બલૂચ નેતા બ્રહમદાગ બુગતીને રાજ્યાશ્રય આપવાનો નિર્ણય કરીને પાકિસ્તાનના અસ્તિત્વને જ મિટાવી દેવાની યોજનાનો અમલ શરૂ કર્યો છે. બલૂચ રિપબ્લિકન પાર્ટીના સ્થાપક બ્રહમદાગ બુગતી પાકિસ્તાની સેનાથી પોતાનો જીવ બચાવવા માટે ઇ.સ.૨૦૦૬ થી બલૂચિસ્તાન છોડીને નાસતા ફરે છે.ઇ.સ.૨૦૧૦ સુધી તેઓ અફઘાનિસ્તાનમાં રહ્યા હતા, પણ ત્યાં પણ પાકિસ્તાની લશ્કરે તેમની હત્યા કરવાનો પ્રયાસ કરતાં તેઓ સ્વિત્ઝર્લેન્ડ ચાલ્યા ગયા હતા. જીનિવામાં રહીને તેઓ વિશ્વભરમાં ચાલતી બલૂચિસ્તાનની આઝાદી માટેની ચળવળનું સંચાલન કરે છે. બ્રહમદાગ બુગતીને જો રાજ્યાશ્રય મળશે તો તેનો અર્થ થશે કે તેમની ચળવળને ભારતનું ખુલ્લું સમર્થન છે. દલાઇ લામા જેમ ભારતમાં રહીને તિબેટની નિર્વાસિત સરકારનું સંચાલન કરે છે તેમ બ્રહમદાગ બુગતી પણ ભારતમાં રહીને બલૂચિસ્તાનની નિર્વાસિત સરકારનું સંચાલન કરશે.
હજુ ૩૪ વર્ષના બ્રહમદાગ બુગતીનું જીવન કોઇ રહસ્યકથાનાં પ્રકરણો જેવું રોમાંચક છે. તેમના દાદા નવાબ અકબર ખાન બુગતી બલૂચિસ્તાનના લડાયક કબીલાના મુખી હતા. ઇ.સ.૧૯૮૯માં તેઓ ચૂંટણી જીતીને બલૂચિસ્તાનના મુખ્ય મંત્રીના હોદ્દા સુધી પહોંચી ગયા હતા. ઇ.સ.૨૦૦૫માં તેમણે બલૂચિસ્તાનની આઝાદી માટે પાકિસ્તાન સામે યુદ્ધ છેડી દીધું હતું.પાકિસ્તાનના તત્કાલીન શાસક પરવેઝ મુશર્રફે અકબર ખાન બુગતીની હત્યા કરવાનો લશ્કરને આદેશ કર્યો હતો.
ઇ.સ.૨૦૦૫ના ડિસેમ્બરમાં પાકિસ્તાનનું લશ્કર ૮૦ વર્ષના વૃદ્ધ અકબર ખાન બુગતી અને તેમના પરિવારની હત્યા કરવા તેમના ઘરે પહોંચ્યું હતું, પણ અકબર ખાનને તેના સમાચાર મળી ગયા હોવાથી તેઓ પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા. તેમની સાથે તેમના બે પૌત્રો પણ હતા. અકબર ખાન મહિનાઓ સુધી પોતાના પરિવાર સાથે કોહલુ જિલ્લાના પર્વતોમાં આવેલી ગુફામાં સંતાઇ રહ્યા હતા. ઇ.સ.૨૦૦૬ની ૨૬મી ઓગસ્ટે પાકિસ્તાનના લશ્કરે તેમને શોધી કાઢ્યા હતા. લશ્કરે ગુફાના દરવાજા નજીક સુરંગ ગોઠવી વિસ્ફોટ કરાવ્યો હતો, જેમાં આખી ગુફા નાશ પામી હતી. આ હુમલામાં નવાબ અકબર ખાન બુગતી ઉપરાંત તેમના એક પૌત્ર સહિત ૩૭ સાથીદારો પણ માર્યા ગયા હતા.
પાકિસ્તાનના લશ્કરે નવાબ અકબર ખાનની હત્યા કરી તે પહેલા તેમનો ૨૪ વર્ષનો પૌત્ર બ્રહમદાગ પોતાનો જીવ બચાવીને સામેના પહાડ પર આવેલી ગુફામાં સંતાઇ ગયો હતો. ત્યાં રહીને તેણે ત્રણ દિવસ ચાલેલું પાકિસ્તાની મિલેટરીનું ઓપરેશન જોયું હતું, જેમાં ટેન્કો અને હેલિકોપ્ટરો ઉપરાંત ફાઇટર જેટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. દાદાની હત્યાના બીજા દિવસે બ્રહમદાગે પોતાના સાથીદારોને ભેગા કર્યા હતા અને તેઓ જીવ બચાવવા ત્યાંથી નાસી છૂટ્યા હતા.
બ્રહમદાગને ખાતરી થઇ ગઇ હતી કે હવે બલૂચિસ્તાનમાં તેઓ જીવતા રહી શકશે નહીં, માટે ભાગીને અફઘાનિસ્તાનમાં આશરો લેવાનો તેમણે નિર્ણય કર્યો હતો. પોતાના કબીલાના સશસ્ત્ર ચોકીદારોની સુરક્ષા હેઠળ તેઓ પર્વતોના રસ્તે ૧૯ દિવસ ચાલીને અફઘાનિસ્તાનમાં પહોંચી ગયા હતા. અફઘાનિસ્તાનમાં પહોંચીને તેમણે પોતાની માતાને, પત્નીને અને બે બાળકોને પણ પોતાની પાસે બોલાવી લીધા હતા. પાકિસ્તાનની સરકારને જાણ થઇ ગઇ હતી કે બ્રહમદાગ બુગતી અફઘાનિસ્તાનમાં છે. તેમણે તાલિબાન અને અલ કાયદાને બુગતીની હત્યાની સુપારી આપી હતી. તેમનાથી બચવા બ્રહમદાગ બુગતીએ ૧૮ મહિનામાં ૧૮ રહેઠાણો બદલ્યાં હતાં. એક વખત તો બુગતી કાબુલમાં જ્યાં રહેતા હતા ત્યાં નજીકમાં જ બોમ્બ પડ્યો હતો, પણ સદનસીબે તેઓ બચી ગયા હતા.
બ્રહમદાગ બુગતીએ ક્યારેય બલૂચિસ્તાનની આઝાદી માટે સશસ્ત્ર સંઘર્ષની હિમાયત કરી નહોતી; તો પણ પાકિસ્તાની સરકારે તેમને આતંકવાદી તરીકે જાહેર કરીને અફઘાનિસ્તાન સરકાર પર તેમની સોંપણી માટે દબાણ વધાર્યું હતું. પાકિસ્તાનનો બ્રહમદાગ બુગતી પરનો રાજદ્વારી હુમલો એટલો ઉગ્ર બની ગયો હતો કે હવે નાટોના દેશોએ અને અમેરિકાએ પણ અફઘાનિસ્તાન પર બુગતીને દેશવટો આપવા માટે દબાણ કર્યું હતું. અફઘાનિસ્તાન આ દબાણ સામે ટકી શકે તેમ ન હોવાથી ઇ.સ.૨૦૧૦ના ઓક્ટોબરમાં બ્રહમદાગ બુગતીએ પોતાના પરિવાર સાથે સ્વિત્ઝર્લેન્ડમાં આશરો લીધો હતો.
ઇ.સ.૨૦૦૮માં બ્રહમદાગ બુગતીએ બલૂચિસ્તાનની આઝાદીની લડતને આગળ ધપાવવા બલૂચિસ્તાન રિપબ્લિકન પાર્ટી નામના રાજકીય પક્ષની રચના કરી હતી. પાકિસ્તાને આ પક્ષના બલૂચિસ્તાનમાં રહેલા નેતાઓ પર પણ અત્યાચારો ગુજારવાનું શરૂ કર્યું હતું. તેના કેન્દ્રિય સંગઠનના આઠ નેતાઓ માર્યા ગયા છે અને પાંચ નેતાઓ ગુમ થઇ ગયા છે. બાકીના નેતાઓ બલૂચિસ્તાન છોડીને ભાગી ગયા છે અને બ્રિટન, જર્મની, ફ્રાન્સ જેવા વિવિધ દેશોમાં આશરો લઇ રહ્યા છે.
બ્રહમદાગ બુગતીએ જાહેર કર્યું છે કે તેઓ ટૂંક સમયમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ જનરલ પરવેઝ મુર્શરફ સહિતના સેનાધ્યક્ષો સામે બલૂચ પ્રજાની સામૂહિક હત્યા બદલ આંતરરાષ્ટ્રીય અદાલતમાં ખટલો માંડવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે ભારત ઉપરાંત બાંગ્લા દેશ અને અફઘાનિસ્તાન જેવા દેશોને પણ બલૂચિસ્તાનની આઝાદીની લડાઇમાં ટેકો આપવાની વિનંતી કરી છે. ભારત જો બુગતી અને તેમના સાથીદારોને રાજ્યાશ્રય આપશે તો તે પાકિસ્તાન પરનો બહુ મોટો પ્રહાર હશે.