- દિવ્ય ભાસ્કર….
- ન્યૂઝ વોચ….
- સંજય વોરા…
- તા. ૨૨ સપ્ટેમ્બર , ગુરુવાર
ગુજરાતના પાટીદારોનો જેમ અનામત પદ્ધતિ સામે વિરોધ છે તેમ મહારાષ્ટ્રના મરાઠાઓને પણ લાગતું હતું કે અનામત પદ્ધતિને કારણે તેમને શૈક્ષણિક સંસ્થાઓમાં અને સરકારી નોકરીઓમાં તકોથી વંચિત રાખવામાં આવે છે. ગુજરાતના પાટીદારોએ અનામતની માગણી સાથે હિંસક અને બોલકું આંદોલન કરીને ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો હતો, પણ મહારાષ્ટ્રના મરાઠાઓ કોઇ પણ જાતની હિંસા કે ઘોંઘાટ વિના પોતાના પ્રચંડ આંદોલનને જે રીતે આગળ ધપાવી રહ્યા છે તે જોઇને મહારાષ્ટ્રના દિગ્ગજ રાજકારણીઓની ઉંઘ પણ હરામ થઇ ગઇ છે. નવમી ઓગસ્ટે ઔરંગાબાદમાં જબરદસ્ત મૌન રેલી સાથે શરૂ થયેલાં આંદોલનમાં અત્યાર સુધીમાં ૧૦ જિલ્લામાં રેલીઓ યોજાઇ ગઇ છે. આ દરેક રેલીમાં એક લાખથી વધુ મરાઠાઓ હાજર રહ્યા હતા. કેટલીક રેલીમાં તો આ સંખ્યા ત્રણથી ચાર લાખ પર પણ પહોંચી હતી. રેલીમાં કોઇ ભાષણો નહોતાં કરવામાં આવ્યાં કે નારાઓ પોકારવામાં આવ્યા નહોતા. ફેસબુક અને વ્હોટ્સ અપના માધ્યમથી ચાલી રહેલાં આ પ્રચંડ આંદોલનનું સંચાલન કોણ કરે છે? તેનો કોઇને ખ્યાલ નથી આવતો, પણ તેમની માગણીઓ બહુ સ્પષ્ટ જણાય છે.
મહારાષ્ટ્રમાં એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા મરાઠા આંદોલનની મુખ્ય ત્રણ માગણીઓ છે : (૧) મહારાષ્ટ્રની વસતિના આશરે ૩૩ ટકા મરાઠાઓને અનામતનો લાભ મળે. (૨) દલિતોના રક્ષણ માટે ઘડવામાં આવેલા એટ્રોસિટી એક્ટનો કેટલાક દલિતો દુરૂપયોગ કરી રહ્યા છે, જેનો ભોગ મરાઠાઓ બની રહ્યા છે; માટે આ કાયદો દૂર કરવામાં આવે. (૩) તા.૧૩ જુલાઇના રોજ અહમદનગર જિલ્લાના કોપર્ડી ગામે કેટલાક દલિત યુવાનો દ્વારા મરાઠા કન્યા સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરવામાં આવી હતી. આ દુષ્કર્મ આચરનારાઓને કડકમાં કડક સજા કરવામાં આવે.
મહારાષ્ટ્રની વસતિના ૩૩ ટકા મરાઠાઓ છે. ગુજરાતના પાટીદારોની જેમ ૮૦ ટકા મરાઠાઓનો મુખ્ય વ્યવસાય કૃષિ છે, પણ જમીનોનું વિભાજન થવાને કારણે તેમની હાલત બગડતી જાય છે. સવર્ણ ગણાતા મરાઠાઓને પણ દલિતોની જેમ અનામતનો લાભ જોઇએ છે. મરાઠાઓની જે બીજી બે માગણીઓ છે એ તેમને દલિતો સાથેના સીધા સંઘર્ષમાં ઉતારે તેવી છે. મરાઠાઓની માગણી મુજબ એટ્રોસિટી એક્ટને નાબૂદ કરવાની હિમ્મત દેશનો કોઇ રાજકીય પક્ષ કરી શકે તેમ નથી.
મરાઠા આંદોલનનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે કોઇ પણ રાજકીય પક્ષ કે રાજકારણીની સંડોવણી કે પ્રેરણા વિના આ સમગ્ર આંદોલન ઊભું થયું છે અને આગળ વધી રહ્યું છે. કદાચ આ આંદોલનની કમાન કોલેજિયન યુવકયુવતીઓના હાથમાં છે, જેઓ કોઇ પણ જાતની રાજકીય દખલ વિનાના ન્યાય અને સમાનતાના સિદ્ધાંતવાળા સમાજની કલ્પના કરે છે. આંદોલનમાં સમાજના દરેક વર્ગના લોકો સામેલ થાય છે, જેમાં ડોક્ટરો, વકીલો અને શિક્ષકોનો પણ સમાવેશ થાય છે.
લાતુરમાં સોમવારે યોજાયેલી મરાઠા મૌન રેલીના હેવાલ પરથી આપણને આ આંદોલન કઇ રીતે આગળ વધી રહ્યું છે, તેનો ખ્યાલ આવશે. આ રેલીની જાહેરાત માટે કોઇ પોસ્ટર બનાવવામાં નહોતાં આવ્યાં કે પેમ્ફલેટો વહેંચવામાં નહોતાં આવ્યાં. માત્ર ફેસબુક અને વ્હોટ્સ એપ પર રેલીની જાહેરાત વાંચીને આશરે એક લાખ લોકો ભેગા થયા હતા. તેમની રેલી ચાર કલાક ચાલીને કલેક્ટરની કચેરી પર પહોંચી હતી. તેમણે કોઇ નારાઓ પોકાર્યા નહોતા, રસ્તા પર બિલકુલ કચરો કર્યો નહોતો અને પોલિસ સાથે કોઇ ટસલ પણ કરી નહોતી. રેલીમાં ભાગ લેનારી પાંચ કોલેજિયન યુવતીઓ કલેક્ટરને મળવા ગઇ હતી અને તેમના હાથમાં પોતાની માગણીઓની યાદી પકડાવી દીધી હતી. બારમાં ધોરણમાં ભણતી તૃપ્તિ કદમ નામની વિદ્યાર્થિનીએ ત્રણ માગણીઓ વાંચી સંભળાવી હતી. યુવતીઓ કલેક્ટરને મળીને પાછી આવી ત્યારે લોકો રાષ્ટ્રગીત ગાઇને શાંતિથી વિખરાઇ ગયા હતા.
કલેક્ટરને આવેદનપત્ર આપનાર તૃપ્તિ કદમ પોતે બારમાં ધોરણમાં ભણતી હતી. તેણે મેડિકલની પ્રવેશ પરીક્ષા આપી છે અને પરિણામની રાહ જોઇ રહી છે. તૃપ્તિએ પત્રકારોને જણાવ્યું હતું કે, ‘‘કોપર્ડીમાં મરાઠા કન્યા સાથે જે દુષ્કર્મ થયું તેને કારણે હું હચમચી ગઇ હતી. અમારું આંદોલન તદ્દન બિનરાજકીય છે. વળી તે કોઇ જ્ઞાતિ કે જાતિ સામે નથી. અમારા સમાજના ૯૦ ટકા લોકોનું ગુજરાન ખેતીવાડીથી ચાલે છે. દર વખતે ચોમાસું નિષ્ફળ જાય ત્યારે અમારા ખેડૂતોને આપઘાત કરવાની ફરજ પડે છે. અમારી કોમને પણ શિક્ષણમાં અને સરકારી નોકરીઓમાં અનામતની જરૂર છે.’’ કોલેજમાં ભણતી તૃપ્તિની આ વાત દ્વારા મહારાષ્ટ્રની મરાઠા કોમની વિટંબણાનો ખ્યાલ આવે છે.
મહારાષ્ટ્રના મરાઠા આંદોલનને કારણે મરાઠા રાજકારણીઓ સહિતના નેતાઓ ઉંઘતા ઝડપાઇ ગયા છે. જ્યારે તેમના પોતાના મતવિસ્તારમાં પ્રજાની વિરાટ રેલી નીકળે ત્યારે તેમણે પોતાની મતબેન્ક જાળવવા તેમાં હાજર રહેવું જરૂરી બની જાય છે. સોમવારે લાતુરમાં જે રેલી યોજાઇ તેમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વર્તમાન સંસદસભ્ય અશોક ચવાણ વગર આમંત્રણે દોડી આવ્યા હતા, પણ કોઇ પણ જાતની વીઆઇપી ટ્રિટમેન્ટ વિના તેમણે રેલીમાં ભાગ લીધો હતો. અત્યાર સુધી ઔરંગાબાદ ઉપરાંત પરભણી, બીડ, જલગાંવ, ઓસમાનાબાદ અને લાતુર જિલ્લાઓમાં આ પ્રકારની રેલીઓ યોજાઇ ગઇ છે. હવે મુંબઇમાં પ્રચંડ રેલી યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. જો આ પ્રકારનું આંદોલન આડે માર્ગે ફંટાયા વિના સફળ થાય તો તેના થકી સમાજમાં કોઇ ક્રાંતિ થયા વિના રહેશે નહીં.